<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 21st July 2025

જામનગરના હરીપરમાં ૬, મોટી ભલસાણમાં પ ઇંચ વરસાદ ખાબકયો

સવારે ગિરનાર ઉપર અડધો ઇંચઃ શિહોરમાં પોણા ર ઇંચ અને વલ્લભીપુરમાં અડધો ઇંચ વરસાદઃ સર્વત્ર વાદળા યથાવત

રાજકોટ, તા., ર૧: રાજકોટ સહિત સૌરાષ્‍ટ્ર-કચ્‍છમાં ફરીથી વરસાદનો રાઉન્‍ડ શરૂ થયો છે અનેક જગ્‍યાએ ઝાપટાથી માંડીને ૬ ઇંચ જેટલો વરસાદ પડી જાય છે.

જામનગર જીલ્લાના હરીપરમાં ૬ ઇંચ, મોટી ભલસાણમાં પ ઇંચ વરસાદ ખાબકયો છે.

જુનાગઢ

(વિનુ જોશી દ્વારા) જુનાગઢ : આજે સવારે ગિરનાર પર્વત પર વધુ અડધો ઇંચ વરસાદ નોંધાયો થયો હતો. જ્‍યારે જિલ્લાના અન્‍ય વિસ્‍તારોમાં હળવાથી ભારે વરસાદના ઝાપટા વરસ્‍યા હતા.

લાંબા વિરામ બાદ જુનાગઢ શહેર અને જિલ્લામાં શનિવારથી ફરી મેઘ સવારી આવી પહોંચી હતી. રવિવારે રજા રાખ્‍યા વગર મેઘરાજાએ વહાલ વરસાવાનું શરૂ રાખ્‍યું હતું. સવારે પૂરા થયેલા ૨૪ કલાક દરમિયાન જૂનાગઢ જિલ્લાના માણાવદર વિસ્‍તારમાં ૧૯ મીમી, વંથલી તાલુકામાં ૩૫, જૂનાગઢમાં ૭૦, ભેસાણ ૧૪, વિસાવદર ૬, મેંદરડા ૨૪, કેશોદ ૩૨, માંગરોળ સૌથી વધુ ૯૦ અને માળીયાહાટીના તાલુકામાં ૩૩ મીમી થતા કુલ ૩૯૩ મીમી વરસાદ સાથે જિલ્લાનો મોસમનો કુલ વરસાદનો આંક વધીને ૫૦૩૫ મીમી પર પહોંચી ગયો હતો.

રવિવારે જુનાગઢ શહેરમાં ત્રણ ઇંચ વરસાદ થતાં શહેરની મધ્‍યમાં આવેલ નરસિંહ મહેતા સરોવર મોડી સાંજે બીજીવાર છલકાઈ ગયું હતું. આજે સવારે પણ હળવા વરસાદનું ઝાપટું વરસી જતા વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ હતી.

છેલ્લા ૨૪ કલાક દરમિયાન ગિરનાર પર ૬૦ મીમી વરસાદ નોંધાયા બાદ આજે પણ સવારથી મેઘરાજાએ ફરી પધરામણી કરી હતી. જેના પરિણામે સવારના ૬ થી ૮ ના પ્રારંભિક બે કલાકમાં ગિરનાર પર્વત પર વધુ ૮ મીમી વરસાદ થતા ગીરનાર પર મોસમનો કુલ વરસાદ ૮૯૦ મીમી થયો હતો. જિલ્લાના અન્‍ય વિસ્‍તારોમાં સવારે વરસાદી માહોલ રહ્યો હતો પરંતુ નોંધપાત્ર વરસાદના સમાચાર પ્રાપ્ત થયા ન હતા.

ભાવનગર

(મેઘના વિપુલ હિરાણી દ્વારા) ભાવનગરઃ  ભાવનગર જિલ્લાના શિહોરમાં  ધોધમાર વરસાદ તૂટી પડ્‍યો હતો અને પોણા બે ઇંચ જેટલો વરસાદ ખાબકી ગયો હતો. જ્‍યારે વલભીપુરમાં અડધો ઇંચ જેટલો વરસાદ પડ્‍યો છે.

ગોહિલવાડ પંથકમાં છેલ્લા કેટલાક દિવસથી મેઘરાજાએ વિરામ લીધો હતો. દરમિયાન ગઈકાલે બપોરે અને સાંજે જિલ્લાના સિહોરમાં ધોધમાર વરસાદ પડ્‍યો હતો. જ્‍યારે વલભીપુરમાં અડધો ઇંચ વરસાદ પડ્‍યો છે .ઉમરાળામાં વરસાદી ઝાપટું વરસી ગયું હતું.

આજેસોમવારે સવારે છ વાગે પૂરા થતા છેલ્લા ૨૪ કલાક દરમિયાન  ભાવનગર જિલ્લાના શિહોરમાં ૪૨ મી.મી. વરસાદ નોંધાયો છે. જ્‍યારે ઉમરાળામાં ૨ મી.મી . અને વલભીપુરમાં ૧૧ મી.મી.વરસાદ નોંધાયો છે.

આજે ભાવનગર શહેરનું મહત્તમ તાપમાન ૩૩.૭ ડીગ્રી નોંધાયું હતું. જ્‍યારે લઘુતમ તાપમાન ૨૬.૨ ડિગ્રી રહેવા પામ્‍યું હતું. વાતાવરણમાં ભેજ નું પ્રમાણ ૬૧ ટકા રહ્યું હતું અને  પવનની ઝડપ ૧૦ કિ.મી. પ્રતિ કલાકની રહી હતી.

જામનગર

(મુકુંદ બદીયાણી દ્વાર) જામનગરઃ  લાલપુર તાલુકાના હરીપર ગામે છેલ્લા ર૪ કલાકમાં ૬ ઇંચ વરસાદ અને જામનગર તાલુકાના મોટી ભલસાણમાં પાંચ ઇંચ વરસાદ નોંધાયો છે.

જામનગર શહેરમાં સવા ઇંચ, જોડીયામાં સવા ૩ ઇંચ, ધ્રોલમાં પોણો ઇંચ, કાલાવડમાં અડધો ઇંચ, જામજોધપુરમાં દોઢ ઇંચ તથા લાલપુરમાં ઝાપટા પડયા છે.

જામનગરના પીપરટોડામાં અઢી ઇંચ, જામવંથલી, હડીયાણા, પરડવામાં પોણા ર ઇંચ, બાલંભામાં ૪ ઇંચ વરસાદ પડયો છે.

જયારે અલીયાબાડા અને નવાગામમાં દોઢ ઇંચ વરસાદ પડયો છે.

મોટા ખડબા, ધ્રા, ભલસાણા, બેરાજા, ખરેડી, નિકાવા, જાલીયાદેવાણીયામાં એક ઇંચ વરસાદ પડયો છે.

મોટી બાણુગાર, ફલ્લા, મોટા પાંચ દેવડા, પડાણા, વાંસજાળીયામાં અડધો ઇંચ વરસાદ પડયો છે.

(11:52 AM IST)