<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 20th July 2025

ભાવનગરમાં ચાર લોકોને અડફેટે લઈને બે લોકોના જીવ લેનાર પોલીસ પુત્ર સામે તથ્ય જેવી કાર્યવાહી કરવા માંગ

મૃતકના પરિવારે કહ્યું- આ એક પ્રકારનો નરસંહાર છે. જેમાં બે નિર્દોષ લોકોએ જીવ ગુમાવ્યા. તેથી આરોપી કારચાલકને કડકમાં કડક સજા મળવી જોઈએ, ભલે તે પોલીસપુત્ર જ કેમ ના હોય

ભાવનગરઃ શહેરના કાળીયાબીડ વિસ્તારમાં શક્તિ માના મંદિર પાસે બે દિવસ પહેલાં પોલીસ પુત્ર દ્વારા ચાર લોકોને અડફેટે લેવામાં આવ્યા હતા. જેમાં બે લોકોએ જીવ ગુમાવ્યા હતા. મૃતકના પરિવાર દ્વારા માગ કરવામાં આવી છે કે, અમદાવાદના તથ્ય પટેલને સજા કરવામાં આવી હતી તેવી કડક સજા આ નરસંહાર કરનારાને પણ મળવી જોઈએ.

શહેરના કાળીયાબીડ વિસ્તારમાં શક્તિ માના મંદિર પાસે બે દિવસ પહેલાં  GJ-14AP-9614 નંબરની ક્રેટા કાર લઈને પૂરપાટ ઝડપે હર્ષરાજ અનિરુદ્ધસિંહ ગોહિલે ચાર લોકોને અડફેટે લીધા હતા. જેમાં યુવક ભાર્ગવ ભટ્ટી અને વૃદ્ધા ચંપાબેન વાછાણીનું મોત થયું હતું. કારચાલક હર્ષરાજના પિતા પોલીસ બેડામાં LCBમાં ASI તરીકે ફરજ બજાવે છે.

આ ઘટના બનતાની સાથે હર્ષરાજ ગોહિલને તેના પિતાએ નિલમબાગ પોલીસ સ્ટેશનમાં હાજર કર્યો હતો અને આજે ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું હતું. ચંપાબેન અને તેમના પતિ પુરષોતમભાઈ કાળીયાબીડ વિસ્તારના મહાવીરનગરમાં રહે છે. આ વૃદ્ધ દંપતી એકબીજાનો સહારો બનીને આગળની જિંદગી સુખેથી જીવી રહ્યા હતા. આ દંપતીને સંતાનમાં ફક્ત એક દીકરી છે જેઓ તેમના સાસરીમાં સુખેથી રહે છે.

આ ઘટનાના દિવસે પુરુષોત્તમભાઈ કહે છે કે, મારા પત્ની બહાર કરિયાણું લેવા ગયા હતા અને પડોશીએ જણાવ્યું કે શક્તિ માના મંદિર પાસે અકસ્માત થયો છે. સ્થળ પર પહોંચીને જોયું તો તેમના પત્ની ચંપાબેન ઘાયલ થઈને પડ્યા હતા. 108 દ્વારા તાત્કાલિક સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યાં સારવાર દરમિયાન તેમનું મોત નિપજ્યું હતું. ચંપાબેન નથી રહ્યાની સાથે પતિ પુરુષોત્તમભાઈ ભાંગી પડ્યા હતા. કારણ કે, વૃદ્ધ દંપતી એકબીજાના સહારે જ જીવનનો આખરી પડાવ જીવી રહ્યા હતા.

મૃતકના પરિવાર દ્વારા સરકાર પાસેથી માગ કરવામાં આવી છે કે, તથ્ય પટેલ દ્વારા જે નરસંહાર કરવામાં આવ્યો, આ તે પ્રકારનો નરસંહાર છે. જેમાં બે નિર્દોષ લોકોએ જીવ ગુમાવ્યા છે. તેથી આરોપી કારચાલકને કડકમાં કડક સજા મળવી જોઈએ, ભલે તે પોલીસપુત્ર જ કેમ ના હોય.

પરિવારે એમ પણ જણાવ્યું કે, કાળીયાબીડ વિસ્તાર સ્કૂલ હબ વિસ્તાર છે. અહીં સ્પીડબ્રેકર કેમ નથી મૂકવામાં આવતા અને જો આ ઘટના સ્કૂલ છૂટવાના સમયે થઈ હોત તો કેટલા નિર્દોષ વિદ્યાર્થીઓનો ભોગ લેવામાં આવ્યો હોત તે કલ્પના બહાર છે.

(12:02 AM IST)