તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Thursday, 17th July 2025
ગાંધીધામમાં આંગડિયા પેઢીના માલિકનું બંદૂકની અણીએ અપહરણ અને છુટકારો
કેતનભાઈ કાંકરેચાના અપહરણમાં વપરાયેલ કાર કોની?બંદૂકની અણીએ અપહરણ શા માટે કર્યું?? પોલીસની નાકાબંધીથી ભચાઉ પાસે મૂકીને ભાગ્યા

(વિનોદ ગાલા દ્વારા)ભુજ તા.૧૭ : ગાંધીધામના ગાંધી માર્કેટ જેવા ધમધમતા વિસ્તારમાંથી બંદૂકની અણીએ વ્યાપારીના અપહરણ કરવાના બનાવે સમગ્ર કચ્છ જિલ્લામાં સનસનાટી સર્જી હતી. બપોરે ગાંધી માર્કેટ નજીક આવેલી સંકેતનિધી આંગડિયા પેઢીના સંચાલક કેતનભાઈ કાંકરેચાનું અજાણ્યા શખ્સો દ્વારા અપહરણ કરી જવાયું હતું. સ્વિફ્ટ કારમાં અપહરણ કરી જવાની આ ઘટનાના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા હતા. સીસીટીવીના દ્રશ્યો મુજબ એક કારમાં આવેલા આરોપીઓએ બંદૂકની અણીએ કેતનભાઈને કારમાં બેસાડીને લઈ ગયા હતા. બનાવની જાણ થથાં એસપી સાગર બાગમાર સહિતના ઉચ્ચાધિકારીઓ બનાવના સ્થળે દોડી ગયા હતા અને તપાસ આદરી હતી. પોલીસે ત્વરિત પગલાં લઈ નાકાબંધી કરી સઘન તપાસ શરૂ કરી હતી. એ દરમ્યાન આરોપીઓને પોલીસની નાકાબંધીની ગંધ આવી ગઈ હતી એટલે મુખ્ય હાઇવે મૂકી ભચાઉ સામખિયાળીથી જંગી ગામ તરફ જતા રસ્તે તેમણે કાર વાળી હતી. કાર એ સમયે રોડ ઉપર પાપડીમાં ભરાયેલ પાણીના પ્રવાહમાં ફસાઈ જતા અપહરણ કરનારાઓ કાર અને વ્યાપારીને મૂકી નાસી છૂટ્યા હતા. જોકે, તુરતજ વ્યાપારી કેતન કાંકરેચાએ બહાર આવી પરિવારજનોનો સંપર્ક કર્યો હતો. દરમ્યાન અપહરણકારો એ કેતનભાઈ પાસેથી ઘડિયાળ, સોનાની વીંટી, રૂપિયાની લૂંટ કરી હતી. આરોપીઓની આંતરિક વાતો મુજબ તેમને સામખિયાળી સોંપવામાં આવનાર હતા. આરોપીઓ હિન્દી ભાષી હતા. હવે અપહરણ શા માટે થયું અને કાર કોની છે એ અંગે પોલીસે તપાસ હાથ ધરી અપહરણના બનાવનું રહસ્ય ઉકેલવા તરફ ધ્યાન કેન્દ્રિત કર્યું છે
(9:31 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
