News of Friday, 18th July 2025
સાવરકુંડલાના આંબરડીની સીમમાં ૩ બચ્ચા સાથે સિંહણ ત્રાટકીઃ ૩ બકરીનો શિકાર
વારંવાર વન્ય પ્રાણીઓના આટાફેરાથી લોકોમાં ફફડાટ

(ઈકબાલ ગોરી દ્વારા) સાવરકુંડલા, તા.૧૮: સાવરકુંડલાના આંબરડી ગામે છેલ્લા ૨ માસથી ગામની સીમ વિસ્તારમાં વસવાટ કરી રહેલા સિંહોએ ગામમાં ઘુસી શિકાર કરવાનો સિલસિલો યથાવત રાખ્યો હોય તેમ આંબરડી ગામના સુરાભાઈ ભરવાડ પોતાના બકરાનું ઝુંડ લઈ સીમ વિસ્તારમાં ચારો કરવા લઈ જતા હતા ત્યાં જ ગામની બહાર દીપડવાવ નદી નજીકમાં ૩ બચ્ચાં સાથે એક ખૂંખાર સિંહણ ચારોં કરી રહેલ બકરાના ઝુંડમાં ત્રાટકતા ઝુંડમાં ભાગમભાગ મચી ગઇ હતી જેમાં ૩ બકરીને સિંહણે મોતને ઘાટ ઉતાર્યા હતા. માલધારી સુરાભાઇ ભરવાડના ૩ બકરાનો શિકાર થઈ જતાં વન વિભાગને જાણ કરતા ટીમ ઘટના સ્થળે પહોંચી હતી અને જરૂરી કામગીરી હાથ ધરી હતી.
ઉલ્લેખનીય છે કે આંબરડી ગામમાં અવાર નવાર સિંહો રાત્રીના સમયે ગામની બજારમાં ઘૂસી આવી જઈ ગાયનો શિકાર કરે છે. ત્યારે આજે સીમમાં ધોળે દિવસે સિંહોએ ૩ બકરાનો શિકાર કરતા માલધારીઓ, ખેડૂતો અને સીમમાં કામ કરતા મજૂરોમાં ફફડાટ વ્યાપી ગયો છે.
(2:02 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
