<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 16th July 2025

કલ્‍યાણપુરના ખિરસરામાં ધોરણ-૧૨ના છાત્ર ધવલનો ઝેરી દવા પી આપઘાત

માથાના દુઃખાવાથી કંટાળી પગલુ ભર્યાની શક્‍યતાઃ રાજકોટની ખાનગી હોસ્‍પિટલમાં સારવારમાં દમ તોડયોઃ એકના એક દિકરાના મોતથી પરિવારમાં શોકની કાલીમા

 

રાજકોટ તા. ૧૬: દેવભુમિ દ્વારકા તાબેના કલ્‍યાણપુર ખીરસરામાં રહેતાં અને ધોરણ-૧૨માં અભ્‍યાસ કરતાં છાત્રએ ઝેરી દવા પી આપઘાત કરી લેતાં પરિવારમાં અરેરાટી વ્‍યાપી ગઇ છે. આ વિદ્યાર્થી માતા-પિતાનો એકનો એક દિકરો હતો.

જાણવા મળ્‍યા મુજબ કલ્‍યાણપુર ખીરસરા ગામે રહેતાં ધવલ નાથાભાઇ સીર-સગર (ઉ.વ.૧૮) નામના છાત્રએ ગઇકાલે ઝેરી દવા પી લેતાં સ્‍થાનિક હોસ્‍પિટલમાં સારવાર અપાવી રાજકોટ ખાનગી હોસ્‍પિટલમાં દાખલ કરવામાં આવ્‍યો હતો. પરંતુ અહિ સાંજે તેણે દમ તોડી દીધો હતો. સદ્દભાવના હોસ્‍પિટલ મારફત જાણ થતાં યુનિવર્સિટી પોલીસ સ્‍ટેશન દ્વારા જરૂરી કાર્યવાહી કરી કલ્‍યાણપુર પોલીસને જાણ કરવામાં આવી હતી.

વધુ માહિતી મુજબ આપઘાત કરનાર ધવલ સીર ગામમાં જ આવેલી શાળામાં ધોરણ-૧૨માં અભ્‍યાસ કરતો હતો. તેના પિતા ખેતી કરી ગુજરાન ચલાવે છે. સગાએ જણાવ્‍યા અનુસાર ધવલને માથાનો દુઃખાવો રહેતો હોઇ તેના કારણે કંટાળી જઇ તેણે આ પગલુ ભર્યુ હતું. એકના એક દિકરાના મોતથી પરિવારજનોમાં શોકની કાલીમા છવાઇ ગઇ હતી. (૧૪.૫)

(10:53 AM IST)