<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 15th July 2025

જામનગર જિલ્લામાં 585 પુલોની સઘન ચકાસણી પૂર્ણ : નાગરિક સુરક્ષા અર્થે 6 પુલ ભારે વાહનો માટે બંધ : ચોમાસા પૂર્વે તંત્ર એલર્ટ મોડ પર

માર્ગ અને મકાન વિભાગની ટીમો દ્વારા યુદ્ધના ધોરણે કામગીરી : ધ્રોલથી કાલાવડ સુધીના પુલોનું નિરીક્ષણ : 25 સમારકામ પૂર્ણ, 12 કામ પ્રગતિ હેઠળ : વૈકલ્પિક માર્ગો અપનાવવા વાહનચાલકોને અપીલ

જામનગર : જામનગર જિલ્લા વહીવટી તંત્ર દ્વારા નાગરિકોની સુરક્ષાને સર્વોચ્ચ પ્રાધાન્ય આપીને ચોમાસા પૂર્વે એક મહત્વપૂર્ણ કામગીરી હાથ ધરવામાં આવી છે. જિલ્લામાં આવેલા તમામ ૫૮૫ પુલોની સઘન ચકાસણી યુદ્ધના ધોરણે પૂર્ણ કરવામાં આવી છે. માર્ગ અને મકાન વિભાગની વિવિધ ટીમો દ્વારા આ વિસ્તૃત નિરીક્ષણ હાથ ધરાયું હતું. આ ચકાસણીમાં ધ્રોલના ૮૪, જામનગર (ગ્રામ્ય)ના ૧૧૫, લાલપુરના ૭૧, જામજોધપુરના ૬૯, જોડિયાના ૬૩ અને કાલાવડના ૧૮૩ પુલોનો સમાવેશ થાય છે.
આ સઘન ચકાસણી અને સમારકામની વિગતો આપતા તંત્રએ જણાવ્યું કે, માર્ગ અને મકાન વિભાગ (રાજ્ય) હેઠળના નવા બ્રિજોના બે કામ પૂર્ણ થયા છે અને હાલ ૧૦ કામ પ્રગતિ હેઠળ છે. તેવી જ રીતે, નવા સ્ટ્રક્ચરના ત્રણ કામ પૂર્ણ કરાયા છે અને ત્રણ કામ પ્રગતિ હેઠળ છે. સ્ટ્રક્ચરોના રિપેરીંગના ૨૩ કામ પૂર્ણ કરી હાલ બે કામ પ્રગતિ હેઠળ છે. મહત્વની વાત એ છે કે, પાંચ પુલ ભારે વાહનોની અવરજવર માટે બંધ કરવામાં આવ્યા છે.
આ ઉપરાંત, માર્ગ અને મકાન વિભાગ (પંચાયત) હેઠળના ૫ પુલો પર પણ સમારકામ ચાલી રહ્યું છે, જ્યારે એક પુલ ભારે વાહનો માટે બંધ કરાયો છે. આમ, સમગ્ર જિલ્લામાં હાલ કુલ છ પુલ પર ભારે વાહનોનો પ્રવેશ પ્રતિબંધિત કરવામાં આવ્યો છે, જેથી સંભવિત જોખમો ટાળી શકાય.
નેશનલ હાઈવેની કામગીરી અંગે પણ માહિતી આપવામાં આવી હતી કે, આશરે ૫૦ કિલોમીટરના રોડની કામગીરી પૂર્ણ થઈ ગઈ છે અને હાલ ૧૨ કિલોમીટરના રોડની કામગીરી ચાલુ છે. જિલ્લા કલેકટર કેતન ઠક્કરના માર્ગદર્શન હેઠળ જામનગર જિલ્લા વહીવટી તંત્ર દ્વારા નાગરિકોની સુરક્ષા સુનિશ્ચિત કરવા અને ચોમાસા દરમિયાન કોઈ મુશ્કેલી ન પડે તે માટે આ તમામ પગલાં લેવામાં આવ્યા છે. તંત્ર દ્વારા સમારકામ હેઠળના પુલો અને બંધ કરાયેલા માર્ગો અંગે મુસાફરોને વૈકલ્પિક રૂટનો ઉપયોગ કરવા પણ અનુરોધ કરવામાં આવ્યો છે, જેથી મુસાફરી દરમિયાન અગવડ ટાળી શકાય.

(7:05 PM IST)