News of Tuesday, 22nd July 2025
સુરેન્દ્રનગરમાં ર૩ કિન્નરોની ધરપકડ
ગુરૂગાદી સંભાળી રહેતા કિન્નરના ઘરમાં તોડફોડ કરવા સહિતની બે‘દિ પહેલાની ઘટનામાં

(ફઝલ ચૌહાણ દ્વારા) વઢવાણ, તા. રરઃ સુરેન્દ્રનગર શહેરી વિસ્તારમાં કિન્નરોની ગુરૂ ગાદી બાબતે અલગ-અલગ કિન્નરોના બે જુથો વચ્ચે બોલાચાલી અને મારામારીનો બનાવ બન્યો હતો જે બાબતનું મનદુઃખ રાખી અમદાવાદ, બોટાદ, બહુચરાજી અને સ્થાનીક કિન્નરોના એક જુથ દ્વારા રાત્રીના મુખ્ય સ્મશાન રોડ પર જુના પાવર હાઉસ પાસે રહેતા એક કિન્નરના ઘરે પથ્થરોના ઘા ઝીંકી તોડફોડ સહિત નુકશાન પહોંચાડયું હતું અને જાતિ અપમાનીત કરી જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી જે અંગે ભોગ બનનાર કિન્નરેએ-ડિવીઝન પોલીસ મથકે સામેના જુથના ૨૪ જેટલા કિન્નરો સામે એટ્રોસીટી એક્ટ હેઠળ ફરિયાદ નોંધાવતા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
માહિતી મુજબ પાવર હાઉસ પાસે રહેતા ફરિયાદી બાબુભાઈ અરજણભાઈ રાઠોડ ઉર્ફે રૂપાદે નીતાદે કિન્નર ઘરે એકલા હતા તે દરમ્યાન અંદાજે ૨૦થી વધુ કિન્નરોએ આવી ફરિયાદીના ઘરના દરવાજા પર પથ્થરના ઘા ઝીંકી તેમજ દરવાજાને પાટા મારી તોડફોડ કરી હતી અને ફરિયાદીને ઘરની બહાર નીકળવા માટે ગાળો આપી હતી આથી ફરિયાદીએ આ મામલે મોબાઈલ દ્વારા પોતાના બહેનને અને અન્ય કુટુંબના માણસોને તેમજ પોલીસને જાણ કરતા પોલીસ કાફલો અને કુટુંમ્બના માણસો આવી જતા કિન્નરો નાસી છુટયા હતા.ત્યારબાદ ફરિયાદીએ ઘરની બહાર નીકળી તપાસ કરતા ઘરના દરવાજાને તેમજ ઘરની બહાર પડેલ પરિવારજનના ટુ વ્હીલર અને રીક્ષાને નુકશાન પહોંચાડ્યું હતું અને ઘરની બહાર લગાવેલ સીસીટીવી સામેના ભાગે દુકાનોના સીસીટીવીને તોડી નાંખ્યા હતા અને અંદાજે રૂા.૧.૨૫ લાખનું નુકશાન પહોંચાડયું હોવાનું સામે આવ્યું હતું.
સમગ્ર ઘટનાના સીસીટીવી પણ સામે આવ્યા હતા. જ્યારે આ બનાવને પગલે એ-ડિવીઝન પોલીસે નુકશાન તેમજ તોડફોડ કરનાર કિન્નરને રાત્રે જ ઝડપી પાડી કાર્યવાહી હાથધરી હતી અને એ-ડિવીઝન સહિત બી-ડિવીઝન પોલીસ મથકે કિન્નરોને લઈ જવામાં આવ્યા હતા.
ફરિયાદમાં જણાવ્યા મુજબ અંદાજે ૧૦ વર્ષ પહેલા તેમના ગુરૂ નિતાદેનું અવસાન થઈ ગયા બાદ સુરેન્દ્રનગર જીલ્લાની ગુરૂ ગાદી તેમની પાસેછે અને ચેલા તરીકે આ ગાદી સંભાળી રહ્યાં છે. જે કિન્નર સમાજના અમદાવાદના મેઈન ગુરૂ ભાવનાદે શારદાદેને ગમતું ન હોવાથી ફરિયાદીને અનુ.જાતિનો હોવાનું જણાવી આ ગાદી મળે નહિં તે બાબતે અવાર-નવાર કિન્નર સમાજના લોકોને હેરાન પરેશાન કરી ફરિયાદીને પણ જાતિ અપમાનીત કર્યા હતા.
(10:57 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
