<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 11th July 2025

કચ્છમાં ઉદ્યોગોને નવા વીજ જોડાણો માટે ગેટકોના નનૈયાથી નારાજ ઇન્ડસ્ટ્રીઝ સંગઠન ફોકિયાની ઉર્જા મંત્રી સમક્ષ રજૂઆત

એક બાજુ સરકારની ઉદ્યોગલક્ષી નીતિથી ૧.૭૦ લાખ કરોડનું મૂડી રોકાણ બીજી બાજુ ૨૦ હજાર મેગાવોટ વીજ ઉત્પાદન કરતા કચ્છમાં જ વીજ જોડાણ માટે ફાંફા

(વિનોદ ગાલા દ્વારા)ભુજ તા.૧૧ :  ફેડરેશન ઓફ કચ્છ ઇન્ડસ્ટ્રીઝ એસોસિએશન (ફોકિઆ) દ્વારા ગુજરાત સરકારના નાણાં, ઊર્જા અને પેટ્રોકેમિકલ્સ મંત્રી  કનુભાઈ દેસાઈ તેમજ ઉર્જા વિભાગના ઉચ્ચ અધિકારીઓને મળીને કચ્છના પૂર્વીય વિસ્તારમાં ટ્રાન્સમિશન નેટવર્કના ઓવરલોડિંગને કારણે નવા HT/EHT કનેક્શનની ના પાડવામાં આવતી હોવાની સમસ્યા ઉઠાવવામાં આવી છે. મંત્રીશ્રીને રૂબરૂ રજૂઆત દરમ્યાન જણાવવામાં આવ્યું હતું કે, રાજ્ય સરકારની ઉદ્યોગિક વિકાસ લક્ષી નીતિઓ, બે મુખ્ય બંદરોનો વ્યૂહાત્મક લાભ, વિશાળ જમીનની ઉપલબ્ધતા અને લગભગ ૨૦,૦૦૦ મેગાવોટની થર્મલ અને રિન્યુએબલ પાવર જનરેશન ક્ષમતાને કારણે કચ્છમાં ઔદ્યોગિક વિકાસ ઝડપથી થઇ રહ્યો છે. અને હાલ માં લગભગ રૂપિયા એકલાખ સિત્તેરહજાર(૧,૭૦,૦૦૦) કરોડ જેટલું રોકાણ કાર્યરત છે. તત્કાલીન મુખ્યામંત્રી અને હાલ ના પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ એ શરૂ કરેલ વાઇબ્રન્ટ ગુજરાત સમિટ અને ત્યાર બાદ મુખ્યમંત્રી  ભૂપેન્દ્રભાઈ પટેલની રોકાણકારો સાથે સતત જોડાણની પહેલથી આ વિસ્તારમાં સતત મોટા  રોકાણો આવી રહ્યા છે. જોકે, પૂર્વીય કચ્છ, ખાસ કરીને અંજાર વિસ્તારમાં, હાલના અને આગામી ઔદ્યોગિક એકમોને નવા HT/EHT કનેક્શન મેળવવામાં મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે. ગેટકોના ટ્રાન્સમિશન ડિવિઝનના ફિઝિબિલિટી રિપોર્ટ્સમાં ટ્રાન્સમિશન નેટવર્કના ઓવરલોડિંગનું કારણ આપીને નવા/વધારાના લોડ કનેક્શનની ના પાડવામાં આવી રહી છે. ફોકિઆના સભ્ય ઉદ્યોગો માટે આ ગંભીર ચિંતાનો વિષય છે. ફોકિઆએ મંત્રીશ્રીને આ મુદ્દે હસ્તક્ષેપ કરવા અને ટ્રાન્સમિશન નેટવર્કના અપગ્રેડેશન તેમજ ક્ષમતા વધારવાની યોજના બનાવવા વિનંતી કરી છે. આ સમસ્યાને કારણે માત્ર વિસ્તારનો વિકાસ જ નહીં, પરંતુ PGVCL, GETCO અને એકંદરે અર્થતંત્રની આવકની સંભાવના પર પણ અસર પડી શકે છે. ફોકિઆના મેનેજિંગ ડિરેક્ટર શ્રી નિમિષ ફડકેએ જણાવ્યું કે, "આ મુદ્દે તાત્કાલિક ધ્યાન આપવું જરૂરી હોતા મંત્રીશ્રી પાસે રૂબરૂ રજૂઆત કરી હતી. વધુ માં જણાવ્યું હતું કે, ફોકિઆએ ગુજરાતની ઉદ્યોગ-અનુકૂળ નીતિઓમાં રોકાણકારોનો વિશ્વાસ જાળવી રાખવા અને કચ્છના ઔદ્યોગિક વિકાસને ગતિ આપવા માટે મંત્રીશ્રીના સકારાત્મક, ત્વરિત હસ્તક્ષેપ માટે તેમનો આભાર માને છે." વધુમાં ફોકિઆ પ્રતિનિધિ મંડળએ પુનઃપ્રાપ્ય ઉર્જાના ડેવલોપર્સ દ્વારા લીઝ પર લેવાયેલી પ્રાઇવેટ જમીન ઉપરાંત પ્રોજેક્ટ ની વચ્ચે આવતી સરકારી જમીન, કુલ જમીનના ૨૦% જેટલી લીઝ પર આપવા માટે રજૂઆત કરી હતી. વધુમાં નવા ઔદ્યોગિક એકમો અને વિસ્તરણ કરતા ઔદ્યોગિક એકમોને ઈલેક્ટ્રિસિટી ડ્યુટી માફી વખતે PGVCL દ્વારા કરવામાં આવતી ગણતરીની પદ્ધતિ ખામી પૂર્વક હોવાનું જણવી સાચી પદ્ધતિનો અમલ કરવા રજૂઆત કરી હતી. પ્રતિનિધિ મંડળે ઉદ્યોગોને જાહેર કરાયેલા સવારે ૧૧ થી બપોરે ૩ વાગ્યા સુધીના ઓફ-પીક સમય દરમ્યાન પ્રતિ યુનિટ ૬૦ પૈસા ડિસ્કાઉન્ટનો લાભ એપ્રિલથી જૂન મહિના ના બિલીંગ દરમ્યાન અપાયેલ ન હોઈ, એ એપ્રિલ મહિનાથી અમલમાં આવે તે રીતે હવેના બીલો માં લાભ આપવા રજૂઆત કરી હતી. આ બેઠકમાં ઊર્જા અને પેટ્રોકેમિકલ્સ વિભાગ ના અગ્ર સચિવ શ્રી એસ. જે. હૈદર એ GETCOના MD શ્રી ઉપેન્દ્ર પાંડે ને ત્વરિત કાર્યવાહી કરવા સુચના આપી હતી. આ ઉપરાંત તેમણે બાકી ના મુદ્દાઓ પર પણ તેમણે ત્વરિત યોગ્ય કરવા ખાતરી આપી હતી. આ ઉચ સ્તરીય બેઠક માં GETCOના MD શ્રી પાંડે ઉપરાંત PGVCL રાજકોટ ના MD શ્રી કેતન પી. જોશી, શ્રીમતી ભક્તિબેન (EPD), મુખ્ય ઇજનેર (GETCO – R&C) શ્રી વસાવા અને અન્ય ઉચ્ચ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. ફોકિઆ પ્રતિનિધિ મંડળમાં શ્રી શાલીન અગ્રવાલ અને યુવરાજસિંહ જાડેજા, રત્નમણી મેટલ્સ ના શ્રી વિરેન્દ્ર યાદવ, આશાપુરા ના શ્રી રાજુલ શાહ અને શ્રી ભાટીયા હાજર રહ્યા હતા.

 

આ સબ સ્ટેશનમાં ઉદ્યોગોને પડે છે તકલીફ

 

ફોકિઆએ દલીલ કરી છે કે ગેટકોનું આ વલણ ટેકનિકલ અને વ્યાપારી રીતે ન્યાયી નથી, કારણ કે ગેટકો HT/EHT ગ્રાહકો પાસેથી પ્રો-રાટા ચાર્જીસ વસૂલ કરે છે. ધોરણો અનુસાર, જરૂરી ઇન્ફ્રાસ્ટ્રક્ચર વિકસાવવાની જવાબદારી ગેટકોની છે, નહીં કે અરજદારની. PGVCLએ પણ આ મુદ્દે ગેટકોને ચિંતા વ્યક્ત કરી છે. નીચેના ૬૬ KV સબસ્ટેશનોમાં ફિઝિબિલિટી નકારવામાં આવી હોવાનું જણાવા મળ્યું છે: 1.​કિડાણા, 2.​રામપર (તુણા), 3.ભીમાસર, 4.​ખોખરા, 5.​રાતા તળાવ, 6.​વરસાણા, 7.​પડાણા, 8.​મિઠીરોહર, 9.​મથડા,10.​ખેડોઈ.

(9:32 AM IST)