<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 11th July 2025

જગજીતસિંઘજીએ ગઝલને મહેફીલમાંથી બહાર કાઢીને આમ જનતાની જીંદગીનો એક હિસ્‍સો બનાવી દીધોઃ શાયર હસ્‍તીમલ હસ્‍તી

‘ફેઈસ ટુ ફેઈસ' આલ્‍બમમાં મારી ગઝલ મુકીને જગજીતસિંઘજીએ મને ઓળખ અપાવીઃ ઘરમા કે આસપાસ સાહિત્‍યનું વાતાવરણ ન હોવા છતાં વાંચનના શોખે પ્રસિધ્‍ધી અપાવી

ભુજ, તા.૧૧: જગજીતસિંઘનું ગઝલ અલ્‍બમ Face to Face તેમના બધા આલ્‍બમમાં વિશિષ્ટ છે તેમણે આ આલ્‍બમની આઠ ગઝલોમાં અનેક પ્રયોગો કર્યા છે.જેમાં ‘દૈરો હરમ મેંમેં બસને વાલો' આ ગઝલમાં તેમણે સરગમ અને કોરસનો ઉપયોગ કર્યો છે. ગઝલમાં સરગમ તો લેવાય છે પરંતુ તેમણે કરેલો કોરસનો ઉપયોગ જગજીતજીને એક નવા શિખરે મૂકી દીધા છે. આ આલ્‍બમની જગજીતસિંઘની મશહૂર ગઝલ ‘પ્‍યાર કા પહલા ખત લિખને મેં વકત તો લગતા હૈ.' આ ગઝલ ગાઇને જગજીતસિંઘે અનેક મહેફીલો સજાવીને શ્રોતાઓને મંત્રમુગ્‍ધ કર્યા છે નવી પેઢીના ગાયકો પણ બખૂબી રજૂ કરે છે. એટલું જ નહીં કોમેડી શોમાં કપિલ શર્મા પણ અનેકવાર રજૂ કરી ચૂકયા છે. આ ગઝલથી રાતોરાત મશહૂર થઇ ગયેલા મૂળ રાજસ્‍થાનના પરંતુ મુંબઇમાં વ્‍યવસાય માટે સ્‍થાયી થયેલા શાયર હસ્‍તીમલ હસ્‍તીના ‘આઉટ લુક'ના મનીષ પાંડેયએ લીધેલા ઇન્‍ટવ્‍યુંમાં રસપ્રદ વાત જાણવા મળી.. ગઝલ શાયરીની હસ્‍તીની લાંબી સફરની વાત તેમના શબ્‍દમાં.

એક દિવસ હું બાલ્‍કનીમાં બેસીને મનમાં આવતા વિચારો લખી રહ્યો હતો ત્‍યારે આ ગઝલની પ્રથમ બે પંક્‍તી જેને ગઝલની ભાષામાં ‘મતલા' કહે છે તે લખી નાંખ્‍યા હતા. તેનો પહેલો શેર લખવાની કોશિશ કરી રહ્યો હતો, કંઇ સૂજતું ન્‍હોતું. એકાએક મગજમાં એક પંક્‍તી આવી. ‘જિસ્‍મ કી બાત નહીં થી ઉનકે દિલ તક જાના થા, લમ્‍બી દૂરી તય કરને મેં વકત તો લગતા હૈ.' આ કાગળ પર ઉતારી ત્‍યારે ખુશીથી હું ગદગદ થઇ ગયો. મેં આંખો બંધ કરી ત્‍યારે એવી અનુભૂતિ થવા લાગી કે હું બહુ ઉપર જઇ રહ્યો છું. એક અદભૂત અનુભવ હતો. મારો અભ્‍યાસ પૂરો કરી વેપાર કરવા મુંબઇ આવી ગયો હતો. મેં મુંબઇમાં મારી દુકાન ખોલી હતી. જ્‍યાં એ સમયના અનેક શાયર  આવતા અને શેર શાયરીની વાતચીત કરતા. એવા જ એક કવિ આશ કરણ અટલ એક દિવસ આવ્‍યા તો મેં તેમને આ ગઝલ સંભળાવી તો તેમણે ખુબ પ્રભાવિત થઇને આ ગઝલ એક કાગળ ઉપર લખીને આપવા કહ્યું.'

થોડા દિ' બાદ મારી દુકાને ‘યે દૌલત ભી લે લો શોહરત ભી લે લો' નજ્‍મ લખનાર શાયર સુદર્શન ફાકિર આવ્‍યા. અમે તેમની બહુ ઇજ્જત કરતા. તેમણે આવતાની સાથે જ મને કહ્યું, 'તમે જે ગઝલ  આશ કરણ અટલને લખીને આપી છે, તે સંભળાવો, મને પહેલા તો ખુબ આヘર્ય થયું, મેં કંઇ બોલ્‍યા વગર ગઝલ સંભળાવી, તેઓ સાંભળીને ખુશ થઇ ગયા. એ દિવસોમાં જગજીતજી પોતાના નવા આલ્‍બમ માટે ગઝલ પસંદ કરી રહ્યા હતા અને તેમણે સુદર્શનજીને પણ કહ્યું હતું કે તેઓ તેમની અને અન્‍ય મિત્રોની સારી ગઝલ પસંદ કરીને આપે. સુદર્શનજીએ જ્‍યારે મારી ગઝલ જગજીતજીને સંભળાવી તો તેમને પસંદ આવી. તેમણે સ્‍વરબધ્‍ધ કરીને Face to Face આલ્‍બમમાં શમાવી. આ આલ્‍બમ જ્‍યારે રિલીઝ થયું ત્‍યારે આલ્‍બમની બીજી સાઇડમાં મારી ગઝલ બીજી હતી. બન્ને સાઇડમાં ચાર-ચાર  મળી આઠ ગઝલ. આમ મારી ગઝલ  છઠ્ઠા ક્રમે હતી ત્‍યારે મને લાગ્‍યું કે બીજા ભાગ સુધી કોણ સાંભળશે. પરંતુ નશીબમાં લખેલું મળીને જ રહે છે. મારી ગઝલ એટલી સુપરહિટ થઇ કે મ્‍યુઝિક કંપનીએ બીજી વાર આલ્‍બમ રિલીઝ કર્યું, જેનું નામ હતું, ‘પ્‍યાર કા પહલા ખત' અને મારી ગઝલ પ્રથમ ક્રમે હતી. આ સફળતાથી મને ખુબ માન સમ્‍માન મળ્‍યું. આ સાથે પુસ્‍તકો અને આલ્‍બમની સફર શરુ થઇ.

માર્ચ ૧૯૪૬માં રાજસ્‍થાનના એક જૈન વેપારી પરિવારમાં જન્‍મેલા હસ્‍તીમલ હસ્‍તીના ઘરમાં કે આસપાસ સાહિત્‍યનું વાતવરણ ન્‍હોતું. પરંતુ મારા પિતાજીને વાંચનો શોખ એટલે ઘરમાં અખબાર આવતું. તેમાં રવિવારની પૂર્તિમાં આવતી કવિતાઓ વાંચતો. ત્‍યારે સમાચાર મળ્‍યા કે ભારત અને ચીન વચ્‍ચે યુધ્‍ધ શરુ થયું છે. ચોતરફ દેશભક્‍તિનું વાતાવરણ મજબૂત રીતે વ્‍યાપી ગયું હતું ત્‍યારે મેં પહેલીવાર કંઇક લખેલું. પરંતુ બાદમાં ભણવામાં એટલો વ્‍યસ્‍ત થઇ ગયો કે સાહિત્‍ય માટે સમય ન મળ્‍યો. મુંબઇમાં જ્‍યારે વેપાર સારો ચાલવા લાગ્‍યો તો ફરી સાહિત્‍ય તરફ આકર્ષણ થયું. દુકાનમાંથી સમય કાઢીને ‘ધર્મયુગ' વાંચતો જેનાથી વાંચવા લખવા પ્રેરીત થઇ કેટલીક રચનાઓ લખી અને‘યાદોં કે ગુલાબ' શિર્ષકથી એક પુસ્‍તક પ્રકાશિત કર્યું. મારી દુકાન સંઘર્ષ કરતા હિન્‍દી કવિઓ-શાયરો માટે હંમેશા ખુલ્લી રહેતી. મને શાયરી આકર્ષિત કરતી, તેના વ્‍યાકરણનું કોઇ જ્ઞાન ન્‍હોતું. પરંતુ હોંસલો બુલંદ હતો. એ સમયે પંજાબના મદન પાલ હિન્‍દી ફિલ્‍મોમાં ગીત લખવાના ધ્‍યેયથી આવ્‍યા હતા. તેઓ મારી દુકાને આવ્‍યા અને અમારી ભાઇબંધી થઇ. તેમના સંપર્કમાં ઉર્દુના અનેક શાયરો હતા તેમણે એ શાયરો પાસેથી હિન્‍દી વ્‍યાકરણ શીખ્‍યું અને મેં મદનપાલ પાસેથી.

હું શાંત સ્‍વભાવી હતો અને મારા વેપાર ધંધાથી સંતુષ્ટ હતો‘પ્‍યાર કા પહલા ખત' થી મને એટલી શોહરત મળી કે ફિલ્‍મો માટે લખવા મન ના થયું. મારી દુકાને ચા ની ચૂસ્‍કી સાથે અનોપચારિક મુશાયરો થઇ જતો. અમે સહુ માનતા કે જગજીતસિંઘજીએ ગઝલને મહેફિલમાંથી બહાર કાઢીને આમ જનતાની જીંદગીનો એક હિસ્‍સો બનાવી દીધો, તેઓની હંમેશા એ ભાવના રહી કે દેશના ખુણે ખુણેથી એવા શાયરોની ગઝલો તેઓ ગાય કે જેથી દેશના ચારે ખુણાની ભાવનાઓ દેશ સમક્ષ રજૂ થાય. તેમની આ ભાવના એ મને પ્રખ્‍યાતી અપાવી. આને ગઝલનું મળવું કહેવાય. (લેખનઃ યજ્ઞેશ આચાર્ય, ભાવનગર, રજૂઆતઃ વિનોદ ગાલા, ભુજ) 

(4:01 PM IST)