તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Thursday, 17th July 2025
ભુજમાં હપ્તો માંગનાર ખંડણીખોર પત્રકારો ઝડપાયા: બ્લેકમેલિંગનો ભોગ બનનારને ફરિયાદ કરવા પોલીસની જાહેર અપીલ :જુઓ વિડીયો
એલસીબીની કાર્યવાહી બાદ ડીવાયએસપીએ કરી જાહેર અપીલ, એક રાષ્ટ્રીય જ્યારે બીજો પ્રાદેશિક ન્યૂઝ ચેનલ સાથે સંકળાયેલો

(વિનોદ ગાલા દ્વારા)ભુજ તા.૧૭ : પત્રકારત્વના ઓઠા તળે ખંડણી તરીકે રૂપિયા માંગી પત્રકારત્વના વ્યવસાયને અભડાવતા તત્વો વિરુદ્ધ પશ્ચિમ કચ્છ એલસીબીએ કાયદેસર કાર્યવાહી કરી છે. એટલું જ નહીં પોલીસની એક કાર્યવાહી બાદ બીજી ફરિયાદ આવતા ડીવાયએસપીએ પત્રકારત્વના ઓઠા તળે બ્લેકમેઇલિંગ કરતા તત્વોને તાબે ન થવા અને પોલીસ ફરિયાદ કરવાની અપીલ કરી છે. ભુજમાં જમીનના વ્યવસાય સાથે સંકળાયેલા મોહમ્મદ હનીફ આમદ સમેજાએ પ્રાદેશિક ટીવી ન્યૂઝ ચેનલના પત્રકાર વાજિદ અલ્સાદ ચાકી અને રાષ્ટ્રીય હિન્દી ન્યૂઝ ચેનલના પત્રકાર અલીમામદ આરબ ચાકી (ગામ: નાના રેહા, ભુજ) સામે દર મહિને ૨૦ હજારનો હપ્તો માંગવાની ખંડણી અંગે ફરિયાદ નોંધાવી હતી. અગાઉ આંકડાના ગુનામાં ઝડપાયેલ જમીનના વ્યવસાયી મોહમ્મદ હનીફ સમેજાએ બંને પત્રકારો વાજિદ અને અલી સામે ખંડણી માટે પોતાના માસૂમ પુત્રોના અપહરણની ધમકી અંગે પણ પોલીસ ફરિયાદ કરી હતી. એલસીબીએ આ સંદર્ભે બંને પત્રકારોની ધરપકડ કર્યા બાદ બીજી ફરિયાદ નોધાઈ હતી. ભુજ પાસે આવેલા ટાંકણાસર ગામના ટ્રક માલિક અકબર જતે પત્રકારો વાજિદ ચાકી અને અલીમામદ ચાકી સામે રૂ. ૧૦ હજારની દર મહિને ખંડણી માંગવા કરેલી ધાકધમકી અંગે પોલીસને જાણ કરી ફરિયાદ નોંધાવી હતી. રેતી, પથ્થર અને કાંકરીની ટ્રકમાં હેરાફેરી કરતા જાકબ જુમ્મા જતની ટ્રક અટકાવી બંને પત્રકારોએ ડ્રાઇવર અકબર જત પાસે રોયલ્ટીના કાગળો માંગ્યા હતા. ડ્રાઈવરે કાયદેસરના કાગળો બતાવ્યા છતાયે તમારા માલિક ખનિજ ચોરી કરે છે એવું કહી ટ્રક માલિક જાકબ જતને રૂબરૂ બોલાવી ૧૦ હજાર રૂપિયા માંગી દર મહિને ૧૦ હજારનો હપ્તો આપવા ધમકી આપી હતી. નહીં તો ધંધો બંધ કરાવી દેવાની ચીમકી ઉચ્ચારી હતી. આ બે ફરિયાદ બાદ ડીવાયએસપી એમ.જે. ક્રિશ્ચિયનએ ખંડણીની માંગ કરતા બ્લેકમેઇલ કરનાર પત્રકારો સામે ડર્યા વગર ફરિયાદ કરવાની અપીલ કરી છે. પશ્ચિમ કચ્છ એલસીબી પોલીસે પણ આ અંગે લોકોને ડર્યા વગર ફરિયાદ કરવા જણાવ્યું છે. પોલીસે પોતાના હેલ્પ લાઇન નંબર ૦૨૮૩૨૨૫૦૯૬૦ ઉપર પણ જાણ કરવા જણાવ્યું છે.
(9:30 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
