<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 13th July 2025

વેરાવળથી દ્વારકા જતી યાત્રાળુઓની મિનિબસ પલટી ગઈ :વેરાવળના વૃદ્ધાનું મોત: બે ગાયનાં મોત: 17 લોકોને ઈજા

પોરબંદર નજીક આવેલા કોલીખડા ગામ પાસે ગમખ્વાર અકસ્માત સર્જાયો: રસ્તા પર બેઠેલી ગાયોને બચાવવાના પ્રયાસમાં ડ્રાઈવરે બસનો કાબૂ ગુમાવ્યો અને બસ પલ્ટી ગઈ

પોરબંદર નજીક આવેલા કોલીખડા ગામ પાસે આજે રવિવારે સવારે એક ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો, જેમાં યાત્રાળુઓ ભરેલી એક મીની બસને નડ્યો હતો. આ દુર્ઘટનામાં વેરાવળના એક વૃદ્ધાનું કરુણ મોત નીપજ્યું હતું, જ્યારે અન્ય 17 જેટલા લોકો ઇજાગ્રસ્ત થયા હતા 

 મળતી વિગત મુજબ  વેરાવળના ભાલકા તીર્થ ખાતેથી એક યાત્રા સંઘ મીનીબસમાં સવાર થઈને દ્વારકા દર્શન માટે જઈ રહ્યો હતો. બસમાં કુલ 18 જેટલા શ્રદ્ધાળુઓ સવાર હતા. પોરબંદર નજીક કોલીખડા ગામ પાસેથી પસાર થઈ રહ્યા હતા, ત્યારે રસ્તા પર બેઠેલી ગાયોને બચાવવાના પ્રયાસમાં ડ્રાઈવરે બસનો કાબૂ ગુમાવી દીધો હતો. ગાયો સાથે બસ અથડાઈ હતી અને ત્યારબાદ બસ રસ્તા પરથી નીચે ઉતરી જતાં પલટી મારી ગઈ હતી.  

   આ ગંભીર અકસ્માતમાં બસમાં સવાર વેરાવળના રતનબેન બાબુભાઈ પરમાર (ઉંમર 65 વર્ષ) નામના વૃદ્ધાનું ઘટનાસ્થળે જ કમકમાટીભર્યું મોત નીપજ્યું હતું. દુર્ઘટનાના પગલે અન્ય 17 જેટલા શ્રદ્ધાળુઓને પણ નાની-મોટી ઇજાઓ પહોંચી હતી. અકસ્માતનો અવાજ સાંભળીને આસપાસના ગ્રામજનો તાત્કાલિક મદદ માટે દોડી આવ્યા હતા. તેમણે ઇજાગ્રસ્તોને બસમાંથી બહાર કાઢવામાં મદદ કરી હતી અને 108 એમ્બ્યુલન્સને જાણ કરી હતી.

ઘટનાની જાણ થતાં જ 108 એમ્બ્યુલન્સ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી અને તમામ ઇજાગ્રસ્તોને પ્રાથમિક સારવાર આપી પોરબંદરની સરકારી હોસ્પિટલ ખાતે વધુ સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. હોસ્પિટલ સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ, કેટલાક ઇજાગ્રસ્તોને સામાન્ય ઇજાઓ થઈ છે, જ્યારે કેટલાકને ગંભીર ઇજાઓ પહોંચી છે. ઇજાગ્રસ્તો હાલ સારવાર હેઠળ છે.  આ દુર્ઘટનામાં રસ્તા પર બેઠેલી બે ગાયો પણ બસની અડફેટે આવી જતાં તેમનું પણ મોત થયું હતું. સમગ્ર ઘટના અંગે પોરબંદર પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. યાત્રાળુઓ ભાલકા તીર્થના હોવાનું જાણવા મળ્યું છે, અને તેમના પરિવારજનોને પણ આ ઘટના અંગે જાણ કરવામાં આવી છે. આ દુર્ઘટનાને કારણે વેરાવળ અને પોરબંદર પંથકમાં શોકનો માહોલ છવાઈ ગયો છે.  

(7:00 PM IST)