News of Tuesday, 15th July 2025
મોરબીમાં પોલીસનું અમારી સાથે આતંકવાદી જેવુ વર્તનઃ કોંગ્રેસનો આક્ષેપ
એક કલાક હલ્લાબોલ બાદ કમિશ્નરે અમારી રજૂઆત સાંભળી

(પ્રવિણ વ્યાસ દ્વારા) મોરબી, તા. ૧૫: છેલ્લા ઘણા વર્ષોથી મોરબી શહેરમાં લાઈટ પાણી રોડ રસ્તા જેવી પ્રાથમિક સુવિધાઓ માટે લોકો હેરાન છે ત્યારે આજે કોંગ્રેસના બે માજી ધારાસભ્ય તથા જિલ્લા પ્રમુખની આગેવાનીમાં કોંગ્રેસ મહાપાલિકા કચેરીનો ઘેરાવ કરવા માટે પહોચી હતી. ત્યારે મહાપાલિકાના દરવાજા ઉપર તાળા મારીને પોલીસે ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દીધો હતો. અને કોંગ્રેસના આગેવાનોને રજૂઆત કરવા માટે જતા રોકવામાં આવ્યા હતા ત્યારે કોંગ્રેસના આગેવાનોને પોલીસ આતંકવાદીઓ જેવું વર્તન કરે છે તેવો આક્ષેપ કોંગ્રેસના આગેવાનોએ કર્યો હતો અને ત્યારબાદ લગભગ એકાદ કલાકની માથાકૂટ પછી કોંગ્રેસના આગેવાનોને કમિશનર પાસે રજૂઆત કરવા માટે તેને જવા દેવા આવ્યા હતા અને કમિશનર દ્વારા રજુઆતોને સાંભળીને વહેલી તકે તેનો ઉકેલ લાવવાની ખાતરી આપવામાં આવી હતી.
શહેરમાં ગત સપ્તાહ દરમિયાન જુદા જુદા વિસ્તારોમાંથી લોકોએ પ્રાથમિક સુવિધા માટે થઈને રોડ રસ્તા ચક્કાજામ કર્યા હતા અને વિરોધ પ્રદર્શન કર્યા હતા દરમિયાન મોરબી શહેર કોંગ્રેસ પ્રમુખ અને જિલ્લા કોંગ્રેસ પ્રમુખની આગેવાની હેઠળ સોમવારે મહાપાલિકા કચેરી ખાતે લોકોને સુવિધા આપવામાં નિષ્ફળ ગયેલ મહાપાલિકાનો ઘેરાવ કરવાનું એલાન કરવામાં આવ્યું હતું અને આજે કોંગ્રેસના માજી ધારાસભ્ય લલીતભાઈ કગથરા અને મહમદજાવેદ પીરજાદા તેમજ મોરબી જિલ્લા કોંગ્રેસના પ્રમુખ કિશોરભાઈ ચીખલીયા શહેર કોંગ્રેસના પ્રમુખ પુષ્પરાજસિંહ જાડેજા તેમજ કોંગ્રેસ જીલ્લા મહિલા પ્રમુખ દમયંતીબેન નિરંજની સહિત જિલ્લા અને શહેર કોંગ્રેસના આગેવાનો તેમજ નગરજનો દ્વારા મોરબી મહાપાલીકાને ઘેરાવ કરવા માટેનો પ્રયાસ કરવામાં આવ્યો હતો.
(11:14 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
