<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 22nd July 2025

કચ્છના નાનકડા એવા ગજોડ ગામનો યુવાન ભારતીય સૈન્યમાં પેરાશુટ કમાન્ડો બનતા ગામ લોકોએ સામૈયા દ્વારા કર્યો સત્કાર

સમસ્ત કચ્છનું ગૌરવ, ગામમાં છવાયો રાષ્ટ્ર ભાવનાનો માહોલ : ૨૦૨૦ થી સૈન્યમાં સામાન્ય સૈનિક તરીકે નિયમિત જયેંદ્રસિંહ રાણુભા જાડેજાને કઠીન તાલીમ બાદ પેરાશુટ કમાન્ડો તરીકે નિયુક્તિ મળી

(વિનોદ ગાલા દ્વારા) ભુજ તા.૨૨ :  ભારતીય લશ્કરના વિવિધ હોદ્દે નિયુક્તિ મેળવી હવે કચ્છી યુવાનો વતન પરસ્તી દાખવી રહ્યા છે. ત્યારે ૨૦૨૦ થી સૈન્યમાં સામાન્ય સૈનિક તરિકે નિયમિત જયેંદ્રસિંહ રાણુભા જાડેજાને કઠીન તાલીમ બાદ પેરાશુટ કમાન્ડો તરીકે નિયુક્તિ મળી છે. આ પ્રસંગે આ યુવાનના મૂળ વતન એવા ગજોડ ગામના ગામ લોકો દ્વારા અદકેરા સ્વાગત-સન્માન સાથે સત્કાર કરાયો હતો. ભારત માતાના આ લાલને સત્કારવા માટે ગજોડ ગામનો માહોલ નિહાળીએ તો… આ છે તાદૃશ્ય ચિતાર…

‘ભારત માતા કી જય’ વંદે માતરમના નારા, ત્રિરંગો માહોલ, માથે કળશધારી બહેનો, ખુલ્લી કાર, વિરત્વ ભર્યા ઢોલ-શરણાઇ, અબલવૃધ્ધ સૌ ગામના ઝાંપે ઉભા છે. ત્યાં મૂછે વાંકળો યુવાન સૈન્યની વર્દીમાં લાલ કેપ ઉપર શોભતી પેરાશૂટ કમાન્ડોની ખાસ મુદ્રા સાથે આવે છે રાષ્ટ્રભાવથી તરબતર ગ્રામજનો બહોળી સંખ્યામાં પહેલેથી જ રાહ જોઈ ઊભા છે, ત્રિરંગા ઝંડા માહોલને વધુ નિખારી રહ્યા છે. નવ માસના પુત્ર સાથે પ્રવેશેલો આ યુવાન ગજોડ ગામનું ગૌરવ બન્યો છે કેરા, બેરાજા, ટપ્પર, નાના-મોટા રેહા, તુંબડી ચુનડી, બેરાજા, બાબીયા, નારણપર સહિતના ગામોના આગેવાનો ઉપસ્થિત છે. ગામ ઝાંપાથી ક્ષત્રિય કુળ ગૌરવ લાખીયાહજી દાદાના સ્થાનકે સામૈયું છે. સભામાં આ ગામો જવાનનું અદકેરૂ સન્માન કરે છે. જયેન્દ્ર જાડેજા ગજોડ નો પ્રથમ જ્યારે ઝરપરા ગામના બે યુવાનો બાદ કચ્છનો આ ત્રીજો કમાન્ડો હોવાનું ત્યાં ઉપસ્થિત લોકો કહી રહ્યા છે.

વિરત્વ પોરસતા માહોલમાં જયેન્દ્રસિંહ ના માતા ઇન્દ્રાબા, પત્ની કિરણબા, પિતા રાણુભા તલવાર અર્પણ કરી પુત્રના ઓવારણા લે છે. આ પ્રસંગે લાગણી વ્યક્ત કરતા પરિવાર જણાવે છે કે અમારો લાલ અમે ભારતમાતાની સેવામાં મોકલ્યો છે. સુલતાનજી જાડેજા, પ્રેમસંગજી જાડેજા, મુળુભા જાડેજા, કેરાના નવીનભાઈ પાંચાણી, કુંદનપરના રવજીભાઈ કેરાઈ, સુમિટોમોના નિખિલ જોશી, મહેન્દ્રભાઈ, બાબીયાના નવલસિંહ વાઘેલા, કેરા સરપંચ મદનગીરી ગોસ્વામી, ગિરિરાજસિંહ જાડેજા, લાલુભા (બેરાજા) મયુરસિંહ(ટપ્પર), સરૂપાજી (નાના રેહા) નવુભા (મોટી ટુંબડી), ચનુભા (ચુનડી), જાડેજા ભુરુભા, ગજોડ સરપંચ સોમુભા ,સરૂપાજી રામસંગજી (ગજોડ) લાલજી પટેલ નારણપર, ગજોડ પ્રાથમિક શાળા અને માતૃ સંસ્થા કેરાકુંદનપર લેવા પટેલ શિક્ષણ ટ્રસ્ટ વતી ડોક્ટર દિનેશ પાંચાણી, મંત્રી વસંત પટેલ, ધીરજભાઈ લાધાણી, ગોવિંદ વેકરીયા, યુવરાજસિંહ, માનવ જ્યોત વતી સહદેવસિંહ જાડેજા(કેરા), વિજયરાજ સિંહ તિલાટ, માણેક ગઢવી( ભુજપુર), ચતુરસિંહ સોઢા, મહીસાજી, ચંદુભા ,જમાદાર બહાદુરસિંહ, દાતા રવજી રાધેશ્યામ, યુવા અગ્રણી રસિકભાઈ પાંચાણી સાહિતના અનેક આમંત્રિતો અને ગજોડ ઉપરાંત આજુબાજુના ગામો જોડાયા હતા.

મુંબઈમાં દુકાનમાં કામ કરતા રાણુભાએ પુત્રને નાનપણથી રાષ્ટ્રવાદી વિચારો આપ્યા હતા તે આજે ફળીભૂત થયા છે અને વધુ યુવાનો લશ્કરમાં દેશ કાજ જોડાઈ તે માટે પ્રસંગ પ્રેરક બન્યો હતો. કમાન્ડોના ભાઈઓ અજીતસિંહ, બહાદુરસિંહે સૌનો આભાર માન્યો હતો. જવાનના આગમને ગજોડમાં ક્ષત્રિય પાઘ, તલવાર, ભવાનીના ચિન્હો છવાયા હતા નાનું ગામ રાષ્ટ્રહિત સાથે દેશપ્રેમના હિલોળે ચડ્યું હતું.

(9:11 AM IST)