તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Tuesday, 15th July 2025
શાપરના ખેડૂત બાબુભાઇ કાકડીયાના નામે ખોટી સહીઓ કરી ૧૫ લાખ ઉપાડી લેવા પ્રયાસ
પુર્વ ભાગીદાર શિક્ષક ભરત ઠુમ્મર અને રંગત વઘાસીયા સામે ડીસીબી પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ થતાં આર્થિક ગુના નિવારણ શાખાએ તપાસ હાથ ધરી

રાજકોટ તા. ૧૫: શાપર રહેતાં ખેડૂતના રાજકોટની બેંકના ખાતાના ફોન નંબર અને ઇ-મેઇલ એડ્રેસ એક શખ્સે ખોટી સહિ કરી અપડેટ કરાવી નાંખ્યા બાદ આ ખેડૂતના પુર્વ ભાગીદાર એવા શિક્ષકે ખોટી સહીથી વિગતો પર ચેક બેંકમાં નાંખી ૧૫ લાખ રૂપિયા ટ્રાન્સફર કરાવી લેવાનો પ્રયાસ કર્યો હતો. પરંતુ કેવાયસી અપડેટ ન હોઇ આ રકમ ટ્રાન્સફર થઇ શકી નહોતી. આ બારામાં ડીસીબી પોલીસમાં ગુનો નોંધાતા આર્થિક ગુના નિવારણ શાખાએ તપાસ હાથ ધરી છે.
આ બારામાં ડીસીબી પોલીસે શાપર વેરાવળમાં વચ્છરાજ ડેરી સામે કરસનભાઇની ગોૈશાળા નજીક રહેતાં અને ખેતી કરી ગુજરાન ચલાવતાં બાબુભાઇ કરસનભાઇ કાકડીયા (ઉ.વ.૭૨)ની ફરિયાદ પરથી તેના પુર્વ ભાગીદાર શિક્ષક ભરત મગનલાલ ઠુમ્મર અને રંગત કરસનભાઇ વઘાસીયા વિરૂધ્ધ ગુનો દાખલ થયો છે. બાબુભાઇએ ફરિયાદમાં જણાવ્યું છે કે ગીરીશ વજુભાઈ માથુકીયા જે મારા વર્ષો જુના મિત્ર હોય જેથી તેની સાથે વર્ષ ૨૦૦૮માં ભાગીદારીમાં બાંધકામનું કામકાજ કરતા હતા બાદ વર્ષ૨૦૨૧માં ગીરીશના સાઢુ જે રાજકોટ જીલ્લાના સોળીયા ગામની સરકારી શાળામાં શિક્ષક તરીકે નોકરી કરતા ભરત મગનલાલ વધાસીયા અમારી સાથે ભાગીદારીમાં જોડાયા હતા.જયારથી બાંધકામનું કામ કરતા ત્યારથી રૂપિયાનો વહીવટ મારા બેંક ખાતામાંથી કરતા હતા.
ત્યારબાદ મારી ઉંમરના લીધે રાજકોટ આવવુ-જવુ ન પડે તે માટે મારા બેંક ખાતામાં વહીવટ કરવા ભાગીદાર ભરત ઠુમ્મરને ડોકયુમેન્ટો આપેલ હતા. જેથી જરૂર પડે ત્યારે ભરત મારી પાસે ચેકમાં સહી કરાવતો હતો.બાદ ૨૦૧૯માં ભરત ભાગીદારીમાંથી છુટ્ટો થઈ ગયો હતો. મેં બેંક ખાતામાં ઘણા સમયથી વ્યવહાર કરેલ ન હતો. જેથી તેમાં રૂ.૧૫ લાખ પડયા હતા. જેથી બેંકમાં જતા જાણવા મળ્યું કે રંગીત વધાસીયા નામનો શખસ મારા ખાતામાં તેના નંબર, ઈમેઈલ અપડેટ કરી ગયો છે.
ભાગીદારીમાંથી છુટ્ટા થયા ત્યારે ભરતે મારી ચેક બુક પરત આપેલ ન હોય જેથી ગત તા.૧/૩/૨૫ના શખસે મારી બોગસ સહિ કરેલ ચેકમાં રૂ.૧૫ લાખની રકમ ભાવીનકુમાર દિલીપભાઈ ભુતના ખાતામાં ટ્રાન્સફર કરવા પ્રયાસ કર્યો હતો. પરંતુ કેવાયસી અપડેટ ન હોવાથી રકમ ટ્રાન્સફર થયેલ ન હતી.આમ પૂર્વે ભાગીદાર તથા રંગીત વધાસીયાએ કાવતરૂ રચી વિશ્વાસઘાત કર્યો હોવાથી પોલીસે ગુનો નોંધ્યો છે. આર્થિક ગુના નિવારણ શાખાના હેડકોન્સ. આર. જે. વાળાએ તપાસ હાથ ધરી હતી.
(3:44 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
