<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 10th July 2025

સૌરાષ્ટ્રમાં મેઘતાંડવ : ભાવનગરના ગારીયાધારમાં ૫ થી ૬ ઇંચ વરસાદથી નદીઓ ગાંડીતૂર : ચોમલ - માનગઢમાં પાણી ઘૂસ્યા: ૧૬ વર્ષના યુવાનનું કરુણ મોત! : જૂઓ વિડીયો

ધસમસતા પાણીના પ્રવાહમાં તણાઈ ગયેલા કરણ પ્રવીણભાઈ વાઢેરાનો મૃતદેહ મળી આવ્યો : ગ્રામજનો અને પોલીસે શોધખોળ હાથ ધરી : ૧૦૮ મારફતે પીએમ માટે ખસેડાયો : પંથકમાં શોકનો માહોલ

ગારીયાધાર : આજે સૌરાષ્ટ્રના વાતાવરણમાં અચાનક પલટો જોવા મળ્યો હતો અને ભાવનગર જિલ્લાના ગારીયાધાર તાલુકામાં મેઘતાંડવ સર્જાયું હતું. ખાસ કરીને ચોમલ ગામ માં ૫ થી ૬ ઇંચ જેટલો ભારે વરસાદ નોંધાતા નદીઓ ગાંડીતૂર બની હતી. ભારે વરસાદને કારણે ચોમલ અને માનગઢ ગામમાં નદીના પાણી ઘૂસી ગયા હતા, જેના પગલે સ્થાનિક લોકોમાં ભયનો માહોલ છવાઈ ગયો હતો.
આ ધસમસતા પાણીના પ્રવાહમાં એક કરુણ ઘટના બની હતી, જેમાં કરણ પ્રવીણભાઈ વાઢેરા નામનો ૧૬ વર્ષનો યુવાન તણાઈ ગયો હતો. ઘટનાની જાણ થતાં જ ગામ લોકો અને પોલીસે તાત્કાલિક ધોરણે શોધખોળ હાથ ધરી હતી. કલાકોની જહેમત બાદ આખરે યુવાનનો મૃતદેહ મળી આવ્યો હતો.
યુવાનના મૃત્યુથી સમગ્ર પંથકમાં શોકનો માહોલ છવાઈ ગયો છે. મૃતક કરણ વાઢેરાના મૃતદેહને ૧૦૮ એમ્બ્યુલન્સ મારફતે ગારીયાધાર સરકારી હોસ્પિટલ ખાતે પોસ્ટમોર્ટમ (પીએમ) માટે ખસેડવામાં આવ્યો છે. આ ઘટનાએ ચોમાસાની શરૂઆતમાં જ ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદી આફતની ભયાનકતાનો અહેસાસ કરાવ્યો છે. તંત્ર દ્વારા પણ લોકોને સાવચેત રહેવા અને નદી-નાળા નજીક ન જવા અપીલ કરવામાં આવી છે. (કર્ટસી : ચંદ્રેશ પટેલ, પાનેલી મોટી )

 

(8:18 PM IST)