<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 13th July 2025

જુનાગઢના ઉપલા દાતારમાં રવિવારે ભક્તોનો મહાપ્રવાહ : મેઘમહેર વચ્ચે પ્રકૃતિ અને શ્રદ્ધાનો અનેરો સંગમ! : જુઓ વિડીયો

વરસાદી માહોલ અને સોળે કળાએ ખીલેલી પ્રકૃતિ વચ્ચે દાતાર પર્વત પર હજારો ભાવિકો ઉમટ્યા : મહંત ભીમ બાપુ દ્વારા ભવ્ય ભોજન પ્રસાદની વ્યવસ્થા

(વિનુ જોષી દ્વારા) જુનાગઢ : આજે રવિવારના શુભ દિવસે અને મેઘમહેરના આહ્લાદક વાતાવરણ વચ્ચે જુનાગઢ સ્થિત પવિત્ર યાત્રાધામ ઉપલા દાતારની ધાર્મિક જગ્યા ભાવિકોથી ઉભરાઈ ઉઠી હતી. વહેલી સવારથી જ દાતાર પર્વતની સીડીઓ ઉપર ભક્તોનો અવિરત પ્રવાહ જોવા મળ્યો હતો, જાણે શ્રદ્ધાળુઓનો મેળો ભરાયો હોય. વરસાદી માહોલ અને ચોમાસાની સોળે કળાએ ખીલેલી પ્રકૃતિ વચ્ચે દાતારના દર્શન કરવાનો અનેરો લહાવો લેવા હજારો ભાવિકો પર્વત પર ચઢી રહ્યા હતા.
વરસાદની રમઝટ વચ્ચે પ્રકૃતિ સોળે કળાએ ખીલી ઉઠી હોય ત્યારે દાતાર ગિરનાર પર્વતનું સૌંદર્ય પણ બેવડાઈ ગયું હતું. આ પ્રાકૃતિક સૌંદર્ય અને આસ્થાના સંગમનો અનુભવ કરવા માટે દૂર દૂરથી ભક્તો ઉમટી પડ્યા હતા. દાતારના દર્શન માટે આવેલા તમામ ભાવિકો માટે, જગ્યાના મહંત ભીમ બાપુ દ્વારા સુંદર મજાના ભોજન પ્રસાદ ની ભવ્ય વ્યવસ્થા ઉભી કરવામાં આવી હતી. ભક્તોએ દર્શન કર્યા બાદ પ્રસાદ ગ્રહણ કરી ધન્યતા અનુભવી હતી.
આજે રવિવારની રજા હોવાથી અને ચોમાસાનો માહોલ જામ્યો હોવાથી, ભક્તોને દાતારની આધ્યાત્મિક શાંતિની સાથે સાથે પ્રકૃતિના સૌંદર્યનો પણ અનુભવ કરવાનો મોકો મળ્યો હતો. સવારથી જ સીડીઓ પર જોવા મળેલી ભીડ એ દાતાર પ્રત્યેની લોકોની અતૂટ શ્રદ્ધા અને આસ્થાનું પ્રતિક હતી.

(2:29 PM IST)