News of Tuesday, 15th July 2025
ગોપાલ ઇટાલીયાએ ચુંટાયા પછી વિસાવદર પંથકની અનેક રજૂઆતો કરી
નકલી સહકારી મંડળી, ઇકો ઝોન, રસ્તા સહિતના પ્રશ્નો ઉકેલવા તંત્ર સમક્ષ માંગણી

(યાસીન બ્લોચ દ્વારા) વિસાવદર, તા.૧પઃ વિસાવદરના ધારાસભ્ય ગોપાલ ઈટાલીયાએ ચૂંટાયા પછી શું શું રજૂઆતો કરી..? તે અંગે ખુદ ઈટાલીયાએ સોશિયલ મીડિયામાં પોસ્ટ મુકી છે. વાંચો ખુદ ઈટાલીયાના શબ્દોમા..અક્ષરસ..
ગોપાલ ઈટાલીયાએ જણાવ્યું છે કે, હું વિધાનસભાની ચૂંટણી જીત્યા પછી આજ દિવસ સુધીમાં મેં કરેલી કામગીરી નીચે મુજબ છે.
(૧) નકલી સહકારી મંડળીઓના મુદ્દે હું પોતે જિલ્લા રજિસ્ટ્રાર શ્રી ગોહિલને તેમની કચેરીમાં રૂબરૂ મળીને સહકારી મંડળીઓના કૌભાંડ તેમજ ખેડૂતો સાથે થયેલ અન્ય સહિતના મુદ્દે રૂબરૂ મળીને વિસ્તળત ચર્ચા કરી ચુકયો છું. કેટલીક લેખિત અને કેટલીક મૌખિક રજૂઆતો પણ કરેલ છે.
(૨) ઈકોઝોન તેમજ અન્ય જંગલ વિભાગ સંલગ્ન અન્ય પ્રશ્નો બાબતે હું વન વિભાગના ડીસીએફ શ્રી પ્રશાંત તોમરને રૂબરૂ મળી ચૂકેલ છું. આ મુલાકાતમાં ઇકોઝોન તેમજ સામાજિક વનીકરણ, પીએફની જમીન, જંગલ વિસ્તારમાં ખેતીવાડી કનેક્શન સહિતની બાબતોએ ઊંડાણપૂર્વક ચર્ચા કરેલ છે અને લેખિત તેમજ મૌખિક રજૂઆત કરેલ છે.
(૩) નવી જમીન માપણી સંદર્ભે ડીઆઈએલઆર અધિકારી શ્રી ગુંદીગરા ને રૂબરૂ મળેલ છું. તેમની સાથે જમીન માપણી, હક્ક માપણી, એકત્રીકરણ તેમજ ખેતરના કેડાના પ્રશ્નો બાબતે ઊંડાણપૂર્વક ચર્ચા કરી ચૂકયો છું. આ સંદર્ભે પણ લેખિત અને મૌખિક રજૂઆતો કરેલ છે.
(૪) સમગ્ર વિધાનસભા વિસ્તારના રોડની બાબતમાં જૂનાગઢ જિલ્લા કાર્યપાલક ઈજનેર શ્રી નાઘેરા અને કાર્યપાલક ઈજનેર અમરેલી શ્રી ચૌધરી બંનેને પોતપોતાની કચેરીમાં રૂબરૂ મળી ચૂકેલ છું તેમજ સમગ્ર વિધાનસભા વિસ્તારના અલગ અલગ તમામ રોડ બાબતે વિસ્તળત ચર્ચા અને રજૂઆત કરેલ છે.
(૫) ભેંસાણથી સુરત રૂટ અને વિસાવસરથી સુરત રૂટ ચાલુ કરવા બાબતે તેમજ વિધાનસભા વિસ્તારના ગામડાઓના અલગ અલગ રૂટ ઉપર સરકારી બસની સમસ્યા અંગે જીએસઆરટીસીના જુનાગઢ ડિવિઝનના ડિવિઝનલ ટ્રાફિક કંટ્રોલ શ્રી ખાંભલ્યા ને રૂબરૂ મળી રજૂઆત કરી ચૂકેલ છું.
(૬) વિધાનસભા વિસ્તારમાં સરકારી શાળાઓમાં ઘટતા ઓરડાઓ તેમજ જર્જરિત ઓરડાઓ, મધ્યાહન ભોજન, શિક્ષકોની ઘટ, શાળામાં સુવિધાઓ તેમજ આરટીઈ સહિતના મુદ્દાઓ બાબતે જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી શ્રીમતી ઉપાધ્યાય મેડમને રૂબરૂ મળીને વિસ્તળત ચર્ચા રજૂઆત કરેલ છે.
(૭) ખેડૂતોને નવા વીજ કનેક્શન, નામ ટ્રાન્સફર, કનેક્શન ટ્રાન્સફર, ખોટા વીજ ચોરીના કેસો, ખોટા દંડ સહિતના વીજળી વિભાગના અનેક મુદ્દે નાયબ કાર્યપાલક ઈજનેર શ્રી ચોસા સાહેબને રૂબરૂ મળીને રજૂઆતો કરેલ છે.
(૮) ૧૦૦ વારીયા પ્લોટ ફાળવણી અને બીપીએલ કાર્ડ બાબતે બગસરા તાલુકાના ઇન્ચાર્જ તાલુકા વિકાસ અધિકારી શ્રી ગજેરા ને રૂબરૂ મળીને સમગ્ર વિષય વિસ્તળત રજૂઆત કરેલ છે.
(૯) અમરેલી જિલ્લાના જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી શ્રી મિયાણી ને રૂબરૂ મળીને વિસાવદર વિધાનસભા મતવિસ્તારના આવતા બગસરા તાલુકાના ગામડાઓની શાળાઓ બાબતે રજૂઆત કરેલ છે.
(૧૦) ખેડૂતોને દવા, ખાતર, બિયારણ અને પાક નુકશાની વળતર મુદ્દે જિલ્લા ખેતીવાડી અધિકારી શ્રી ચિંતન ભટ્ટ ને મળવા એમની કચેરીએ ગયેલ હતો પરંતુ તેઓ હાજર ન હોવાથી મળી શકાયેલ નથી.
(૧૧) માલધારીઓને ઢોર બાંધવા માટે વાડા ફાળવવાના વિષય અંગે તેમજ માલધારીઓને જંગલમાં ઢોર ચરાવવા જવાના હક્ક માટે કલેક્ટરશ્રીને જૂનાગઢને લેખિત રજૂઆત કરેલ છે.
(૧૨) જૂનાગઢ ગ્રામ્ય તાલુકાના મામલતદારશ્રીને મળવા ગયેલ હતો પરંતુ તેઓ કોર્ટમાં હોવાથી મળી શકાયેલ નથી. તેમજ વિસાવદર નગરપાલિકાના ચીફ ઓફિસરને મળવા ગયેલ પણ તેઓ હાજર ન હોવાથી મળી શકાયેલ નથી.
આ સિવાય પણ અન્ય અનેક અધિકારીઓની કચેરીએ જઈને, તેઓને સામે ચાલીને મળીને, મારો પરિચય આપીને, તેમનો પરિચય મેળવીને, વિવિધ મુદ્દાઓ ઉપર વિસ્તળત ચર્ચા કરીને, મને જેમાં ખબર ન પડતી હોય તેવી ટેકનિકલ કે વહીવટીય બાબતો અંગે પાસેથી માર્ગદર્શન મેળવીને, જરૂર જણાય ત્યાં લેખિત અથવા મૌખિક રજૂઆત કરીને અનેક મુદ્દાઓ ઉપર મારી કામગીરી ચાલુ છે
(11:15 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
