<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 22nd July 2025

મોરબી મહેન્‍દ્રનગર ચોકડીએ બસ સ્‍ટોપ આપવા ધારાસભ્‍યની માંગ બાદ નિગમે સૂચના આપી પણ અમલવારી કોણ કરાવશે?

 

(પ્રવિણ વ્‍યાસ દ્વારા) મોરબી, તા.૨૨: મહેન્‍દ્રનગર ચોકડી ખાતે વિદ્યાર્થીનીઓએ હંગામો મચાવ્‍યો હતો અને બસના સ્‍ટોપ નહિ હોવાથી એસટી બસો રોકી ચક્કાજામ આંદોલન કર્યું હતું અંદાજે ત્રણ કલાક કરતા વધુ ચક્કાજામના દ્રશ્‍યો જોવા મળ્‍યા હતા જે અંગે ધારાસભ્‍યએ અગાઉ કરેલ રજૂઆત અને એસટી નિગમે ડેપો મેનેજરને આપેલી સુચનાનો પત્ર મીડિયાને આપ્‍યો હતો જેમાં એસટી રાજકોટ વિભાગીય નિયામક દ્વારા સ્‍ટોપ આપવા અંગે સુચના આપવા છતાં તેની અમલવારી કરવામાં આવી નથી.

અગાઉ તેઓએ ૨૦૨૪ માં કરેલી રજૂઆત જેમાં એસટી નિગમના મુખ્‍ય પરિવહન અને વાણીજ્‍ય વ્‍યવસ્‍થાપક દ્વારા તા.૧૪-૦૮-૨૪ અને ૧૭-૦૯-૨૪ ના પત્રમાં જણાવ્‍યું હતુ ધારાસભ્‍ય દ્વારા કરવામાં આવેલ રજૂઆત સંદર્ભે મહેન્‍દ્રનગર ગામથી નીકળતી તમામ લોકલ બસોને મહેન્‍દ્રનગર ચોકડી ખાતે સ્‍ટોપ આપવા માંગ કરી હતી જેથી લોકલ બસ સર્વીસોને સ્‍ટોપેજ આપી અમલવારી કરવા સંલગ્ન વિભાગને સુચના આપવામાં આવી છે.

તેમજ તા. ૧૮-૦૯-૨૦૨૪ ના રોજ એસટી રાજકોટ વિભાગીય નિયામક દ્વારા રાજકોટ, ગોંડલ, જસદણ, સુરેન્‍દ્રનગર, લીંબડી, ધ્રાંગધ્રા, વાંકાનેર, મોરબી અને ચોટીલા ડેપો મેનેજરને પત્રથી મહેન્‍દ્રનગર ચોકડીનો તમામ લોકલ બસ સર્વિસમાં સમાવેશ કરવા સુચના આપી હતી અને આ સ્‍ટોપની અચૂક અમલવારી થાય તે માટે જરૂરી કાર્યવાહી કરવા જણાવ્‍યું હતું જોકે પત્ર વ્‍યવહાર અને સુચના આપ્‍યાને ૧૦ માસનો સમય વીત્‍યા છતાં હજુ અમલવારીની રાહ જોવાઈ રહી છે તો  ખરેખર પ્રશ્‍નો ઉકેલાયો છે કે નહિ તેની ચકાસણી કરી હોત તો આજે વિદ્યાર્થીઓને ચક્કાજામનો સહારો લેવાની જરૂર ના પડી હોત તેવી ચર્ચા પણ જોવા મળી રહી છે.

(1:04 PM IST)