News of Friday, 11th July 2025
રાજકોટથી ૭ લાખની થાર ગાડી ભાડેથી લઇ ગયા પછી ગોંડલનો વિવેક ડાભી ગાયબ
પાંચ દિવસ માટે રાજસ્થાન જવાનું કહીને ગાડી લઇ ગયો હતોઃ ગાડીમાં ફીટ કરેલી જીપીએસ સિસ્ટમ પણ બંધ કરી દીધીઃ મવડી ચોકડીએ ઓફિસ ધરાવતાં ધવલભાઇ સરધારાની તાલુકા પોલીસમાં ફરિયાદઃ

રાજકોટ તા. ૧૧: ભાડેથી કાર લઇ જઇ પછી પાછી જ ન આપી ઠગાઇ કરવાના કિસ્સા વધી ગયા છે. વધુ એક આવા બનાવમાં મવડી ચોકડીએ કાર રેન્ટની ઓફિસ ધરાવતાં યુવાન પાસેથી ગોંડલ રહેતો તેનો જ પરિચીત યુવાન ભાડેથી પાંચ દિવસ માટે ૭ લાખની થાર ગાડી લઇ ગયા બાદ ફોન બંધ કરી ગાડી સાથે ગાયબ થઇ જતાં પોલીસને જાણ કરવામાં આવી છે. ગોંડલ ખાતે તેના ઘરે તપાસ કરતાં ત્યાંથી પણ તે મળી આવ્યો નથી.
આ બનાવમાં તાલુકા પોલીસે મવડી ચોકડી પટેલનગર મેઇન રોડ પર વેલદીપ સોસાયટી-૧માં રહેતાં ધવલભાઇ મુકેશભાઇ સરધારા (ઉ.વ.૨૫)ની ફરિયાદ પરથી ગોંડલની હરભોલે સોસાયટી ભગવતીપરામાં રહેતાં વિવેક હસમુખભાઇ ડાભી અને તપાસમાં ખુલે તેની સામે ઠગાઇનો ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી છે.
ધવલભાઇ સરધારાએ જણાવ્યું છે કે હું પરિવાર સાથે રહુ છું અને મવડી ચોકડીથી બાપા સિતારામ ચોકના રસ્તે ક્રિષ્ના ટૂર્સ એન્ડ ટ્રાવેલ્સ નામે સેલ્ફ ડ્રાઇવ નામથી ઓફિસ ચલાવુ છું. હું અહિથી કાર ભાડે આપવાનું કામ કરુ છું. મારી પાસે થાર ગાડી જીજે૦૩એનએફ-૬૧૭૭ છે. દોઢ વર્ષ પહેલા આ ગાડી મેં લોનથી લીધી છે જેની હાલની કિંમત ૭ લાખ છે. દોઢેક વર્ષ પહેલા હું અને મિત્ર આકાશ પટેલ સાથે કામ કરતાં હતાં. તે મારી સાથે કમિશનથી કામ કરતો હતો. તેની સાથે ગોંડલનો વિવેક ડાભી પણ આવતો હોઇ જેથી હું તેને ઓળખતો હતો. ગત ૧૪ જુનના રોજ સાંજે છએક વાગ્યે વિવેક ડાભીનો મને ફોન આવ્યો હતો અને કહેલુ કે મારે મિત્રો સાથે રાજસ્થાન ાફરવા જવું છે જેથી થાર ગાડી જોઇએ છે.
તેણે કહેલુ તે તારી થાર ગાડી પાંચ દિવસ માટે ફ્રી હોય તો ભાડેથી જોઇએ છે. જેથી મેં હા પાડી હતી અને એક દિવસનું ભાડુ ૪૦૦૦ કહ્યું હતું. આ પછી વિવેકે કહેલું કે હું કાલે સવારે સાત વાગ્યે ગાડી લેવા આવીશ. બાદમાં ૧૫/૬ના રોજ વિવેક સવારે સાત વાગ્યે મારી મવડી ચોકડીની ઓફિસે આવ્યો હતો અને તેનું આધાર કાર્ડ, ડ્રાઇવીંગ લાયસન્સનો ફોટો મોબાઇલમાં પાડી તેને મેં થાર ગાડી જીજે૦૩એનએફ-૬૧૭૭ આપી હતી.
જે તે વખતે તેણે પોતે આ ગાડી પાંચ દિવસમાં આપી દેશે તેવી ખાત્રી આપી હતી. પરંતુ પાંચ દિવસ પછી મેં વિવેકને ફોન કરતાં તેનો ફોન બંધ આવતો હતો. આથી મેં મારી રીતે તપાસ કરી હતી પરંતુ તેનો કોઇ કોન્ટેક્ટ થતો નહોતો. બાદમાં મેં ાડીમાં જીપીએસ લગાડયું હોઇ તે ચેક કરતાં જીપીએસ પણ તેણે બંધ કરી દીધાનું જાણવા મળ્યું હતું. વિવેકનો ફોન હજુ પણ બંધ જ આવતો હોઇ તે ઠગાઇ કરી ગયાનું જણાવતાં પોલીસને જાણ કરી હતી. તાલુકા પીઆઇ ડી. એમ. હરિપરાની રાહબરીમાં હેડકોન્સ. કિશનભાઇ અજાગીયાએ ગુનો નોંધતા હેડકોન્સ. ચિરાગભાઇ કલોલાએ વધુ તપાસ હાથ ધરી હતી.
(11:47 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
