News of Thursday, 17th July 2025
ટંકારા પાસે બેકાબુ કાર ડિવાઇડર કુદી પાણીપુરીવાળાને હડફેટે લેતા મોત
વાહનની રાહ જોઇ બેઠેલા શાકભાજી વાળાના પગનો છુંદો થઇ ગયોઃ હર બટીયાળી ગામ નજીક બનાવ

(જયેશ ભટ્ટાસણા દ્વારા) ટંકારા, તા.૧૭: રાજકોટ - મોરબી હાઇવે ઉપર ટંકારા તાલુકાના હરબટિયાળી ગામના બસસ્ટેન્ડ પાસે ચાર દિવસ પૂર્વે રાત્રીના સમયે બેકાબુ કાર ચાલકે સ્ટિયરિંગ ઉપરનો કાબુ ગુમાવી દેતા કાર ડિવાઈડર કૂદી સામેની તરફ પાણી પુરીની લારી ઉપર ખાબકતા ગંભીર ઈજા થતાં પાણીપુરીની લારી વાળાનું મળત્યુ નીપજ્યું હતું. આ ઉપરાંત અન્ય એક દંપતી શાકભાજી વેચી ઘેર જવા માટે વાહનની રાહ જોઈ બાંકડે બેઠા હોય દંપતી પૈકી પતિને પણ ઝપટે લેતા ૧૦૮ મારફત સારવારમાં ખસેડવામાં આવ્યા હતા. હિટ એન્ડ રન કરી કાર ચાલક નાસી ગયો હતો.
પ્રાપ્ત વિગતો મુજબ મોરબી - રાજકોટ હાઇવે ઉપર ગત તા.૧૩ના રોજ રાત્રીના નવેક વાગ્યાના અરસામાં રાજકોટ તરફથી મોરબી જતી જીજે -૦૩ - જેઆર -૪૭૮૦ નંબરની કારના ચાલકે સ્ટિયરિંગ ઉપરનો કાબુ ગુમાવી દેતા કાર ડિવાઈડર કૂદી હરબટિયાળી ગામના બસસ્ટેન્ડ પાસે ખાબકી હતી.જેમાં કાર પાણીપુરીની લારી ઉપર ખાબકતા પાણીપુરીના ધંધાર્થી સંદીપકુમાર સર્વેશકુમાર નિશાદ નામના યુવાનનું ગંભીર ઇજા થતાં ટુકી સારવાર બાદ મળત્યુ નીપજ્યું હતું.
વધુમાં આ વિચિત્ર અકસ્માત સર્જાયો તે સમયે ટંકારાના જીવાપર ગામના શાકભાજીના ધંધાર્થી દીપકભાઈ કાંતિલાલ અઘારીયા અને તેમના પત્ની કૈલાશબેન હરબટિયાળી ગામમાં શાકભાજી વેચી પરત ઘેર જવા માટે બસસ્ટેન્ડના બાંકડે બેઠા હતા ત્યારે કાર ડિવાઈડર કૂદીને તેમની ઉપર આવતા દીપકભાઈને પગના ભાગે ફ્રેક્ચર સહિતની ઈજાઓ પહોચી હતી. અકસ્માત બાદ કાર ચાલક નાસી ગયો હોય ઈજાગ્રસ્ત દીપકભાઈને ભાઈ જયંતભાઈ કાંતિલાલ અઘારિયાની ફરિયાદને આધારે ટંકારા પોલીસે ગુન્હો રજીસ્ટર કર્યો હતો.
અત્રે ઉલ્લેખનીય છે કે આ હિટ એન્ડ રન બનાવ બાદ ટંકારા પોલીસે તસ્દી લઈ ડ્રિંક એન્ડ રન તો નથીને? સહિતની તસ્દી લેવાની જગ્યાએ માત્ર ફરીયાદ નોધાવા ની રાહ જોઈ હોવાની ચૌમેર ચર્ચા ચાલી રહી છે તદુપરાંત કાર ચાલક કલ્યાણપર ગામનો પાટીદાર યુવાનને તેના સગા સંબંધી એ તાત્કાલિક કાર માથી બહાર કાઢી પ્રાઈવેટ વાહન માં રાજકોટ સારવાર માં ખસેડયા નુ અંગત વિશ્વાસપાત્ર સૂત્રો એ જણાવ્યું હતું.
(1:24 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
