News of Sunday, 13th July 2025
ગિરનાર પર રોપ-વે શરૂ થતાં ભાવિકો અને સાહસિકોનો ધસારો : વરસાદી માહોલમાં ઝરણાં અને ભીડનો અનેરો નજારો! : જુઓ વિડીયો
આજે ગિરનાર પર્વત પર રોપ-વેનો પ્રારંભ થતાં શ્રદ્ધાળુઓ ઉમટ્યા : યુવાનોમાં સીડી ચઢીને યાત્રા કરવાનો ઉત્સાહ : અંબાજી મંદિર પરિસરમાં ભક્તિમય વાતાવરણ

(વિનુ જોષી દ્વારા) જુનાગઢ : જુનાગઢના ભવ્ય ગિરનાર પર્વત પર આજથી રોપ-વે સેવા ફરી શરૂ થતાં ભાવિકો અને સાહસિકોનો ભારે ધસારો જોવા મળ્યો હતો. ચોમાસાના આ આહ્લાદક વાતાવરણમાં, પહાડો પરથી વહેતા ઝરણાં અને લીલોતરીની વચ્ચે ગિરનારની સુંદરતા સોળે કળાએ ખીલી ઉઠી છે, જેના કારણે પ્રવાસીઓ અને શ્રદ્ધાળુઓ મોટી સંખ્યામાં ઉમટી રહ્યા છે.
રોપ-વે શરૂ થતાં જ્યાં વૃદ્ધો અને બાળકો સહિત અનેક ભાવિકોએ સરળતાથી અંબાજી મંદિર સુધી પહોંચવાનો લાભ લીધો, ત્યાં બીજી તરફ સાહસિક યુવાનોમાં ગિરનારની સીડીઓ ચઢીને યાત્રા કરવાનો ઉત્સાહ પણ યથાવત જોવા મળ્યો. વરસાદી માહોલ અને પહાડ પરથી વહેતા ઝરણાંનો નજારો ખાસ કરીને રોપ-વે દ્વારા યાત્રા કરતા ભાવિકો માટે અદભુત અનુભવ બની રહ્યો હતો.
આજે રવિવારની રજા હોવાથી અને કુદરતી સૌંદર્ય ચરમસીમાએ હોવાથી, અંબાજી મંદિર પરિસરમાં ભાવિકોની ભારે મોટી ભીડ જોવા મળી હતી. શ્રદ્ધાળુઓએ માતાજીના દર્શન કરી ધન્યતા અનુભવી હતી અને ગિરનારના આ અલૌકિક વાતાવરણનો ભરપૂર આનંદ માણ્યો હતો. પ્રકૃતિ, સાહસ અને શ્રદ્ધાનો આ અનેરો સંગમ ગિરનાર પર્વત પર જોવા મળ્યો, જે યાત્રાળુઓ માટે એક અવિસ્મરણીય અનુભવ બની રહ્યો.
(2:32 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
