<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 12th July 2025

આ લે લે…છતી ટિકિટે પ્લેનમાં જગ્યા ન મળી: એર ઈન્ડિયાની ફ્લાઇટે ભુજ એરપોર્ટ ઉપર પ્રવાસીઓને લટકાવ્યા

પ્લેન હાઉસફુલ થતાં પ્રવાસીઓ માટે બેસવાની જગ્યા જ ન રહી, ટિકિટ હોવા છતાંયે બેસવા ન મળ્યું : કાયમ આવતું ૧૮૦ સીટર વાળા પ્લેનની જગ્યાએ ૧૫૫ સીટર પ્લેન આવ્યું

(વિનોદ ગાલા દ્વારા)ભુજ તા.૧૨ : તમારી પાસે પ્લેનની ટિકિટ હોય અને તમે પ્લેનમાં ચડો ત્યારે તમને સ્ટાફ કહી દે કે પ્લેનમાં જગ્યા નથી. એવું બને નહીં એવો જવાબ આપતા હો તો એકવાર વિચારી લેજો હા એર ઇન્ડિયામાં બધું જ શક્ય છે. આજે સવારે ભુજથી મુંબઈ જતી ફ્લાઇટમાં પ્રવાસ કરવા ઇચ્છતા પ્રવાસીઓ છતી ટિકિટે લટક્યા હતા. કારણ? વિમાન હાઉસફુલ થઈ ગયું હતું. પ્રવાસીઓ માટે પરેશાનીનું કારણ છેલ્લી ઘડીએ એર ક્રાફ્ટમાં થયેલ ફેરફાર હતો. કાયમ આવતું ૧૮૦ સીટર વાળા પ્લેનની જગ્યાએ ૧૫૫ સીટર પ્લેન આવ્યું. આમ પ્લેનમાં સીટો કરતા પ્રવાસીઓ વધી ગયા. જોકે, સવારે મુંબઈ એરપોર્ટથી જો સ્થાનિક ભુજ એર ઇન્ડિયા સ્ટાફને સમયસર જાણ કરાઈ હોત તો પ્રવાસીઓને જવાબ મળી શકત પરંતુ સ્ટાફ કારણ જણાવવામાં ચૂપ રહ્યો. છેક દૂર થી આવનાર પ્રવાસીઓ રખડી પડ્યા. જોકે, ડખ્ખા અને હોબાળા બાદ રહી જનાર પ્રવાસીઓને હોટેલમાં ઉતારો અપાયો હોવાનું જાણવા મળે છે. પરંતુ રહી જનાર પ્રવાસીઓના અગત્યના કામ રખડી પડે તો એ જવાબદારી કોની? ભૂલો માંથી શીખવાને બદલે એર ઈન્ડિયા દ્વારા છબરડાઓ થઈ રહ્યા છે. આને મેનેજમેન્ટની ખામી ગણવી કે સ્ટાફનો આંતરિક અસંતોષ? કારણ જે હોય તે પણ પ્રવાસીઓને ભોગવવાનો વારો આવે છે.

(1:54 PM IST)