<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 10th July 2025

ગુજસીટોકનો ફરાર આરોપી જુનાગઢના કારા રબારીને પોલીસે પીછો કરી ઝડપી લીધો

બે મહિનાથી પોલીસ દોડધામ કરતી'તીઃ બે પોલીસ વાહનને લોસ કરી નાખ્‍યા તેવી ટકકર મારી પણ જીવના જોખમે ઝડપી લેવાયો : આરોપી વિરૂધ્‍ધ ૧૦૭ ગુન્‍હા નોંધાયેલ છેઃ શરતી જામીન ઉપર હતોઃ કારમાં તેડવા ગયેલ સાગ્રીત રાજુ રબારીને પણ ફિલ્‍મી ઢબે ઝડપી લેવાયો

જુનાગઢમાં કાળા દેવરાજનું રીકન્‍ટ્રકશન કરાવતી પોલીસઃ જુનાગઢનો કુખ્‍યાત ગુનેગાર કાળા દેવરાજને તેના સાગરીત સાથે ઝડપી લીધા બાદ ગાંધીગ્રામ વિસ્‍તારમાં એસ.પી. સુબોધ ઓડેદરા તથા ડીવાયએસપી હિતેષ ધાંધલ્‍યાના માર્ગદર્શન હેઠળ લોખંડી બંદોબસ્‍ત વચ્‍ચે એલસીબી પીઆઇ જતિન પટેલ પીએસઆઇ ડી. કે. ઝાલા સી ડીવીઝન પી.આઇ. વી. જે. સાવજ સહિત પોલીસની ટીમ દ્વારા રિકન્‍ટ્રકશન કરવામાં આવ્‍યું હતું અને લોકોના મનમાંથી ભય દુર કરવા તેનું પગપાળા સરઘસ કાઢવામાં આવેલ ત્‍યારે આ વિસ્‍તારમાં એસ.પી. સુબોધ ઓડેદરા અને ડીવાયએસપી હિતેષ ધાંધલ્‍યા પણ ઉપસ્‍થિત રહ્યા હતા. (અહેવાલઃ વિનુ જોષી તસ્‍વીરઃ મુકેશ વાઘેલા)

જુનાગઢ તા. ૧૦: શહેર ‘‘સી'' ડીવીજન પોલીસ સ્‍ટેશન કલમ ૧૨૧(૨), ૧૩૨, ૨૨૧, ૩૫૧(૩), ૫૪ મુજબના ગુજસીટોકના ગુન્‍હાના કામે આરોપી કારા દેવરાજ રાડા રહે. જુનાગઢ વાળાને અટક કરી  કોર્ટમાં રજુ કરેલ હોય અને વોરંટ ભરી આપતા તેને મહેસાણા જેલમાં મોકલી આપેલ હતો. ત્‍યારબાદ  હાઇકોર્ટ અમદાવાદ ખાતેથી જામીન પર મુક્‍ત થયેલ મજકૂર આરોપીએ જામીનની શરતોનો ભંગ કરતા સ્‍પેશ્‍યલ ગુજસીટોક સેસન્‍સ કોર્ટ, રાજકોટને જામીન રદ થવા અરજી કરતા  કોર્ટે તા.૨૭/૦૩/૨૦૨૫ થી આરોપીના જામીન રદ કરી તેના વિરુધ્‍ધ ધરપકડ વોરંટ ઇસ્‍યુ કરેલ હતું. તેમજ મજકૂર આરોપી વિરૂધ્‍ધ ૧૦૭ જેટલા ગુનાઓ દાખલ થયેલ હોય અને ખુબ જ રીઢો અને અવાર નવાર ગુનાઓ કરવાની ટેવ વાળો હોય અને પોલીસ કાર્યવાહીથી વાકેફ હોય. અને પોતે એરેસ્‍ટ ન થાય તેમજ પોતે ગેરકાયદેસર કબજો કરેલ મિલ્‍કતોનું ડિમોલેશન ન થાય તે માટે પોતે પોતાના પરીવારના મહિલા સભ્‍યોને તથા કેટલાક અસમાજીક તત્‍વોને આગળ કરી સોશ્‍યલ મીડીયાના માધ્‍યમ પર પોલીસ વિરૂધ્‍ધ ખોટા આક્ષેપો વાળા અવાર નવાર વિડિયો મુકતો હતો.

પોલીસ મહાનિરીક્ષકશ્રી નિલેષ જાજડીયા  તથા પોલીસ અધિક્ષકશ્રી સુબોધ ઓડેદરા નાયબ પોલીસ અધીક્ષકશ્રી હિતેષ ધાંધલીયા દ્વારા સુચનાઓ કરેલ હોય. જેથી ક્રાઇમ બ્રાન્‍ચની કચેરીના અધિકારીઓ અને પો.સ્‍ટાફના માણસોની અલગ અલગ ટીમો બનાવી  બે મહિનાથી પ્રયાસો કરવામાં આવેલ હતા.

 દરમ્‍યાન હકિકત મળેલ કે, મજકૂર આરોપી મેંદરડા અને વિસાવદરની સીમમાં છુપાયેલ છે અને વહેલી સવારના તેને જુનાગઢનો રાજુ ઉર્ફે રાજુ ઘોડી પુંજાભાઇ રાડા બ્‍લુ કલરની ફોર વ્‍હીલ લઇને લેવા જવાનો છે અને આરોપી સાથે બાદલપુર તરફથી જામકા ચોકડી થઇ ખડીયા તરફથી જુનાગઢ બાજુ આવવાનો છે. તેવી  હકિકત મળતા ક્રાઇમ બ્રાન્‍ચના પોલીસ ઇન્‍સ. જે.જે.પટેલ  ટીમો બનાવી ખાનગી વાહનોમાં વોચમાં રહેલ અને રોડ બ્‍લોક કરાવતા જેની આરોપી કારા દેવરાજને જાણ થઇ જતા પોતાના હવાલાની ફોર વ્‍હિલ કાર યુ ટર્ન વાળી ભાગવા જતા વોચમાં રહેલ ટીમના સભ્‍યો મજકૂર આરોપીની કારનો જાનના જોખમે પીછો કરતા આવતા હોય તે ટીમના સભ્‍યોએ ખાનગી વાહન સાથે રોડ બ્‍લોક કરી ઉભી રાખવા ઇશારો કરતા મજકૂર આરોપી કારા દેવરાજએ પોતાના હવાલાની ફોર વ્‍હિલ કાર મારી નાખવાના ઇરાદે ટીમના સભ્‍યો પર નાખી બે ફોર વ્‍હિલને ટકકર મારી જીવલેણ હુમલો કરી પોલીસ કર્મચારીઓને ઇજાઓ કરી બંન્ને ગાડીઓને ટોટલ લોસ્‍ટ કરી નાખેલ તેમછતા મજકૂર બન્‍ને આરોપીઓને જીવના જોખમે પકડી પાડવામાં આવેલ છે.

મજકૂર બંન્ને આરોપીઓ વિરૂધ્‍ધ ક્રાઇમ બ્રાન્‍ચના પો.ઇન્‍સ.શ્રી જે.જે.પટેલનાઓએ જુનાગઢ તાલુકા પો.સ્‍ટે.માં ગુ.ર.નં. ૧૧૨૦૩૦૨૫૦૪૩૫ ભારતીય ન્‍યાય સંહિતા -૨૦૨૩ની કલમ ૨૮૧, ૧૦૯(૧), ૧૨૧(૧), ૩૨૪(૫), ૫૪ તથા એમ.વી.એકટ કલમ ૧૮૩, ૧૮૪ મુજબનો ગુનો રજીસ્‍ટર કરાવવામાં આવેલ છે. તેમજ તપાસ દરમ્‍યાન મજકૂર આરોપીઓના હવાલના વાળી મારૂતી સ્‍વીફટ બ્‍લુ કલરની રજી નં.જીજે-૧૮-બીપી-૦૦૭૧ માંથી ઘાતક હથીયારો પણ મળી આવેલ છે. તેમજ મજકૂર આરોપી કારા દેવરાજ કયાં છુપાયેલ, તેમજ તેમને કોને કોને મદદ કરેલ તેમજ છેલ્લા બે મહિનાની અંદર કોઇ ગુનાઓ કરેલ છે કે કેમ? તેમજ સોશ્‍યલ મીડીયા પ્‍લેટ ફોર્મ પર મુકેલ વિડિયો બાબતેની તપાસ હાલ ચાલુ છે.   

આ કામગીરીમા પો.સ્‍ટાફના નિકુલભાઇ પટેલ, દિવ્‍યેશકુમાર ડાભી, દિપકભાઇ બડવા, આઝાદસિંહ સીસોદીયા, ઇન્‍દ્રજીતસિંહ ઝાલા, વનરાજસિંહ ચુડાસમા, જીતેષભાઇ મારૂ, મયુરભાઇ કોડિયાતર, વનરાજભાઇ ચાવડા તથા જુનાગઢ રેન્‍જના પો.કોન્‍સ. પ્રવિણભાઇ મોરી જોડાયા હતા.

(2:11 PM IST)