News of Tuesday, 22nd July 2025
વાંકાનેરમાં પરશુરામધામ મંદિરનો ત્રિદિવસીય પ્રાણ પ્રતિષ્ઠા-મહોત્સવ યોજાશે
ર૯ થી ૩૧ જુલાઇ દરમિયાન અનેકવિધ કાર્યક્રમોની હારમાળાઃ સંતો-મહંતો આર્શિવાદ પાઠવશે

(લિતેશ ચંદારાણા દ્વારા) વાંકાનેર તા. રર :.. વાંકાનેર-રાજકોટ રોડ પર આવેલ બ્રહ્મ સમાજ સોસાયટી ખાતે સમસ્ત બ્રહ્મસમાજના આરાધ્યદેવ શ્રી ભગવાન પરશુરામદાદાના નિર્માણધીન શ્રી પરશુરામધામ ખાતે આગામી ર૯-૩૦-૩૧ જુલાઇના રોજ ત્રિદિવસીય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યજ્ઞ ધામધુમથી વાજતે ગજતે યોજાશે.
જયારે પ્રતિષ્ઠા મહોત્સવના પ્રારંભે તા. ર૯ ના રોજ કર્મ, દેહશુધ્ધિ, ગજાનન પુજન, સ્થાપીત દેવતાની પુજા, અગ્ની સ્થાપના, જલયાત્રા મહાઆરતી સહિત ઉપસ્થિત તમામ કર્મકાંડી ભુદેવો તથા આમંત્રીત મહેમાનો માટે પ્રસાદ (ફરાળ) સહિતની સુંદર વ્યવસ્થા કરવામાં આવેલ છે.
તા. ર૮-૭-રપ ને સોમવારના રોજ બપોરે ત્રણ કલાકે વાંકાનેરનું પ્રસિધ્ધ પુરાણુ શ્રી ચત્રભુજ રાયજી મંદિર દરબારગઢ પાસેથી ભવ્યથી ભવ્ય અદ્્ભુત પુ. દાદાની નગરયાત્રા (શોભાયાત્રા) પ્રસ્થાન થશે જે શહેરના રાજમાર્ગો જે દરબારગઢ રોડ, ચાવડી ચોક, રામચોક, માર્કેટ ચોક, પુલ દરવાજા, દિવાનપરા, આરોગ્યનગર થઇને શ્રી નિર્માણધીન (શ્રી પરશુરામધામ) બ્રહ્મ સોસાયટી ખાતે પહોંચશે.
આ શોભાયાત્રામાં શણગારેલ રથમાં પૂજય શ્રી પરશુરામ દાદાની પ્રતિમા તથા અન્ય રથમાં સંતો-મહંતો બિરાજમાન થશે. આ શોભાયાત્રા રૂટ પર વિવિધ સંસ્થાઓ દ્વારા ઠંડા-પીણા સહિતની વ્યવસ્થા ઉભી કરાશે. તેમજ રથ ઉપરાંત ૧૦૦ થી વધુ કારનો કાફલો જોડાશે. તેમજ નાના-નાના ભુલકાઓ પણ વેશભુષા બનીને જોડાશે સાથે લેન્ડ પાર્ટી, મ્યુઝીકલ પાર્ટી તથા ડી. જે. ના સથવારે અભૂતપૂર્વ યાદગાર શોભાયાત્રા યોજાશે. તેમ મોરબી જીલ્લા બ્રહ્મ સમાજના પ્રમુખશ્રી ભરતભાઇ ઓઝાએ જણાવ્યં હતું.
જયારે પ્રાણ પ્રતિષ્ઠાના અંતિમ દિવસે તા. ૩૧ જુલાઇના રોજ પૂજય પરશુરામ દાદાના નિજ મંદિરના ગર્ભ ખંડમાં સ્થાપિત દેવી-દેવતાની મહાપુજા, સ્થાપન વિધી, વાસ્તુ, મુર્તિ ન્યાસ, પ્રતિષ્ઠા કર્મ, અભિષેક, મહાપુજા, બાદ મૂર્તિ સ્થાપના, પ્રતિષ્ઠાન તથા સ્થાપિત દેવી-દેવતાની હોમ ક્રિયા, ઉતર કર્મ બાદ પુર્ણાહૂતિ બાદ ઉપસ્થિત મહાનુભાવોની વિષેશ ઉપસ્થીતીમાં મહાઆરતી યોજાશે.
મહાઆરતી બાદ પ્રતિષ્ઠા સ્થાનની પાવનધરા પર સમગ્ર સૌરાષ્ટ્ર-ગુજરાત-કચ્છ થી પધારેલ હજારો ભુદેવો માટે બ્રહ્મ ચોર્યાસી તેમજ રાજકીય અગ્રણીઓ, આગેવાનો તથા આમંત્રીત મહેમાનો, આયોજકો, કાર્યકરો સહીતના માટે મહાપ્રસાદનું ભવ્ય અને દિવ્ય આયોજન કરવામાં આવ્યુ છે.
આ ઉપરાંત મહાપ્રસાદ માટે સમગ્ર વાંકાનેરની ધર્મપ્રિય જનતાને જાહેર આમંત્રણ સાથે વાંકાનેર બ્રહ્મ સમાજના પ્રમુખ જયેશભાઇ ઓઝાએ યાદી આપતા જણાવેલ છે.આ કાર્યક્રમનું પ્રમુખ સ્થાન મનીષભાઇ ડી. માડેકા (રોલેક્ષ રીંગસ લી. રાજકોટ) સંભાળશે. મુખ્ય મહેમાન પદે સાંસદ રામભાઇ મોકરીયા, કેશરીદેવસિંહજી ઝાલા, કેતનભાઇ જોષી (એમ.ડી. પીજીવીસીએલ-સૌરાષ્ટ્ર ઝોન), ગિરીશભાઇ પંડયા (આઇપીએસ સુરેન્દ્રનગર), રાહુલભાઇ ત્રિપાઠી (જીલ્લા પોલીસવડા-મોરબી), અનિલભાઇ મહેતા (બ્રહ્મસમાજ પ્રમુખ સૌરાષ્ટ્ર-કચ્છ), અશ્વિનભાઇ ત્રિવેદી (સમગ્ર ગુજરાત બ્રહ્મસમાજ પ્રમુખ) તથા વિજયભાઇ બુજડ તથા અનેક મહાનુભાવો, પ્રતિષ્ઠ ઉદ્યોગપતિઓ આ પ્રતિષ્ઠા મહોત્સવમાં ઉપસ્થીત રહી કાર્યક્રમની શોભામાં વધારો કરી આયોજકોને શુભેચ્છા સાથે બિરદાવવામાં આવશે. આ દિવ્ય અવસરે દ્વારકા શારદાપીઠા ધીશ્વરના જગદગુરૂ શ઼કરાચાર્ય સ્વામીશ્રી સદાનંદચાર્ય સરસ્વતીજી સ્વામી, શંકરાચાર્યજી ના પ્રિય શિષ્ય બ્રહ્મચારી શ્રી નારાયણનંદજી સ્વામી, મુંજકાના આર્ય વિદ્યા મંદિરના પ.પૂ. પરમાત્માનંદજી, ભુવનેશ્વરી પીઠ-ગોંડલના આચાર્ય પ.પૂ. શ્રી ઘનશ્યામ મહારાજ મોટા જડેશ્વર-કોઠારીયાના મહંતશ્રી પૂજય રતીલાલજી મહારાજ તથા વાંકાનેર ગાયત્રી શકિતપીઠના મહંત શ્રી અશ્વિનબાપુ રાવલ સહીતના અનેક સંતો મહંત આશિવર્ચન આપશે ત્યારે આ ધર્મસભાના રૂપમાં સંપુર્ણ કાર્યક્રમ ફેરવાઇ જશે.
ઉપરોકત તમામ કાર્યક્રમોને સફળ બનાવવા મોરબી જીલ્લા બ્રહ્મસમાજના પ્રમુખ ભરતભાઇ ઓઝા, બાબુભાઇ રાજગોર, અમિતભાઇ ભટ્ટ, રાજુભાઇ રાવલ, દુષ્યંતભાઇ ઠાકર, મોહનભાઇ રાજગોર, અમિતભાઇ ઠાકર, નિતીષભાઇ જોષી, વાંકાનેર બ્રહ્મસમાજના પ્રમુખ જયેશભાઇ ઓઝા ઉપરાંત યુવાનો, કાર્યકર્તા ભાઇઓ-બહેનો રાત દિવસ એક કરી કાર્યક્રમને સફળ બનાવવા કમરકસી રહયા છે
(11:36 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
