<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 21st July 2025

જૂનાગઢ જિલ્લાના પોલીસ વડા સુબોધ ઓડેદરા દ્વારા મોડી રાત સુધી પોલીસનું કોમ્‍બિંગ, પેટ્રોલિંગ, ચેકિંગઃ અસામાજિક તત્‍વોમાં ફફડાટ

શહેરમાં ચાની લારીઓ, હોટેલ અને પાનના ગલ્લા ઉપર અમુક અસામાજિક તત્‍વો મોડી રાત સુધી બેસી રહેતા હોય સારા પરિવારના સભ્‍યો કોઇપણ ડર વગર ફરી શકે તેવા હેતુથી ફરિયાદ મળતા રાતે ચેકિંગ કરાયું: પોલીસ વડા સુબોધ ઓડેદરા

(વિનુ જોશી દ્વારા) જૂનાગઢ, તા.ર૧: જૂનાગઢ જિલ્લાના નવનિયુક્‍ત પોલીસ વડા સુબોધ ઓડેદરા ગઈકાલે રાતે ભારે ભરખમ પોલીસ કાફલા સાથે શહેરના વિવિધ વિસ્‍તારોમાં કોમ્‍બિંગ માટે ઉતર્યા હતા, અને મોડી રાત સુધી પોલીસની અલગ અલગ ટીમો બનાવીને પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓએ પેટ્રોલિંગ કરીને વાહન ચેકિંગથી લઈને પાનના ગલ્લા, ચા ની લારીઓ, હોટેલ, ગેસ્‍ટ હાઉસ સહિતના સ્‍થળે તપાસ કરતા અસામાજિક તત્‍વોમાં ફફડાટ ફેલાયો છે.

જૂનાગઢ એસપીએ ગઈકાલે રાતે ૧૦.૩૦ કલાકે ઝાંઝરડા રોડ ઉપર આવેલી સ્‍પેશિયલ ઓપરેશન ગ્રુપની ઓફીસ ખાતેથી શહેરના વિવિધ વિસ્‍તારોમાં પોલીસના કોમ્‍બિંગના આદેશ આપ્‍યા હતા, જેને લઈને ડીવાયએસપી હિતેશ ધાંધલીયા, એલસીબી પી.આઈ. જે જે.પટેલ, એસઓજી પીએસઆઈ શીતલબેન સોલંકી, તેમજ એ ડીવીઝન, બી ડીવીઝન, સી ડીવીઝન પોલીસ સ્‍ટેશનના થાણા અધિકારી સહિતના મસમોટા પોલીસ કાફલા સાથે પેટ્રોલિંગ શરુ કરવામાં આવ્‍યું હતું.

શહેરના અતિ વિકસિત અને જ્‍યાં મોડી રાત સુધી લોકોની અવર-જવરથી ધમધમતી ઝાંઝરડા ચોકડીથી લઈને મધુરમ ચોકડી સુધી અને ત્‍યાંથી મોતીબાગ અને કાળવા ચોક સુધીમાં પોલીસના કાફલાએ પેટ્રોલિંગ કરીને વાહન ચેકિંગ કર્યું હતું, સાથે અન્‍ય પોલીસની ટીમો શહેરના વિવિધ સંવેદનશીલ વિસ્‍તારોમાં ફરીને ચેકિંગ કરી રહી છે, અહી વાહન ચેકિંગમાં દારૂના નશામાં વાહન ચાલવતા ઈસમોને પકડી પાડવા માટે બ્રેથએનલાઈઝર સહિતના સાધનો સાથે ચેકિંગ કરવામાં આવ્‍યું હતું.

ખાસ કરીને પાનના ગલ્લા, ચા ની લારીઓ, ચા ની હોટેલ, ખાણી-પીણીના સ્‍ટોલ જ્‍યાં સૌથી વધુ ટપોરી જેવા લોકો મોડી રાત સુધી બેસી રહેતા હોય તેમની સામે કડક કાર્યવાહી કરવા માટે તપાસ કરવામાં આવી હતી, સાથે શહેરમાં આવેલી અલગ અલગ હોટેલ, ગેસ્‍ટ હાઉસમાં પોલીસે ચેકિંગ કર્યું જેમાં કાળવા ચોકમાં આવેલી પેરેમાઉન્‍ટ હોટેલમાં એક રૂમમાંથી દારુની બોટલ મળી આવતા અહી રોકાયેલા શખ્‍સ સામે કાર્યવાહી કરવામાં આવી હતી. ૧૦ થી ૧૫ જેટલી ગાડીઓના કાફલા સાથે એસપીએ મધરાતે શહેરમાં કોમ્‍બિંગ કરતા અસામાજીક તત્‍વોમાં ફફડાટ ફેલાયો છે.

એસપીએ જણાવ્‍યું કે, શહેરમાં ચા ની લારીઓ, હોટેલ, અને પાનના ગલ્લા ઉપર અમુક અસામાજિક તત્‍વો મોડી રાત સુધી બેસી રહેતા હોય છે, સારા પરિવારના સભ્‍યો નિર્ભય રીતે અને કોઇપણ ડર વગર ફરી શકે તેવા હેતુથી ફરિયાદ મળતા રાતે ચેકિંગ કરવામાં આવ્‍યું હતું, અને વેપારીઓને પણ સમજ આપી હતી, તેમને ત્‍યાં આવતા ઈસમોને લાંબા સમય સુધી કારણ વગર બેસવા ન દેવા. કોઇપણ અસામાજિક પ્રવુતિ ધ્‍યાને આવે તો તુરંત પોલીસનો સંપર્ક કરવો.(તસ્‍વીરઃ મુકેશ વાધેલા-જુનાગઢ

(10:31 AM IST)