તા. ૧૦ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧ મંગળવાર
News of Saturday, 19th July 2025
મોટી પાનેલી સહકારી મંડળીએ સહકારી ક્ષેત્રમાં રચ્યો ઇતિહાસઃ સ્થાપનાકાળથી સૌથી વધુ રૂા.૨૫ લાખનો જંગી નફો નોંધાવ્યોઃ ખેડૂત સભાસદોને ૧૫% ડિવિડન્ડની ઐતિહાસિક જાહેરાત!
વર્ષ ૧૯૫૬માં સ્થપાયેલી મંડળીએ ૨૦૨૪-૨૫માં વિક્રમી નફો મેળવી નવો રેકોર્ડ બનાવ્યોઃ ધોરાજી - ઉપલેટાના ધારાસભ્ય ડો. મહેન્દ્રભાઈ પાડલીયા સહિતના મહાનુભાવો અને મોટી સંખ્યામાં ખેડૂત સભાસદોની ઉપસ્થિતિમાં ઉજવણીઃ પારદર્શક વહીવટ સાથે ભવિષ્યમાં વધુ ઊંચાઈઓ સર કરવાનો પ્રમુખ વિરેનભાઈ ફળદુ અને કારોબારીનો સંકલ્પ

પાનેલી મોટી તા.૧૯: સહકારી ક્ષેત્રે એક અનોખો અને પ્રેરણાદાયી ઇતિહાસ મોટી પાનેલી સહકારી મંડળી દ્વારા રચવામાં આવ્યો છે. વર્ષ ૧૯૫૬માં સ્થપાયેલી આ મંડળીએ પોતાની સ્થાપનાથી આજદિન સુધીનો સૌથી વધુ નફો વર્ષ ૨૦૨૪-૨૫માં મેળવીને એક નવો રેકોર્ડ કાયમ કર્યો છે. મંડળીએ કુલ ઈં ૨૫ લાખનો જંગી નફો મેળવી, સહકારી ક્ષેત્રમાં એક ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે.
આ ઐતિહાસિક સિદ્ધિની ઉજવણી અને ભવિષ્યના સંકલ્પ સમારોહમાં ધોરાજી-ઉપલેટાના ધારાસભ્ય ડો. મહેન્દ્રભાઈ પાડલીયા, RDC બેંક ડિરેક્ટર હરિભાઈ ઠુંમર અને નરસિંહભાઈ મુંગલપરા, ઉપલેટા તાલુકા સંઘના પ્રમુખ ગોપાલભાઈ, કોલકી સહકારી મંડળીના પ્રમુખ નીલમબેન ખાંટ, ખારચિયા સહકારી મંડળીના પ્રમુખ બાબુભાઈ હુંબલ સહિત અનેક મહાનુભાવો અને મોટી સંખ્યામાં પાનેલી મોટી સહકારી મંડળીના સભાસદ ખેડૂત ભાઈઓએ હાજરી આપી હતી.
મંડળીના પ્રમુખ વિરેનભાઈ ફળદુ અને ઉપ પ્રમુખ મેહુલભાઈ વરસાણી તેમજ કારોબારીના તમામ સભ્યો દ્વારા સહકારી ક્ષેત્રમાં પારદર્શક વહીવટ સાથે એક ઉત્તમ ઉદાહરણ પૂરું પાડવામાં આવ્યું છે. આ પ્રમુખશ્રી વિરેનભાઈ ફળદુ તથા કારોબારીના તમામ સભ્યો દ્વારા આવનારા વર્ષોમાં આનાથી પણ વધુ નફો કરીને મંડળીને નવી ઊંચાઈએ લઈ જવાનો સંકલ્પ કરવામાં આવ્યો છે.
આ સિદ્ધિની સાથે, મંડળી દ્વારા ખેડૂત સભાસદોને સૌથી વધારે ૧૫% ડિવિડન્ડ આપવાની મહત્વપૂર્ણ જાહેરાત પણ કરવામાં આવી છે, જે ખેડૂત સભાસદો માટે આર્થિક રીતે ખુબ જ લાભદાયી બનશે અને મંડળી પ્રત્યેનો તેમનો વિશ્વાસ વધુ મજબૂત બનાવશે. મોટી પાનેલી સહકારી મંડળીએ માત્ર આર્થિક નફો જ નહીં, પરંતુ સામુહિક પ્રયાસો અને પારદર્શકતા થકી કેવી રીતે સહકારી સંસ્થા સફળ બની શકે તેનું ઉત્તમ દ્રષ્ટાંત પૂરું પાડ્યું છે. (કર્ટસી, ચંદ્રેશ પટેલ, પાનેલી મોટી)(૩૮.૧૦)
(10:36 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
