તા. ૨૪ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧૫ મંગળવાર
News of Wednesday, 16th July 2025
પોરબંદરમાં ખારવા સમાજે 'નવા ના રોજ' દિવસે દરીયાદેવનું પુજન કર્યું : સમુદ્રને ખાંડ અર્પણ કરીને મીઠાશ બક્ષી : જાણો શું છે પરંપરા
વર્ષો જુની પરંપરા મુજબ પોરબંદર ખારવા સમાજના વાણોટ સહિતના આગેવાનો દ્વારા દરિયામાં સાકર અને પુષ્પ અર્પણ કરી પુજન કર્યુ

પોરબંદરમાં આજે ખારવા સમાજે 'નવા ના રોજ' દિવસે દરીયાદેવનું પુજન કર્યું હતું. સમુદ્રને ખાંડ અર્પણ કરીને મીઠાશ બક્ષી હતી. સાગરપુત્રોના નવા વર્ષના પ્રારંભે અસ્માવતી ઘાટ પાસે વર્ષોથી ચાલી આવતી પરંપરા મુજબની વિધિ કરવામાં આવી હતી. આ પ્રસંગે ખારવા સમાજના આગેવાનો, લોકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યાં હતાં.
પોરબંદર ખારવા સમાજ દ્વારા નવા નારોજ દરિયા દેવનુ પુજન કરવામા આવ્યુ છે વર્ષો જુની પરંપરા મુજબ આજે પોરબંદર ખારવા સમાજના વાણોટ સહિતના આગેવાનો દ્વારા દરિયામાં સાકર અને પુષ્પ અર્પણ કરી પુજન કર્યુ હતુ સુખ-શાંતિ અને સમૃધ્ધિ માટેની પ્રાર્થના કરી હતી, આજે નવા નારોજથી વહાણવટાની તૈયારીઓ માલમ દ્વારા કરવામાં આવતી હતી તે પરંપરા મુજબ પુજન કરવામાં આવ્યુ હતુ. પોરબંદર ખારવા સમાજના દ્વારા નવા નારોજની ઉજવણી કરવામાં આવી હતી સમસ્ત 12 ગામ ખારવા સમાજના વાણોટ પવન શિયાળ અને પંચ-પટેલ સહિતના આગેવાન ઢોલ શરણાઇ સાથે ખારવા પંચાયત મઢી ખાતેથી નિકળ્યા હતા અને અસ્માવતી ઘાટ ખાતે દરિયા કિનારે દરિયા દેવની પુજા અર્ચના કરી હતી દરિયા દેવને સાકર અને પુષ્પ અર્પણ કરી અને પુજા અર્ચના કરી હતી.
ખારવા સમાજના વાણોટ પવન શિયાળના જણાવ્યા અનુસાર અષાઢ માસમાં દરિયામા નવા નીર આવ્યા હોય 365 દિવસ દરિયો ખેડતા એક સમયમાં આજથી વહાણવટાની તૈયારી માલમ દ્વારા કરવામાં આવતી, આથી આ પરંપરા મુજબ નવા નારોજની ઉજવણી કરી અને દરિયા દેવને વહાણવટા અને માછીમારોની રક્ષા કરે. સાથે સુખ-શાંતિ અને સમૃધ્ધિ આપે તેવી પ્રાર્થના કરવામાં આવી હતી આ દિવસ કોટવાલની વરણી કરવાની પણ પરંપરા હોય છે. તેમ મુજબ નવા કોટવાલની વરણી કરવામા આવી હતી.
ખારવાભાીઓ દ્વારા આ વિધી કરવા પાછળ એવી માન્યતા છે કે, સમુદ્ર ચોમાસામાં થોડો શાંત થાય અને દેવ પછી આવનારી ફિશીંગ બોટોની તેમજ વહાણવટાની સીઝન દરમિયાન તેમને સાગરમાં સલામતી આપે તેવી પ્રાર્થના કરવામાં આવી હતી. ખારવા સમાજના અગ્રણીઓએ જણાવ્યું હતું કે, તિથિ પંચાગ મુજબ વહાણવટાના ૩૬૫ દિવસ એટલે કે, વર્ષ ગઈકાલે પૂર્ણ થયું હતું અને આજે નવું વર્ષ શરૂ થતું હોય ખારવા સમાજ દ્વારા દરિયા દેવની પુજા કરવામાં આવે છે. આ ઉપરાંત મહીલાઓ પણ સાગરકીનારે આવીને ધુપ દિપ કરીને દરિયાદેવને ખાંડ અર્પણ કરે છે અને ત્યારબાદ વહાણવટાનો પ્રારંભ થતો હોય છે. દાયકાઓથી ખારવા સમાજ દ્વારા આ પરંપરા ચાલી આવે છે. ઉપરાંત ધંધામાં પણ બરકત રહે અને દરિયાદેવની સાથે કોઈ ભૂલ સાગરપુત્રો દ્વારા થઈ હોય તો તે માફ કરીનુે પોતાની નારાજગી દૂર કરે તેવો ભાવાર્થ આ દિવસે રાખવામાં આવે છે. સાગરને અર્પણ થયેલી ખાંડથી તે ખારવાસમાજને પણ પોતાના દિકરાઓ તરીકે સાચવીને કાયમી મીઠો આવકાર આપતા રહે અને કોઈ વહાણ કે ફિશીંગ બોટો દરિયામાં ડૂબે નહીં કે નુકસાન થાય નહીં અને તેમાં રહેલા ખલાસીઓના મોત થાય નહીં તેવી પણ સાગરપુત્રોએ પ્રાર્થના કરી હતી.
(11:03 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
