News of Thursday, 10th July 2025
ગુરુપૂર્ણિમા નિમિત્તે સાળંગપુર શ્રી કષ્ટભંજન દેવ હનુમાનજી દાદાને જરદોશી વર્કના વાઘા-સેવંતી- ગલગોટાના 250 કિલોથી વધુ ફુલનો શણગાર : 51 કિલો સુખડીનો પ્રસાદ : સદ્ગુરુશ્રી ગોપાળાનંદ સ્વામીનું ભાવપૂજન-અર્ચન-આરતી
પ.પૂ.શાસ્ત્રી સ્વામી હરિપ્રકાશદાસજી (અથાણાવાળા)ની પ્રેરણાથી તેમજ કોઠારીશ્રી વિવેકસાગરદાસજી સ્વામીના માર્ગદર્શનથી ગુરુપૂર્ણિમા એવં વ્યાસપૂર્ણિમા નિમિત્તે પર્વની વિશેષ ઉજવણી

રાજકોટ તા.૧૦ : ગુરુપૂર્ણિમાંના પવિત્ર દિને સાળંગપુર શ્રી કષ્ટભંજન દેવ હનુમાનજી દાદાને પ્યોર સિલ્કના જરદોશી વર્કના વાઘા, સેવંતી અને ગલગોટાના 250 કિલોથી વધુ ફુલનો શણગાર, સદ્ગુરુશ્રી ગોપાળાનંદ સ્વામીનું ભાવપૂજન-અર્ચન-આરતી એવં દાદાને 51 કિલો સુખડીનો પ્રસાદ ધરાવવામાં આવ્યો હતો.
શ્રીસ્વામિનારાયણ મંદિર વડતાલધામ સંચાલિત સુપ્રસિદ્ધ યાત્રાધામ સાળંગપુરધામ શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજી મંદિર ખાતે પ.પૂ.શાસ્ત્રી સ્વામી હરિપ્રકાશદાસજી (અથાણાવાળા)ની પ્રેરણાથી તેમજ કોઠારીશ્રી વિવેકસાગરદાસજી સ્વામીના માર્ગદર્શનથી ગુરુપૂર્ણિમા એવં વ્યાસપૂર્ણિમા નિમિત્તે પર્વની વિશેષ ઉજવણી કરવામાં આવી. આજે તા.10-07-2025ને ગુરુવારના રોજ શ્રીકષ્ટભંજનદેવને દાદાને આજે દિવ્યવાઘા પહેરાવામાં આવ્યા છે. દાદાના સિંહાસને સેવંતી,ગુલાબ અને ગલગોટાના ફુલનો પણ શણગાર કરાયો છે. તેમજ સવારે 05:30 કલાકે મંગળા આરતી તથા 7:00 કલાકે શણગાર આરતી કોઠારીશ્રી વિવેકસાગરદાસજી સ્વામી દ્વારા કરવામાં આવેલ. દાદાને વિશેષ સુખડીનો અન્નકૂટ ધરાવવામાં આવ્યો હતો, આજે દાદાનું વિશેષ પૂજન કરાયું હતું.
આજના શણગાર વિશે પૂજારી સ્વામીએ જણાવ્યું કે, આજે પવિત્ર વ્યાસ પૂર્ણિમા અને ગુરુ પૂર્ણિમા નિમિત્તે શ્રીકષ્ટભંજન દેવ હનુમાનજીને વૃંદાવનમાં 7 કારીગરો દ્વારા 15 દિવસની મહેનતે બનાવેલા પ્યોર સિલ્કના જરદોશી વર્કના વાઘા પહેરાવામાં આવ્યા છે. આ વાઘામાં ફુલ અને ડાળીની ડિઝાઈન છે. દાદાના સિંહાસને સેવંતી અને ગલગોટાના 250 કિલોથી વધુ ફુલનો શણગાર કરવામાં આવ્યો છે. આ શણગાર કરતા 6 સંતો, પાર્ષદ અને ભક્તોને 4 કલાકનો સમય લાગ્યો હતો. તો આજે દાદાને 51 કિલો સુખડીનો પ્રસાદ ધરાવવામાં આવ્યો છે.
ગુરુપૂર્ણિમાંના પવિત્ર દિને સવારે 6:30 થી 7:00 કલાક દરમિયાન સદ્ગુરુશ્રી ગોપાળાનંદ સ્વામીનું ભાવપૂજન-અર્ચન-આરતી કરી સદ્ગુરુશ્રી ગોપાળાનંદ સ્વામીની આરતી પ.પૂ. નારાયણમુની સ્વામી એવં કોઠારીશ્રી વિવેકસાગરદાસજી સ્વામી-અથાણાવાળા દ્વારા કરવામાં આવ્યુ હતું. મંદિરમાં યજ્ઞશાળામાં મારુતિ યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું હતું.તેમજ ગુરુ પૂર્ણિમા પર્વની હાર્દિક શુભકામના પાઠવી હતી.
મંદિરમાં સાંજે 04:30 કલાકે શ્રી કષ્ટભંજનદેવનું દિવ્ય ષોડશોપચાર પૂજનનું આયોજન કરવામાં આવ્યુ હતું. ફૂલોનો શણગાર સાથોસાથ ફળ,પુષ્પ, ડ્રાયફ્રુટ વિગેરે ધરવવામાં આવ્યા હતા, પુષ્પવર્ષા કરવામાં આવી હતી, સાંજે 7:00 કલાકે શ્રી કષ્ટભંજનદેવની સંધ્યા આરતી કોઠારીશ્રી વિવેકસાગરદાસજી સ્વામી-અથાણાવાળા દ્વારા કરવામાં આવી હતી.
શ્રી કષ્ટભંજન દેવ હનુમાનજી મહારાજ એવં સંતોના આ અનેરા દર્શનનો લાભ હજારો ભક્તોએ ઓનલાઈન તથા પ્રત્યક્ષ લાભ લઈ ધન્યતાનો અનુભવ કરેલ.
(12:20 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
