<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 19th July 2025

પ્રદેશ ભાજપના મહામંત્રી રત્નાકરજીએ કચ્છના સરહદી વિસ્તારના વૃજવાણી ગામની મુલાકાત લીધી : ગ્રામ્ય સંગઠન મજબૂત બનાવવા કાર્યકરોને હાકલ કરી!

રાપર વિધાનસભા વિસ્તાર અને ભચાઉ તાલુકાના સરહદી ગામોમાં 'ઓપરેશન સિંદૂર' હેઠળ બનેલી સમિતિઓને સક્રિય કરવા પર ભાર : ધારાસભ્ય, જિલ્લા પ્રમુખ સહિતના અનેક અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા

વિનોદ ગાલા દ્વારા, ભુજ,: ગુજરાત પ્રદેશ ભાજપના સંગઠન મહામંત્રી રત્નાકર દ્વારા આજે કચ્છ જિલ્લાના રાપર તાલુકાના સરહદી વિસ્તારના વૃજવાણી ગામની મુલાકાત લેવામાં આવી હતી. આ મુલાકાત દરમિયાન તેમણે સ્થાનિક ભાજપના કાર્યકરોને સંગઠિત બનવા અને ગ્રામ્ય સ્તરે પક્ષને વધુ મજબૂત બનાવવા માટે હાકલ કરી હતી.
વૃજવાણી ખાતે આયોજિત આ મહત્વપૂર્ણ બેઠકમાં ધારાસભ્ય વિરેન્દ્રસિંહ જાડેજા, જિલ્લા ભાજપના પ્રમુખ દેવજીભાઈ વરચંદ, મહામંત્રી ધવલ આચાર્ય, મંત્રી વિકાસ રાજગોર, સરહદ ડેરીના ચેરમેન વલમજી હુંબલ, રાપર તાલુકા ભાજપ પ્રમુખ નશાભાઈ દૈયા, માજી શહેર ભાજપ પ્રમુખ ઉમેશ સોની સહિતના પક્ષના અનેક અગ્રણી હોદ્દેદારો અને કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા.
પ્રદેશ મહામંત્રી રત્નાકરે ઉપસ્થિત સંગઠનના હોદ્દેદારો અને કાર્યકરોને સંબોધતા જણાવ્યું હતું કે, રાપર વિધાનસભા વિસ્તાર અને ભચાઉ તાલુકાના સરહદી વિસ્તારમાં દરેક ગામમાં 'ઓપરેશન સિંદૂર' વખતે પાંચ કાર્યકર્તાઓની સમિતિ બનાવવામાં આવી છે. તેમણે આ સમિતિઓને ગ્રામ્ય વિસ્તારોમાં સંગઠન વધુ મજબૂત બનાવે તેના પર ભાર મૂક્યો હતો.
આ બેઠકમાં ભચાઉ તાલુકા ભાજપના પ્રમુખ વાઘજીભાઈ છાંગા, રાપર તાલુકા ભાજપના મહામંત્રી મહેન્દ્રસિંહ વાઘેલા, મહાદેવભાઈ તેમજ અન્ય અપેક્ષિત કાર્યકર્તાઓ પણ હાજર રહ્યા હતા. સમગ્ર આયોજન દરમિયાન ઉમેશભાઈ સોની અને નશાભાઈ દૈયાએ વ્યવસ્થાપનની જવાબદારી સફળતાપૂર્વક સંભાળી હતી. આ મુલાકાતથી સરહદી વિસ્તારના ભાજપના કાર્યકરોમાં નવો ઉત્સાહ અને જોમ જોવા મળ્યો હતો. (તસવીર: મુકેશ રાજગોર, રાપર)

 

(10:14 PM IST)