<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 11th July 2025

મીઠાપુરમાં પતિ-પત્નીના આપઘાત કેસમાં પરિણીતાના પૂર્વ પ્રેમીની ધરપકડ

પરિણીતાના પૂર્વ પ્રેમીએ અંગત વીડિયો વાયરલ કરવાની ધમકી આપતા પરિણીતાએ આત્મહત્યા કરી બાદ તેના પતિએ પણ પત્નીના વિરહમાં આપઘાત કર્યો હતો

દેવભૂમિ દ્વારકાના મીઠાપુરમાં 9 મહિના પૂર્વે પતિ-પત્નીના આપઘાતનો બનાવ બન્યો હતો. એક પરિણીતાના પૂર્વ પ્રેમીએ અંગત વીડિયો વાયરલ કરવાની ધમકી આપતા પરિણીતાએ આત્મહત્યા કરી લીધી હતી, ત્યારબાદ તેના પતિએ પણ પત્નીના વિરહમાં આપઘાત કરી લેતા સમગ્ર વિસ્તારમાં શોકની લાગણી છવાઈ ગઈ હતી. પોલીસે આ કેસમાં પરિણીતાના પૂર્વ પ્રેમી રાજીવ ઉર્ફ વિક્કી સક્સેનાની ધરપકડ કરી છે અને તેની સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

મીઠાપુરના શક્તિ નગર વિસ્તારમાં રહેતા જયેશ ભરડવા નામના યુવાને મૂળ ઉત્તર પ્રદેશની મીના દેવી ઉર્ફ નેહા સાથે લગ્ન કર્યા હતા. બંને મીઠાપુરમાં સુખી લગ્નજીવન જીવતા હતા. સમય જતાં નેહાના પૂર્વ પ્રેમી સાથે તેનો સંપર્ક થયો હતો. નેહાના પૂર્વ પ્રેમી રાજીવ ઉર્ફ વિક્કી સક્સેનાએ નેહા પર સંબંધ રાખવા દબાણ કર્યું હતું, નહીં તો અંગત પળોના વીડિયો ફેસબુક પર શેર કરવાની ધમકી આપી હતી.

નેહા તાબે નહીં થતા વિક્કીએ નેહાના બિભત્સ વીડિયો અને ફોટા ફેસબુક પર શેર કર્યા હતા. સમાજમાં બદનામીના ડરથી નેહાએ ગળાફાંસો ખાઈને જીવન ટૂંકાવી લીધું હતું. નેહાના પતિ જયેશ ભરડવાએ પત્નીના મૃત્યુના આઘાતમાં આપઘાત કરી લીધો હતો. જયેશના મૃતદેહ પાસેથી એક સુસાઈડ નોટ મળી આવી હતી. જેમાં રાજીવ ઉર્ફ વિક્કી સક્સેનાના નામનો ઉલ્લેખ કરવામાં આવ્યો હતો.

પોલીસે સુસાઈડ નોટને તપાસ માટે મોકલી આપી હતી. આ ઘટના બાદ મીઠાપુર પોલીસે આરોપી રાજીવ ઉર્ફ વિક્કી સક્સેનાને પકડવા માટે તપાસ શરૂ કરી હતી. 9 મહિના બાદ પોલીસે આરોપીને ઝડપી પાડવામાં સફળતા મેળવી છે. પોલીસે આરોપી સામે BNSની વિવિધ કલમો હેઠળ ગુનો નોંધીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

(1:42 PM IST)