<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 19th July 2025

સાવરકુંડલાના કથાકાર રાજુગીરી ગોસાઇ સામે બ્રહ્મસમાજનો ઉગ્ર વિરોધ : પોલીસ ફરિયાદ

 

(દીપક પાંધી દ્વારા) સાવરકુંડલા, તા.૧૯: સાવરકુંડલા સમસ્‍ત બ્રહ્મસમાજ અને કર્મકાંડી બ્રહ્મસમાજ દ્વારા કથાકાર રાજુગિરી કાશીગીરી ગોસ્‍વામી (રહે. મોટા ઝીંઝુડા, તા. સાવરકુંડલા) વિરુદ્ધ ઉગ્ર વિરોધ નોંધાવી સાવરકુંડલા ટાઉન પોલીસ સ્‍ટેશનમાં લેખિત રજૂઆત  કરવામાં આવી છે. તેમની સામે ભારતીય ન્‍યાય સંહિતાની કલમ ૩૧, ૧૯૬, ૨૯૬, અને ૨૯૯ હેઠળ ગુનો નોંધવાની માગણી કરવામાં આવી છે. સાવરકુંડલા સમસ્‍ત બ્રહ્મસમાજના પ્રમુખ શ્રી મુકેશભાઈ ત્રિવેદીએ જણાવ્‍યું હતું કે, રાજુગિરી ગોસ્‍વામી શિવકથાના નામે જુદા-જુદા સમાજો અને જ્ઞાતિઓને સતત અપમાનિત કરી રહ્યા છે. તેઓ પોતાની પ્રતિષ્ઠા વધારવા અને અન્‍ય જ્ઞાતિઓને નીચી દેખાડવાના બદઈરાદાથી ચોક્કસ જ્ઞાતિઓને નિશાન બનાવે છે અને ધર્મની આડમાં ધાર્મિક માન્‍યતાઓનું અપમાન કરી રહ્યા છે. તાજેતરમાં તેમણે કચ્‍છમાં યોજાયેલી કથા દરમિયાન સમસ્‍ત બ્રહ્મસમાજની ધાર્મિક લાગણીઓને ઠેસ પહોંચાડવાના ઈરાદાથી જાહેરમાં નિવેદન કર્યું હતું. આ કળત્‍ય તેમનો ઈરાદાપૂર્વકનો અપમાનજનક હેતુ અને ધાર્મિક માન્‍યતાઓના અપમાનનું સ્‍પષ્ટપણે સૂચવે છે. આરોપી દ્વારા સમસ્‍ત બ્રહ્મસમાજનું અપમાન કરવા, ધાર્મિક માન્‍યતાઓને ઠેસ પહોંચાડવા અને ધાર્મિક લાગણીઓને દુભાવવાના હેતુથી ઉચ્‍ચારણ કરવા બદલ તેમની વિરુદ્ધ તાત્‍કાલિક અસરથી ફરિયાદ દાખલ કરી કાનૂની રાહે કાર્યવાહી કરવાની માંગ કરવામાં આવી છે. અત્રે નોંધનીય છેકે આ કથાકારે અગાઉ ઠાકોર સમાજ વિષે વિવાદિત ટીપણી કરી હતી.(૨૩.૫)

(10:16 AM IST)