News of Friday, 11th July 2025
ઘરેથી નીકળી ઘંસારી ગામે આટો મારવા જતી વખતે બનાવ
કેશોદના ચાંદીગઢ પાસે બાઇક સ્લીપ થઇ જતાં અજાબના દેવજીભાઇનું મોત : પ્રોઢને સારવાર દરમિયાન રાજકોટમાં દમ તોડયોઃ પરિવારમાં શોક

રાજકોટ તા. ૧૧: કેશોદના અજાબ ગામના પ્રોઢનું ચાંદીગઢ ગામના પાટીયા પાસે બાઇક સ્લીપ થઇ જતાં ગંભીર ઇજા થવાથી મૃત્યુ થયું છે. તેઓ ઘરેથી નજીકના ઘંસારી ગામે આટો મારવા જઇ રહ્યા હતાં ત્યારે બનાવ બન્યો હતો.
જાણવા મળ્યા મુજબ કેશોદના અજાબ ગામે રહેતાં દેવજીભાઇ રામજીભાઇ સાગરકા (ઉ.વ.૫૦) તા. ૨૦ જુનના સાંજે સાડા પાંચેક વાગ્યે ઘરેથી બાઇક લઇને નજીકના ઘંસારી ગામ તરફ આટો મારવા જવાનું કહીને ઘરેથી નીકળ્યા હતાં. બાદમા ંચાંદીગઢના પાટીયા પાસે પહોંચ્યા ત્યારે બાઇક સ્લીપ થઇ જતાં ફંગોળાઇ જતાં ગંભીર ઇજા થઇ હતી. તેમને સારવાર માટે કેશોદ અને ત્યાંથી જુનાગઢ હોસ્પિટલમાં ખસેડાયા હતાં.
વધુ સારવાર માટે રાજકોટ દાખલ કરાયા હતા. રજા અપાયા બાદ ગત નવમી તારીખે ફરી તબિયત બગડતાં ફરીથી રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતાં. અહિ ગત રાતે તેમનું મૃત્યુ થતાં હોસ્પિટલ ચોકીના રામશીભાઇ વરૂ, મહેશભાઇ જોગડા, પ્રશાંતભાઇ, ધર્મેન્દ્રભાઇ સહિતે કેશોદ પોલીસને જાણ કરી હતી. મૃત્યુ પામનાર દેવજીભાઇ બે ભાઇ અને બે બહેનમાં મોટા હતાં. સંતાનમાં એક દિકરો અને એક દિકરી છે. પોતે ખેત મજૂરી કરતાં હતાં. બનાવથી પરિવારમાં શોક છવાઇ ગયો હતો. (૧૪.૫)
(10:57 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
