<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 12th July 2025

પોરબંદરમાં રાજયના મુખ્‍ય સ્‍વાતંત્ર પર્વની દબદબાભેર ઉજવણી માટે તૈયારી

સ્‍વાતંત્ર્ય પર્વ અવસરે શષા પ્રદર્શન સાંસ્‍કૃતિક કાર્યક્રમ વ્‍યકિત વિશેષ સન્‍માન સહિત વિવિધ કાર્યક્રમો : સ્‍વાતંત્ર્ય પર્વની ઉજવણી આયોજન માટે કલેકટર એસ.ડી.ધાનાણીના અધ્‍યક્ષસ્‍થાને બેઠક મળી : રાજયપાલ શ્રી આચાર્ય દેવવ્રતજી, મુખ્‍યમંત્રી ભુપેન્‍દ્રભાઇ પટેલ તથા રાજયના મંત્રીશ્રીઓ, વરીષ્‍ઠ અધિકારીઓ રાજયના સ્‍વાતંત્ર્ય પર્વમાં ઉપસ્‍થિત રહેશે

(પરેશ પારેખ દ્વારા) પોરબંદર, તા., ૧ર : રાજયના મુખ્‍ય સ્‍વાતંત્ર્ય પર્વની ઉજવણી માટે પોરબંદરની પસંદગી કરવામાં આવી છે. પોરબંદરમાં રાજયના મુખ્‍ય સ્‍વતંત્ર્ય પર્વની દબદબાભેર ઉજવણીના આયોજન માટે તડામાર તૈયારીઓ શરૂ થઇ છે. સ્‍વાતંત્ર્ય પર્વ ઉજવણી આયોજન માટે કલેકટર એસ.ડી.ધાનાણીના અધ્‍યક્ષસ્‍થાને બેઠક મળી હતી.

સ્‍વાતંત્ર પર્વ  ૧૫ મી ઓગસ્‍ટની રાજ્‍યકક્ષાની ઉજવણી પોરબંદરમાં કરવાનો રાજ્‍ય સરકાર દ્વારા નિર્ણય લેવાયો છે જે સંદર્ભે આયોજન અને તૈયારી માટે કલેક્‍ટર એસ.ડી.ધાનાણીના અધ્‍યક્ષ સ્‍થાને અને ધારાસભ્‍ય શ્રી અર્જુનભાઈ મોઢવાડિયાની ઉપસ્‍થિતિમાં બેઠક યોજાઇ હતી.

૧૫ મી ઓગસ્‍ટની રાજ્‍યકક્ષાની ઉજવણીમાં વિકાસ કાર્યોના લોકાર્પણ ખાતમુહૂર્ત, ૧૪ અને ૧૫ મી ઓગસ્‍ટ ના વિવિધ કાર્યક્રમો જેવા કે એટહોમ, શષા પ્રદર્શન, સાંસ્‍કળતિક કાર્યક્રમ, વ્‍યક્‍તિ વિશેષ સન્‍માન, મુખ્‍ય ધ્‍વજવંદન સમારોહ અને અન્‍ય કાર્યક્રમો રાજ્‍યપાલ શ્રી,મુખ્‍યમંત્રીશ્રી અને મંત્રીશ્રીઓ તેમજ વરિષ્ઠ અધિકારીઓ પદાધિકારીઓ અને જિલ્લાના નાગરિકોની ઉપસ્‍થિતિમાં ભવ્‍ય રીતે ઉજવવામાં આવશે. આ કાર્યક્રમ માટે સ્‍થળ પસંદગી, પોલીસ અને પ્રોટોકોલ કામગીરી, વિવિધ પૂર્વ તૈયારીઓ, ટીમોનું ગઠન, રાજ્‍ય કક્ષાએ વિવિધ વિભાગો સાથે સંકલન સહિતના મુદ્દે સંબંધિત વિભાગ કચેરીના અધિકારીઓને માર્ગદર્શન કલેકટરશ્રી એસ.ડી. ધાનાણી દ્વારા આપવામાં આવ્‍યું હતું. ધારાસભ્‍યશ્રી અર્જુનભાઈ મોઢવાડિયાએ પણ લોકો વિવિધ કાર્યક્રમો સારી રીતે માણી શકે, તે માટે વિવિધ વ્‍યવસ્‍થાઓ જળવાય તે માટે જરૂરી સૂચન સાથે માર્ગદર્શન આપ્‍યું હતું.

રાજ્‍યકક્ષાની આ ઉજવણીમાં જેમ જેમ માર્ગદર્શન અને સૂચનાઓ આવે તેમ આગળની તૈયારીઓ અને દરેક કાર્યક્રમની રૂપરેખા તૈયાર કરવા સૂચના આપવામાં આવી હતી.

આ બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારી  બી.બી.ચૌધરી, મ્‍યુનિસિપલ કમિશનર  એચ. જે. પ્રજાપતિ, એસપી ભગીરથસિંહ જાડેજા, ડીઆરડીએ નિયામક રેખાબા સરવૈયા, નાયબ કલેકટર રાજપુત, પ્રાંત અધિકારી સંદીપ જાદવ, નેહા સોજીત્રા, અને સંબંધિત કચેરીના અધિકારીઓ ઉપસ્‍થિત રહ્યા હતા.

(1:25 PM IST)