<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 16th July 2025

ઢોલરાના પાટીયેથી ૪૧.૬૦ લાખનો દારૂ આજીડેમ પોલીસે પકડયો

૧૨૬૭૨ બોટલો, ટ્રક મળી ૫૧.૬૭ લાખનો મુદ્દામાલ કબ્‍જેઃ રાજસ્‍થાનથી દારૂ ભરાયો હતોઃ વ્‍હોટ્‍સએપ કોલને આધારે પહોંચાડવાનો હતોઃ બાડમેરના ચાલક પવન માંજુની ધરપકડઃ પોલીસને ગોટે ચડાવવા ખોટી નંબર પ્‍લેટ લગાવી હતીઃ પીઆઇ એ. બી. જાડેજા, પીએસઆઇ જે. જી. રાણા, હારૂનભાઇ ચાનીયા, રવિભાઇ વાંક, કિશનભાઇ આહિર અને ટીમની કાર્યવાહીઃ હરપાલસિંહ જાડેજા, દિવ્‍યરાજસિંહ જાડેજા, પ્રદિપસિંહ ગોહિલની બાતમી

રાજકોટ તા. ૧૬: શહેર પોલીસે વધુ એક વખત દારૂનો મસમોટો જથ્‍થો ઝડપી લીધો છે. રાજકોટ-ગોંડલ હાઇવે પરથી ઢોલરા ગામના પાટીયા નજીકથી આજીડેમ પોલીસની મોડી રાતે ત્રણેક વાગ્‍યે પાક્કી બાતમીને આધારે વોચ રાખી રૂપિયા ૪૧.૬૦ લાખનો દારૂ ભરેલા આયસર ટ્રક સાથે રાજસ્‍થાનના શખ્‍સને દબોચી લીધો છે. ૨૬૯ પેટી (૧૨૬૭૨ બોટલો) દારૂ, ટ્રક, મોબાઈલ, રોકડ મળી કુલ રૂપિયા ૫૧.૬૭ લાખનો મુદ્દામાલ કબ્‍જે કરી ઝડપાયેલા શખ્‍સની પુછતાછ હાથ ધરી છે.

જાણવા મળ્‍યા મુજબ આજીડેમ પોલીસ મથકની ટીમ દારૂ જૂગારના કેસ શોધવા નાઇટ પેટ્રોલીંગમાં હતી ત્‍યારે કોઠારીયા ગામ નજીક શિવભવાની ચોક પાસે પહોંચતા કોન્‍સ. હરપાલસિંહ જે. જાડેજા, હેડકોન્‍સ્‍ટેબલ હરપાલસિંહ ઘનશ્‍યામસિંહ જાડેજા, કોન્‍સ્‍ટેબલ દિવ્‍યરાજસિંહ પ્રહલાદસિંહ જાડેજા અને પ્રદિપસિંહ કનકસિંહ ગોહિલને ખાનગી રાહે હકીકત મળેલ કે એક આયસર ટ્રક જેના નંબર જીજે-૨૭-ટીડી-૩૬૫૩માં ભારતીય બનાવટનો ઇંગ્‍લિશ દારૂનો જથ્‍થો ભરેલ છે. આ ટ્રક ગોંડલથી રાજકોટ તરફ આવી રહ્યો છે. આ બાતમીને આધારે  ટીમે રાજકોટ-ગોંડલ નેશનલ હાઈવે પર ઢોલરાના પાટીયા પાસે એ. એન. જીમની સામે હાઇવે રોડ પર વોચ ગોઠવી હતી. દરમિયાન રાત્રિના ત્રણેક વાગ્‍યા આસપાસ  બાતમીવાળો ટ્રક નીકળતા આયસરને અટકાવી કોર્ડન કરી વિડીયોગ્રાફી સાથે તપાસ કરતાં ટ્રકમાંથી દારૂનો જથ્‍થો મળી આવ્‍યો હતો.

ટ્રક ચાલકને નીચે ઉતારી નામ પુછતાં તેણે પોતાનું નામ  પવનકુમાર હરિરામ માંજુ (ઉ.વ.૨૬ રહે. બાંધનીયા ગામ, બાડમેર, રાજસ્‍થાન) જણાવ્‍યું હતું.  પોલીસે ટ્રકના ઠાઠામાં બાંધેલ પીળા કલરની તાડપત્રી હટાવી જોતા ખાખી કલરના પૂઠાના બોક્‍સ મળી આવ્‍યા હતા. હાઇવે રોડ પર વાહનોની અવરજવર હોવાથી પોલીસે ટ્રકને આજીડેમ પોલીસ મથક ખાતે લઈ જઈ ખાખી રંગના પુઠાના બોક્‍સમાંથી અલગ અલગ બ્રાન્‍ડની શરાબની કુલ  ૨૬૯ પેટીમાંથી રૂ. ૪૧,૬૦,૪૦૦ ની કિંમતની દારૂની ૧૨,૬૭૨ બોટલ, મોબાઈલ, ટ્રક, રોકડ મળી કુલ રૂ. ૫૧,૬૭,૪૦૦ નો મુદ્દામાલ કબ્‍જે કરી ચાલક પવનકુમાર હરિરામ માંજુની ધરપકડ કરી હતી.

પોલીસ તપાસમાં ખુલ્‍યા મુજબ આ ટ્રકમાં બોગસ નંબર પ્‍લેટ લગાવવામાં આવી હતી. ટ્રકમાંથી દારૂના જથ્‍થાની સાથે સાથે બે નંબર પ્‍લેટ પણ મળી આવી હતી. આ અંગે પુછતાછ થતાં ચાલકે કહ્યું હતું કે આ ટ્રકના સાચા નંબર જીજે-૨૭-ટીટી-૫૫૮૮ છે, પોલીસને ગુમરાહ કરવા ખોટી નંબર પલેટ લગાવી હતી. આ દારૂનો જથ્‍થો રાજસ્‍થાન તરફથી ભર્યો હતો અને વ્‍હોટ્‍સએપ નંબરના આધારે પોતે આગળ વધી રહ્યો હતો. વ્‍હોટ્‍સએપ કોલ પર જે સુચના મળે ત્‍યાં આ ટ્રક પહોંચાડવાનો હતો. પીઆઇ એ. બી. જાડેજા, પીએસઆઇ જનકસિંહ જે. રાણા, હારૂનભાઇ ચાનીયા, રવિભાઇ વાંક, કિશનભાઇ આહિર, હેડકોન્‍સ. પિયુષભાઇ ચીરોડીયા, હરપાલસિંહ જાડેજા, સંજયભાઇ બારોટ, દેરાજભાઇ પાલા, મહેશભાઇ કોઠીવાળ, દેવાભાઇ ધરજીયા, ગોપાલભાઇ બોળીયા, વિશ્વરાજસિંહ પરમાર, કોન્‍સ. ધારાબેન મેઘાણી સહિતે આ કામગીરી કરી હતી. ઝડપાયેલાની વધુ પુછતાછ માટે રિમાન્‍ડની તજવીજ થઇ રહી છે.

(12:29 PM IST)