તા. ૧૦ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧ મંગળવાર
News of Saturday, 19th July 2025
ચુડાના કંથારીયાનાં રમેશ ફોરણીયાની હત્યાઃ લાશ સળગાવવા પ્રયાસ
બાઇકની સીટ સળગાવી જેવી નજીવી બાબતમાં પિતા અને ૪ પુત્રોએ તિક્ષણ હથીયારનાં ઘા ઝીંકીને મોતને ઘાટ ઉતારતા ખળભળાટ

(ફઝલ ચૌહાણ દ્વારા) વઢવાણ, તા. ૧૯: સુરેન્દ્રનગર જીલ્લાના ચુડા તાલુકાના કંથારીયા ગામે બાઇકની સીટ સળગાવવા જેવી સામાન્ય બાબતમાં રમેશ ફોરણીયાની હત્યા કરીને લાશ સળગાવી દેવાનો પ્રયાસ કરાતા ખળભળાટ મચી ગયો છે.
મળતી માહિતી મુજબ ચૂડાના કંથારીયા ગામે રમેશભાઈ બચુભાઈ ફોરણીયા રહે છે. તેમના મિત્ર મુકેશભાઈ નાગરભાઈના બાઈકની સીટ આશરે બે માસ પહેલા ગામના અશ્વીન કિરણભાઈ સોલંકીએ સળગાવી દીધી હતી. આ બાબતે રમેશભાઈએ અશ્વીને બાઈકની સીટ સળગાવી હોવાની મુકેશભાઈને જાણ કરી હતી. જેને લઈ અશ્વીન અને રમેશ વચ્ચે મનદુઃખ ચાલ્યુ આવતુ હતુ. ત્યારે તા. ૧૭મીએ રાત્રે બે કલાકે અશ્વીન કીરણભાઈ સોલંકી, અનીલ કિરણભાઈ સોલંકી, પ્રદીપ ઉર્ફે વિશાલ કિરણભાઈ સોલંકી, ડાર્વીન ઉર્ફે લાલો કીરણભાઈ સોલંકી અને કીરણ સોલંકી આંગણવાડીના ઓટલે સુતેલા રમેશભાઈની પાસે ગયા હતા. અને તિક્ષ્ણ હથીયારો વડે રમેશભાઈ ઉપર હુમલો કરી માથાના ભાગે ગંભીર ઈજા પહોંચાડી મોત નીપજાવ્યુ હતુ. ત્યારબાદ આરોપીઓએ પુરાવાનો નાશ કરવા માટે જ્વલનશીલ પદાર્થ વડે રમેશભાઈની લાશને તેના જ ઘરના ફળીયામાં ઢસડીને લઈ જઈને સળગાવી દીધી હતી. આ બનાવ સામે આવતા ચૂડા પોલીસ શુક્રવારે સવારે કંથારીયા દોડી ગઈ હતી અને લાશને એફએસએલ માટે મોકલી હતી. જયારે બનાવની મળતકના કૌટુંબીક બહેન વિરમગામના કરકથળ ગામે રહેતા ગીતાબેન જગદીશભાઈ વાળોદીયાએ પાંચેય આરોપી સામે ચૂડા પોલીસ મથકે હત્યાની કલમો સાથે ફરિયાદ નોંધાવી છે. પાંચેય આરોપીને ઝડપી લેવા વધુ તપાસ ચૂડા પોલીસ મથકના ઈન્ચાર્જ પીઆઈ એન.એ. ડાભી ચલાવી રહ્યા છે.(૬.પ)
(10:46 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
