<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 10th July 2025

થાનમાં વરસાદી વાતાવરણમાં નિઃસહાય ભટકતી મહિલા અને તેની બાળકીની વ્‍હારે આવતી ૧૮૧ મહિલા હેલ્‍પલાઇન ટીમ

વઢવાણ, તા.૧૦: થાનગઢ તાલુકામાં ૧૮૧ મહિલા હેલ્‍પલાઇનની ટીમે વરસાદી વાતાવરણમાં નિઃસહાય ભટકતી એક મહિલા અને તેની બાળકીને સુરક્ષિત આશ્રય પૂરો પાડી સંવેદનશીલ કામગીરી કરી માનવતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્‍યું હતું.

એક અજાણી અસ્‍થિર મગજની મહિલા પોતાની નાની બાળકી સાથે મૂંઝાયેલી હાલતમાં વરસાદમાં આમથી તેમ ભટકી રહી હતી. એ જોઈને સુરેન્‍દ્રનગરના એક જાગળત નાગરિકે ૧૮૧ અભયમ ટીમને જાણ કરી. ફોન આવતાની સાથે જ ૧૮૧ ટીમના કાઉન્‍સેલર શ્રી ચંદ્રિકાબેન મકવાણા, મહિલા પોલીસ કોન્‍સ્‍ટેબલ શ્રી સુનિતાબેન અને પાયલોટ શ્રી સુરેશભાઈ તાત્‍કાલિક ઘટનાસ્‍થળે પહોંચી ગયા હતા.

મહિલાનું કાઉન્‍સેલિંગ કરતા જાણવા મળ્‍યુ હતુ કે, તે પાટણના વતની છે અને તેના પતિનું અવસાન થયું છે. તેણીને ૧૨ મહિનાની એક દીકરી છે અને હાલ તેઓ ગર્ભવતી છે. હાલ તેનું કોઈ ઘર નથી, કોઈ સગાં-સંબંધી નથી તેવું જણાવ્‍યું હતું. તેઓ માનસિક રીતે પણ અસ્‍વસ્‍થ જણાતા હતા.

પીડિત મહિલાને તાત્‍કાલિક આશ્રયની જરૂર હોવાથી, ૧૮૧ની ટીમ દ્વારા તેઓને થાનગઢથી સુરેન્‍દ્રનગર લાવવામાં આવ્‍યા હતા. ત્‍યારબાદ, પીડિતાને ટૂંકા અને લાંબા ગાળાનો આશ્રય મળી રહે તે માટે તેમને સખી વન સ્‍ટોપ સેન્‍ટરમાં સુરક્ષિત આશ્રય આપવામાં આવ્‍યો હતો. ૧૮૧ મહિલા હેલ્‍પલાઇન ટીમે આવા કપરા સંજોગોમાં એક નિરાધાર મહિલા અને તેની બાળકીને મદદ કરીને પ્રશંસનીય કામગીરી કરી છે, જે સમાજ માટે એક પ્રેરણાદાયક ઉદાહરણ પૂરું પાડે છે.

આ ઘટના ૧૮૧ મહિલા હેલ્‍પલાઇનની નિષ્ઠા, સંવેદનશીલતા અને ત્‍વરિત કાર્યવાહીનું પ્રતિબિંબ છે. આ ટીમની કામગીરીથી નિઃસહાય મહિલા અને તેની બાળકીને માત્ર આશ્રય જ નહીં, પરંતુ નવું જીવન શરૂ કરવાની આશા પણ મળી છે.

(1:02 PM IST)