<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 15th July 2025

૪૮૦૦ કરોડના ૧પ૦૦ કિલો હેરોઇન સાથે પકડાયેલ આરોપીની ર૦ વર્ષની સજા સ્‍થગિત કરી જામીનપર છોડવા હાઇકોર્ટનો આદેશ

પોરબંદર નજીકથી પાકિસ્‍તાન અને ઈરાનથી નશીલા પદાર્થોની કથિત કાળાબજારી કરતી શિપમાંથી રૂ.૪૮૦૦ કરોડની ૧૪૯૫ કિ.ગ્રા. હેરોઈનનો જથ્‍થો ઝડપાયો હતો. જે ગુનામાં ટ્રાયલ કોર્ટનો ૨૦ વર્ષની સજાનો હુકમ સ્‍થગિત કરી અને રૂ.૧૦ હજારના અંગત બોન્‍ડ અને શ્‍યોરિટીની શરતે જામીન પર મુકત કરવા  હુકમ કર્યો છે.

આ કેસની હકિકત મુજબ જોતાં ગત તા.૨૯/૦૭/૨૦૧૭ ના રોજ ભારતીય કોસ્‍ટગાર્ડ પોરબંદર નજીક પાકિસ્‍તાન અને ઈરાનથી નશીલા પદાર્થોની કથિત કાળાબજારીને લઈને પનામા ફલેગવાળી શિપ ‘‘MV હેનરી'' ઝડપી હતી. જેમાં લગભગ રૂ.૪૮૦૦ કરોડની કિંમતનો ૧૪૯૫ કિ.ગ્રા. નશીલા પદાર્થો પૈકી અંદાજે ૧૦૦૦ કિ.ગ્રા. હિરોઈનના લગભગ ૫૦૦ કિ.ગ્રા. જેટલું મોર્ફીન મળી આવ્‍યા હતાં. આ કેસમાં કુલ-૧૩ આરોપીઓ સામે તપાસ થયા બાદ વિશિષ્ટ એનડિપીએસ કોર્ટ પોરબંદરે કેટલાકને ૨૦ વર્ષની કઠોર કેદ અને અન્‍યને ૧૦ વર્ષની કઠોર કેદ અને દંડની સજા ફટકારેલી હતી. જે કેસમાં પામેલા સુજીત તિવારી આરોપી ભાઈ કેપ્‍ટન સુપ્રિત તિવારી સાથે સાથ સહકાર અને ષડયંત્રના આરોપ હેઠળ દોષિત ઠેરવી  ૨૦ વર્ષની સજા થઈ હતી. તેથી તેને પોતાના વકીલ મારફત ગુજરાત હાઇકોર્ટમાં અપીલ દાખલ કરી હતી. જે અપીલ ચાલી જતા આરોપીના બચાવ પક્ષે વકીલ દ્વારા એવી રજુઆત કરવામાં આવી હતી કે,  દોષિત એ શિપ પર હાજર જ ન હતો, તેમજ કોઈપણ નશીલા પદાર્થોનો કબજો તેની પાસેથી મળેલ ન હોય, તેમજ ટ્રાયલ કોર્ટ દ્વારા ટેકનીકલ રીતે ત્રુટિપૂર્ણ પુરાવા પર આધાર રાખવામાં આવેલ હતો. જેમ કે, કોલ ડિટેઈલ્‍સ રેકર્ડ અને વોટસએપ મેસેજને પુરતી કાયદેસરતા પ્રમાણપત્ર વિના સ્‍વિકારી લેવામાં આવેલ હતાં. ભારતના સુપ્રિમકોર્ટના મહત્‍વપુર્ણ ચુકાદાઓ મુજબ  પ્રમાણપત્ર વિના ઈલેક્‍ટ્રોનિક પુરાવા માન્‍ય ગણાતા નથી. તથા આરોપી અત્‍યાર સુધી ત્રણ વર્ષ જેટલો સમય જેલમાં વિતાવી ચુક્‍યો છે અને ફોજદારી અપીલ ટૂંકા સમયમાં સંપૂર્ણપણે સુનાવણી માટે આપવાની શકયતા ખુબ જ ઓછી હોવાની રજૂઆતો ધ્‍યાને લઇ  હાઇકોર્ટે ટ્રાયલ કોર્ટની ૨૦ વર્ષની સજા સ્‍થગિત કરી અને રૂા.૧૦ હજારના અંગત બોન્‍ડ અને શ્‍યોરિટીની શરતે જામીન પર મુકત કરવા  હુકમ કર્યો છે.

 આ કેસમાં આરોપી વતી  હાઈકોર્ટના ધારાશાષાી વિશાલ કિશોરભાઈ આનંદજીવાલા, જાલસોલિ ઉનવાલા સલિમ જોખિયા અને સરફરાઝ જોખિયા, વારિસ એમ. જુણેજા, રમેશભાઈ ગોહેલ અને હસેન શેખ રોકાયા હતા

(2:51 PM IST)