તા. ૧૧ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૨ બુધવાર
News of Wednesday, 16th July 2025
મોરબીના આરટીઓના પુલ પાસે મચ્છુ નદીમાં મહિલાએ છલાંગ લગાવી: ઠાકોર સેનાના ઉપપ્રમુખ એવા યુવકે તુરંત કૂદીને જીવ બચાવ્યો.
આપઘાત કરવા ગયેલી મહિલાને બચાવવા યુવક ફરિસ્તા બનીને આવ્યો અને પોતાનો જીવ જોખમમાં મૂકી મહિલાને બહાર કાઢી.

( પ્રવિણ વ્યાસ દ્વારા ) મોરબીમાં આરટીઓ પુલ પાસે આજે સાંજના સમયે એક મહિલાએ આપઘાત કરવા માટે મચ્છુ નદીમાં છલાંગ લગાવી હતી. જો કે આ વેળાએ ત્યાંથી મોરબી જીલ્લા ઠાકોર સેનાના ઉપપ્રમુખ એવા યુવાન જયદીભાઈ ઝીંઝુવાડિયા પસાર થતા તે જોઈ ગયા અને એક મિનિટનો પણ વિલંબ કર્યા વગર પોતે પણ નદીમાં કૂદકો લગાવી મહિલાનો જીવ બચાવ્યો હતો.
આ યુવકને ત્યાંના દ્રશ્યો જોઈએ સમગ્ર હકીકતનો ખ્યાલ આવી જતા તુરંત મહિલાને રોકવાનો પ્રયત્ન કર્યો હતો. પરંતુ મહિલાએ તુરંત જ નદીમાં છલાંગ લગાવી દીધી હતી. આ વેળાએ જયદીપભાઈએ એક પણ ક્ષણ વિચાર કર્યા વગર મહિલાનો જીવ બચાવવા તેની પાછળ જ નદીમાં કૂદકો લગાવી દીધો હતો. બાદમાં ત્યાં ઉભેલા લોકોએ દોરડું ફેંકી બન્નેને ઉપર ખેંચ્યા હતા.
બાદમાં 108 મારફત મહિલાને સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા. હાલ મહિલા સિવિલમાં સારવાર હેઠળ હોવાનું જાણવા મળી રહ્યું છે. ઉલ્લેખનીય છે કે જયદીપભાઈ ઝીંઝુવાડિયા અમરેલીના રહેવાસી છે અને મોરબી જીલ્લા ઠાકોર સેનામાં ઉપપ્રમુખ પદ પર રહી સેવાઓ આપી રહ્યા છે. તેઓ કામ સબબ ત્યાંથી નીકળ્યા હતા. પોતાના જીવની પરવાહ કર્યા વગર તેઓએ મહિલાનો જીવ બચાવ્યો હતો.
(12:17 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
