તા. ૨૪ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧૫ મંગળવાર
News of Wednesday, 16th July 2025
પોરબંદરમાં અસામાજિક તત્વો સામે પોલીસનો સપાટો : કમલાબાગ પોલીસે મહાનગરપાલિકા અને PGVCL સ્ટાફ સાથે મળી સર્વે હાથ ધર્યો : DGPના ૧૦૦ કલાકમાં કાર્યવાહીના નિર્દેશ બાદ તંત્ર હરકતમાં
જુનાગઢ રેન્જ પોલીસ મહાનિરીક્ષક નિલેશ જાજડીયા અને પોરબંદર પોલીસ અધિક્ષક ભગીરથસિંહ જાડેજાના માર્ગદર્શન હેઠળ કડક શિક્ષાત્મક કાર્યવાહી : ગુંડા તત્વોના રહેણાંક મકાનો અને વીજ કનેક્શનોની તપાસ : મદદનિશ પોલીસ અધિક્ષક સાહિત્યા વિ. ના નેતૃત્વમાં ઓપરેશન

(પરેશ પારેખ દ્વારા), પોરબંદર : "સેવા, સુરક્ષા, શાંતિ" ના સૂત્ર સાથે કાર્યરત ગુજરાત પોલીસ દ્વારા પોરબંદરમાં અસામાજિક અને ગુંડા તત્વો સામે કડક કાર્યવાહીનો પ્રારંભ કરવામાં આવ્યો છે. કમલાબાગ પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવા તત્વોનો સફાયો કરવા માટે મહાનગરપાલિકા અને PGVCL (પશ્ચિમ ગુજરાત વીજ કંપની લિમિટેડ) ના સ્ટાફ સાથે મળીને એક વિશેષ સર્વે હાથ ધરવામાં આવ્યો છે.
મહત્વનું છે કે, માનનીય પોલીસ મહાનિદેશક તરફથી અસામાજિક ગુંડા તત્વો વિરુદ્ધ કડક શિક્ષાત્મક કાર્યવાહી થાય તે માટે ૧૦૦ કલાકની અંદર કાર્યવાહી કરવા સૂચના આપવામાં આવેલ હતી. આ નિર્દેશના અન્વયે જુનાગઢ રેન્જના પોલીસ મહાનિરીક્ષક નિલેશ જાજડીયા તથા પોરબંદર પોલીસ અધિક્ષક ભગીરથસિંહ જાડેજા દ્વારા અસામાજિક ગુંડા તત્વો સામે સત્વરે કડક કાર્યવાહી કરવા યાદી તૈયાર કરાવવામાં આવી હતી. આ યાદી મુજબના તમામ અસામાજિક ગુંડા તત્વો ઉપર અસરકારક શિક્ષાત્મક કાર્યવાહી કરવા સૂચના આપવામાં આવેલ હતી.
આ સૂચનાના અન્વયે, મદદનિશ પોલીસ અધિક્ષક, પોરબંદર શહેર વિભાગના સાહિત્યા વિ.ના માર્ગદર્શન હેઠળ કમલાબાગ પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર આર.સી.કાનમિયા તથા સર્વેલન્સ પોલીસ સબ ઇન્સ્પેક્ટર એ.એ.ડોડીયા અને સર્વેલન્સ સ્ટાફના માણસોએ કમર કસી છે. તેમની સાથે મહાનગરપાલિકાના ટાઉન પ્લાનિંગ વિભાગના સ્ટાફ અને પી.જી.વી.સી.એલ. સ્ટાફ પણ જોડાયો હતો. આ ટીમે લીસ્ટમાં જણાવેલ પોલીસ સ્ટેશન વિસ્તારના અસામાજિક ગુંડા તત્વોના રહેણાંક મકાને જઈને તેમની મિલકત તેમજ વીજ કનેક્શન બાબતે ચેકિંગની કામગીરી હાથધરી હતી. આ સમગ્ર કાર્યવાહીનો હેતુ અસામાજિક તત્વોની મિલકત અને વીજ ચેકિંગ બાબતે સર્વે કરવાનો હતો.
આ કામગીરીમાં પોલીસ ઇન્સ્પેક્ટર આર.સી.કાનમિયા તથા સર્વેલન્સ પોલીસ સબ ઇન્સ્પેક્ટર એ.એ.ડોડીયા, સર્વેલન્સ સ્ટાફ, મહાનગરપાલિકાના ટાઉન પ્લાનિંગ વિભાગના સ્ટાફ અને પી.જી.વી.સી.એલ. સ્ટાફ સહિતના અધિકારીઓ અને કર્મચારીઓ જોડાયેલા હતા. આ પ્રકારના સંયુક્ત ઓપરેશનથી શહેરમાં કાયદો અને વ્યવસ્થા જાળવવા તથા અસામાજિક તત્વો પર લગામ કસવામાં મદદ મળશે તેવી આશા છે.
(10:05 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
