News of Saturday, 12th July 2025
પોરબંદર સાંદીપનિ વિદ્યાનિકેતનમાં "પૂ.ભાઇશ્રી" રમેશભાઈ ઓઝાના વ્યાસાસને શ્રી વિષ્ણુ સહસ્ત્રનામ સ્તોત્રની આઠમી પ્રવચનમાળાનો પ્રારંભ
શ્રીવિષ્ણુ સહસ્રનામના શ્લોક ક્રમાંક ૧૦૪ પરના શ્રીવિષ્ણુ ભગવાનના એક હજાર નામ પૈકી ૮૪૭મા નામ ભારભૃત્ ની વ્યાખ્યા સાથે પ્રવચનનો પ્રારંભ કર્યો : ૨૦ જુલાઈ સુધી આયોજન

(વિનુ જોશી દ્વારા)જુનાગઢ તા.૧૨ : પોરબંદરના સાંદીપનિ વિદ્યાનિકેતનમાં પવિત્ર ચાતુર્માસના પ્રારંભમાં પૂજ્ય ભાઈશ્રી રમેશભાઈ ઓઝાના શ્રીમુખેથી તા.૧૧-૦૭-૨૦૨૫થી શ્રીવિષ્ણુ સહસ્રનામ સ્તોત્ર પર દસ દિવસીય આઠમી અને અંતિમ પ્રવચનમાળાનો પ્રારંભ થયો છે.
આ અગાઉ સાંદીપનિમાં પૂજ્ય ભાઈશ્રીના શ્રીમુખેથી શ્રીવિષ્ણુસહસ્ત્રનામ પર સાત પ્રવચનમાળાનું આયોજન થયેલ હતુ. જેમાં અત્યાર સુધી શ્રીવિષ્ણુ સહસ્રનામ સ્તોત્ર ઉપર રચિત શાંકરભાષ્ય અને અન્ય ગ્રન્થોના આધારે પૂજ્ય ભાઇશ્રીએ શ્રીહરિ ભગવાનના સહસ્ર નામ અંતર્ગત ૮૪૬ નામોનો વિસ્તૃત અને શાસ્ત્રીય વ્યાખ્યા કરીને પરિચય કરાવ્યો હતો.
તા. ૧૧-૦૭-૨૦૨૫, શુક્રવારે શ્રીવિષ્ણુ સહસ્રનામ સ્તોત્રના પાઠ અને મુખ્ય યજમાન દ્વારા પોથીપૂજન સાથે આઠમી અને અંતિમ પ્રવચન શ્રેણીનો પ્રારંભ થયો હતો. પૂજ્ય ભાઈશ્રીએ શ્રીવિષ્ણુ સહસ્રનામના શ્લોક ક્રમાંક ૧૦૪ પરના શ્રીવિષ્ણુ ભગવાનના એક હજાર નામ પૈકી ૮૪૭મા નામ ભારભૃત્ ની વ્યાખ્યા સાથે પ્રવચનનો પ્રારંભ કર્યો હતો.
તા.૨૦-૦૭-૨૫ સુધી સાંદીપનિના સભાગૃહમાં આયોજિત આ દસ દિવસીય પ્રવચનમાળાનો સમય પ્રતિદિન બપોર પછી ૪:૦૦ થી ૬:૩૦ સુધી રહેશે. જેનું લાઈવ પ્રસારણ sandipani.tv પર થશે.
પૂજ્ય ભાઇશ્રીના શ્રીમુખેથી શ્રીવિષ્ણુ સહસ્રનામસ્તોત્રના પ્રવચન શ્રવણનો સૌ માટે અમૂલ્ય અવસર હોય, આપ સૌ ભાવિકોને પ્રવચન સાંભળવા માટે સાંદીપનિ વિદ્યાનિકેતન હાર્દિક નિમંત્રણ પાઠવે છે.(તસ્વીર:મુકેશ વાધેલા-જુનાગઢ)
(9:34 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
