તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Saturday, 12th July 2025
જુનાગઢમા માનવતા અને દાનની અનોખી ઘટના : મલ્ટીસ્પેશિયાલિટી હોસ્પિટલમાં બે અલગ અલગ મહિલાઓના અંગોનું દાન કરાયું : ત્રણથી વધુ વ્યક્તિઓને નવી જિંદગી મળશે
અંગદાનથી જીવન બચાવી શકાય અને પરિવારના શોકને પણ સાચા અર્થમાં સ્મૃતિમાં પરિવર્તિત કરી શકાય : અંગદાન અંગે લોકોમાં જાગૃતિ આવે, તે જરૂરી છે. આવા પ્રયત્નોથી ગુજરાતમાં અંગદાન ચળવળને વધુ બળ મળશે

(વિનુ જોશી દ્વારા)જુનાગઢ તા.૧૨ : શહેરમાં આજે માનવતા અને દાનની અનોખી ઘટનાઓ સામે આવી છે. જુનાગઢની કે જે મલ્ટીસ્પેશિયાલિટી હોસ્પિટલમાં બે અલગ અલગ મહિલાઓના અંગોનું દાન કરાયું છે, જેના દ્વારા ત્રણથી વધુ વ્યક્તિઓને નવી જિંદગી મળવાની આશા છે.
પ્રથમ કેસ: રીટાબેન ધીરુભાઈ ચોથાણી
જૂનાગઢ શહેરના આકોલવાડી વિસ્તારમાં રહેતી 55 વર્ષીય રીટાબેન ધીરુભાઈ ચોથાણીને 10 જુલાઈ, 2025ના રોજ પેરાલિસીસ એટેક આવ્યો હતો.પ્રારંભે તેમની સારવાર ડો. વિજય ચોથાણી પાસે ચાલી હતી, પરંતુ વધુ સારવાર માટે તેમને ઝાંઝરડા રોડ પર આવેલી કે જે હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા.અહીં ન્યૂરોસર્જન ડૉ. પ્રતીક કોરડીયા અને મૌલિક ઝાલાવડિયા દ્વારા તપાસ બાદ જણાયું કે રીટાબેનના મગજનું કાર્ય પૂર્ણપણે બંધ થઈ ગયું છે.
ડોક્ટરોનું સમજાવવું અને પરિવારનો મહાન નિર્ણય:
ડૉક્ટરો દ્વારા પતિ ધીરુભાઈ અને પરિવારજનોને સમજાવાયું કે રીટાબેનના લીવર, બંને કિડની અને આંખોનું દાન કરવાથી ઓછામાં ઓછા ત્રણ વ્યક્તિઓને જીવવાની નવી તકો મળશે. આ માનવસેવાનો સર્વોચ્ચ કાર્ય ગણાય છે.ત્યારે પરિવારજનોને વાત સમજાતા, અહીંથી તેમના અંગોનું દાન કરવા મંજૂરી આપી.અંગો લેવા માટે અમદાવાદની IKDRC (કિડની હોસ્પિટલ) અને ઝાયડસ હોસ્પિટલની ટીમો જુનાગઢ પહોંચી હતી.
બીજો કેસ: સુંદરબેન ભવરભાઈ ગોડાણીયા
60 વર્ષીય સુંદરબેન, જે વિસાવદર તાલુકાના જીવાપરા ગામના રહેવાસી હતા, તેમને ગતરાત્રે 11 વાગ્યે બ્રેન સ્ટ્રોક આવ્યો હતો.
ત્યારે સુંદરબેનની પ્રથમ સારવાર ચાપરડા જય અંબે હોસ્પિટલમાં કરાઈ, પરંતુ વધુ સારવાર માટે તેમને પણ કે જે હોસ્પિટલ, ઝાંઝરડા રોડ પર લાવવામાં આવ્યા. ડૉ. પ્રતિક કોરડીયાએ તમામ રિપોર્ટની તપાસ બાદ તેમના મગજને પણ મૃત્યુ પામેલું જાહેર કર્યું.
સુંદરબેનના પરિવારજનોનો નિર્ણય:
ડૉક્ટરો દ્વારા દર્દીના પુત્ર ધારેશ અને પરિવારજનોને અંગદાન અંગેની વિસ્તૃત માહિતી આપતા, તેમણે લીવર, કિડની અને આંખોનું દાન કરવા મંજૂરી આપી.આ અંગો જરૂરી તાત્કાલિક દર્દીઓને અપાયા બાદ નવજીવનનો પ્રકાશ ફેલાવશે.
પરિવારોની ભાવુક લાગણી:
રીટાબેન અને સુંદરબેનના પરિવારજનો કહે છેઆંગો દાન કરવાનો નિર્ણય સરળ નહોતો.પરંતુ અમારા પરિવારજનો મૃત્યુ પામ્યા નથી, તેઓ હવે અન્ય લોકોના શરીરમાં જીવશે.
આજના સમયમાં જિંદગી આપવું સૌથી મોટું દાન છે. અમારા પરિવાર માટે આ ગર્વની ક્ષણ છે.”
મહાન માનવસેવાનો દાખલો:
આ બંને ઘટનાથી વધુ એકવાર સાબિત થાય છે કે અંગદાનથી જીવન બચાવી શકાય છે,અને પરિવારના શોકને પણ સાચા અર્થમાં સ્મૃતિમાં પરિવર્તિત કરી શકાય છે.
હોસ્પિટલ સંચાલક ભાવિન છત્રાળા અને ડૉ. નૈતિક છત્રાળાએ જણાવ્યું કે અંગદાન અંગે લોકોમાં જાગૃતિ આવે, તે જરૂરી છે. આવા પ્રયત્નોથી ગુજરાતમાં અંગદાન ચળવળને વધુ બળ મળશે.(તસ્વીર:મુકેશ વાધેલા-જુનાગઢ)
(3:48 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
