<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 19th July 2025

અપૂરતા કપડા પહેરી ઘરની બહાર નિકળતા પાડોશીને સમજાવવા જતા ભાણવડના ઢેબર ગામે બે હિંગોરા પરિવારમાં મારામારી

જામ ખંભાળિયાઃ તા. ૧૯, ઢેબર ગામે રહેતા શાહનવાઝભાઈ આબેદિન ભાઈ  હિંગોરા (હલાણી) નામના ૧૯ વર્ષના યુવાનના ઘરની બાજુમાં જ વાડી તેમજ રહેણાંક મકાન ધરાવતા હસન આમદ હિંગોરા નામના શખ્‍સને અવારનવાર પૂરતા કપડા પહેર્યા વગર ઘરની બહાર રખડવાની ટેવ હોય, જેથી ફરિયાદી શાહનવાઝભાઈ હિંગોરાના પરિવારના મહિલાઓ ઘરની બહાર નીકળે ત્‍યારે આરોપી હસન આવું કરતો હોવાથી આ બાબતે તેમણે હસનને આવું ન કરવા સમજાવ્‍યું હતું.

આ બાબતે ફરીયાદી તેમજ આરોપી પરિવાર વચ્‍ચે બોલાચાલી પણ થઈ હતી. આ બોલાચાલીનું મનદુઃખ રાખી, આરોપી હસન આમદ અને તેના ભાઈ સાલેમામદ આમદએ ફરિયાદી શાહનવાઝભાઈ તેમજ તેમના પિતા આબેદિનભાઈ હિંગોરા ઉપર લાકડી વડે હુમલો કરી, આબેદિનભાઈને કુહાડાના ઘા મારીને ગંભીર ઈજાઓ પહોંચાડવા સબબ બંને બંધુઓ સામે ભાણવડ પોલીસ મથકમાં ધોરણસર ફરિયાદ નોંધાવવામાં આવી છે.

સામા પક્ષે સાલેમામદ આમદ હિંગોરાએ આબેદિનભાઈ જુસબભાઈ હિંગોરા, શાહનવાઝ આબેદિનભાઈ હિંગોરા અને ઈશા જુસબભાઈ હિંગોરા નામના ત્રણ શખ્‍સો સામે નોંધાવાયેલી ફરિયાદમાં જણાવ્‍યું છે કે ઉપરોક્‍ત બાબતે બોલાચાલી થયા બાદ આરોપીઓએ મોટરસાયકલ પર આવીને ફરિયાદીના ભાઈ હસનને લાકડી વડે બેફામ માર મારી, ફ્રેકચર સહિતની ઈજાઓ પહોંચાડી હતી. આટલું જ નહીં, જાનથી મારી નાખવાની ધમકી પણ ઉચ્‍ચારવામાં આવી હોવાથી ભાણવડ પોલીસે સામા પક્ષે પણ ત્રણ શખ્‍સો સામે જુદી જુદી કલમ હેઠળ ગુનો નોંધ્‍યો છે.

આ પ્રકરણમાં આગળની તપાસ ભાણવડના પી.એસ.આઈ. પી.જે. ખાંટ ચલાવી રહ્યા છે.

મીઠાપુરમાં જુગારના અખાડોઃ નવ ઝબ્‍બે

 આરંભડા સીમ વિસ્‍તારમાં આવેલી આંખની હોસ્‍પિટલ પાસે રહેતા અનિલ ડેપાભાઈ હાથીયા નામના શખ્‍સ દ્વારા પોતાના મકાનમાં ચલાવાતા જુગારના અખાડા પર દરોડાની કાર્યવાહી કરવામાં આવી હતી.

આ દરોડામાં પોલીસે અનિલ હાથીયા સાથે જીતેશ આલા બાબરીયા, મસુરા વિરમ હાથિયા, હરદાસ નાગાજણ ચાસીયા, દિલીપ પુંજા ચાસિયા, આદિત્‍ય સંજોગભાઈ રાઠોડ, મેરામણ હરદાસ હાથીયા, કાસમ સુલેમાન માજોઠી કુંભાર અને રાજશી હરદાસ હાથીયા નામના નવ શખ્‍સોને દબોચી લીધા હતા.

ઝડપાયેલા આ શખ્‍સો પાસેથી ૪૦,૬૩૦ ની રોકડ રકમ તેમજ રૂપિયા ૪૩ હજારની કિંમતના સાત નંગ મોબાઈલ ફોન અને રૂપિયા ૭૦,૦૦૦ ની કિંમતના વાહન સહિત કુલ રૂપિયા ૧,૫૩,૬૩૦ નો મુદ્દામાલ કબજે લેવામાં આવ્‍યો છે. જે અંગે મીઠાપુર પોલીસે કાર્યવાહી કરી હતી.

(1:04 PM IST)