તા. ૨૪ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧૫ મંગળવાર
News of Wednesday, 16th July 2025
મહાપાલિકાએ ગટરનું કામ શરૂ કરવાની ખાતરી આપતા રવાપર રોડ ઉપરનો ચક્કાજામ હટાવાયો.
આવતીકાલ સાંજ સુધીમાં કામ શરૂ નહીં થાય તો ફરી ચક્કાજામ કરવાની મહિલાઓની ચીમકી.

( પ્રવિણ વ્યાસ દ્વારા ) મોરબીમાં આજે સાંજના સમયે કાલિકા પ્લોટના સ્થાનિકોએ રવાપર રોડ ઉપર ચક્કાજામ કરી દીધો હતો. અંદાજે પોણો કલાક સુધી ચક્કજામ રહ્યા બાદ મહાપાલિકાના અધિકારીઓએ સ્થળ ઉપર આવી ખાતરી આપતા ચક્કાજામ હટ્યો છે.
મોરબીના કાલિકા પ્લોટ વિસ્તારમાં ગટર સતત ઉભરાઈ રહી છે. ઘરોમાં બાથરૂમ અને ટોઈલેટમાંથી ગટરના પાણી નીકળી રહ્યા છે. આ ઉપરાંત રોડ ઉપર પણ આ પાણી એમનમ પડ્યા રહેતા હોય મચ્છરોનો ઉપદ્રવ થઈ ગયો છે. જેને કારણે રોગચાળો ફેલાઈ તેવી સ્થિતિ ઉદભવી છે. પરિણામે સ્થાનિકોએ આજે સાંજે રવાપર રોડ ઉપર ચક્કાજામ કર્યો હતો.
આ ચક્કાજામને પગલે મહાપાલિકાના અધિકારી પિયુષ મકવાણા સહિતના સ્થળ ઉપર પહોંચ્યા હતા. જ્યાં તેઓએ સ્થાનિકોને આવતીકાલથી કામ શરૂ કરવાની ખાતરી આપી હતી. જેથી મામલો થાળે પડ્યો હતો અને સ્થાનિકોએ ચક્કજામ હટાવ્યો હતો. બીજી તરફ સ્થાનિક મહિલાઓએ એવી ચીમકી ઉચ્ચારી હતી કે જો આવતીકાલે સાંજ સુધીમાં કામ શરૂ નહીં થાય તો ફરી ચક્કાજામ કરવામાં આવશે.
(9:55 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
