News of Friday, 18th July 2025
વાંકાનેરમાં પાણી-રસ્તા મુદે કોંગ્રેસ દ્વારા ચક્કાજામઃ કોંગી આગેવાનોની અટકાયત સામે રોષ
ફિલ્ટર વગરનું દુષિત પાણી, ભુગર્ભ ઉભરાતી ગટરો, સહિતના મુદે ઉગ્ર રજૂઆત

વાંકાનેર તા. ૧૮ :.. વાંકાનેર ખાતે મહિલાઓ દ્વારા દાણાપીઠ ચોકમાં વાંકાનેર નગરપાલિકાના વહીવટ વિરૂદ્ધ પ્રદર્શન કરવામાં આવ્યુ હતું.
આ વિરોધ પ્રદર્શનમાં નગરપાલિકામાં કોંગ્રેસના સદસ્યો મહંમદભાઈ રાઠોડ, એકતાબેન ઝાલા, અશરફભાઈ ચૌહાણ, કુલસુમબેન તરિયા સહિત કોંગ્રેસ અગ્રણીઓ રાજુભાઈ પ્રજાપતિ અને રજાકભાઈ તરિયા પણ જોડાયા હતા.
વાંકાનેર દાણાપીઠ ચોકમાં મહિલાઓ દ્વારા શહેરના ભંગાર રોડ રસ્તા, ફિલ્ટર વગરનું દૂષિત પાણી, ઉભરાતી ભૂગર્ભ ગટરો, ગટરોના તૂટેલા ઢાંકણા, દાણાપીઠ ચોક થી કોલેજ અને હાઇવે થઈ દાણાપીઠ ચોક રોડ, મિલપ્લોટ વીશીપરા રોડ, ગંદકી સહિતની સમસ્યાઓ બાબતે સુત્રોચ્ચાર કરવામાં આવ્યા હતા.
આ સમયે નગરપાલિકાના કોંગ્રેસના સદસ્યો અને શહેર કોંગ્રેસ અગ્રણીઓને પોલીસ દ્વારા ડિટેઇન કરવામાં આવ્યા હતા. પોલીસ સ્ટેશન ખાતે પુર્વ ધારાસભ્ય મહંમદ જાવેદ પીરઝાદા સહિતના કોંગ્રેસ અગ્રણીઓએ વાંકાનેર મામલતદાર સમક્ષ ઉપરોક્ત સમસ્યાઓ બાબતે ઉગ્ર રજૂઆત કરી હતી.
બાદમાં ડીવાયએસપી સારડાએ આ ચક્કાજામ કાર્યક્રમના આયોજક પત્રકાર અને કાઉન્સીલર મહંમદભાઇ રાઠોડ સાથે વાતચીત કરી તાત્કાલીક રસ્તો ખોલવા વાતચીત કરતા મામલો ગરમાતા નગરપાલીકાનાં ચૂંટાયેલા ચાર સભ્યો એકતાબેન ઝાલા, કુલસુમબેન તરીયા, અશરફ ચૌહાણ તથા પૂર્વ સભ્ય રાજુભાઇ પ્રજાપતિ અને હસુભાઇ ઝાલાની પોલીસે તાત્કાલીક અટક કરી પોલીસ સ્ટેશન ખાતે પણ લોકોના ધાડા ઉતરી પડેલ ત્યારે કોંગ્રેસી અગ્રણી જાવીદભાઇ પીરઝાદા, શકીલભાઇ પીરઝાદા, હરદેવસિંહ જાડેજા, ઇસ્માઇલ બાદી, ગુલામ પરાસરા અને ગુજરાત પ્રદેશ કોંગ્રેસના મહામંત્રી સહિતનો કાફલો પોલીસ સ્ટેશન પહોંચતા ત્યાં મામલતદાર શ્રી ડે. કલેકટરશ્રીને રૂબરૂ બોલાવી, આ રસ્તાઓના પ્રશ્ને રજૂઆત કરતા વહીવટતંત્ર એ આંદોલનકારીઓની માંગણીઓ સ્વિકારતા મામલો થાડે પડયો હતો. આ કાર્યક્રમ બાદ તંત્ર દ્વારા લીમડા ચોકથી જીનપરા રસ્તાના ખાડાઓની કામગીરી હાથ ધરી છે. આજે પણ બાકીની કામગીરી થશે.
(12:07 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
