<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 22nd July 2025

ઉમિયાધામના બંધારણમાં ફેરફારોઃ ચેરમેનની પોસ્‍ટ રદઃ પ્રમુખને મુખ્‍ય જવાબદારી

ઉદ્યોગપતિઓ જગદીશભાઇ કોટડીયા, કૌશીકભાઈ રાબડીયા, રમેશભાઈ રાણીપા સહીતનાની કાયમી ટ્રસ્‍ટી તરીકે વરણી : ઉમિયાધામ-સિદસરના ટ્રસ્‍ટી મંડળની અગત્‍યની મીટીંગમાં નવા હોદેદારોની નિમણુંકઃ પ્રમુખ પદે મૌલેશભાઈ ઉકાણીની સર્વાનુમતે વરણીથી પાટીદારોની સામાજીક પ્રવૃત્તિને નવી ઉર્જા અને વેગ મળશેઃ સૌરાષ્ટ્રના ૧૨ જીલ્‍લામાં નાત જમણ થકી સંગઠનની એકતાને મજબુત બનાવવા નવનિયુકત પ્રમુખની હાંકલઃ પ્રમુખ જેરામભાઈ વાંસજાળીયાના કાર્યકાળ દરમ્‍યાન સમાજ વિકાસની એક નવી જ કેડી કંડારાયઃ સર્વ સમાજને સાથે રાખી ચાલતા મૌલેશભાઈ ઉકાણીના નેતૃત્‍વથી પાટીદાર સમાજ આત્‍મનિર્ભરતા તરફ ડગ માંડશે

રાજકોટઃ કડવા પાટીદાર સમાજના આસ્‍થાના અવિચળ કેન્‍દ્ર ઉમિયા માતાજી મંદિર, સિદસર ના ટ્રસ્‍ટી મંડળની અગત્‍યની બેઠકમાં મહત્‍વપૂર્ણ બંધારણીય સુધારાઓ અને નવા હોદ્દેદારોની સર્વાનુમતે નિમણૂક કરવામાં આવી છે. આ બેઠકમાં ભામાશા અને જાણીતા ઉદ્યોગપતિ શ્રી મૌલેશભાઈ ઉકાણીની ઉમિયાધામ સિદસરના નવા પ્રમુખ તરીકે સર્વાનુમતે વરણી થતા પાટીદાર સમાજમાં હર્ષની લાગણી છવાઈ છે. તેમના નેતૃત્‍વ હેઠળ પાટીદારોની સામાજિક પ્રવૃત્તિઓને નવી ઊર્જા, ઈજન અને વેગ મળશે તેવી આશા વ્‍યક્‍ત કરવામાં આવી રહી છે.

* બંધારણમાં ફેરફાર અને ચેરમેન પદ રદ : સમાજના સર્વાંગી વિકાસને ધ્‍યાનમાં રાખીને ઉમિયાધામ સિદસરના બંધારણમાં સમયોચિત ફેરફારોને બહાલી આપવામાં આવી છે. જે મુજબ, હવેથી ચેરમેનનું પદ રદ ગણાશે અને પ્રમુખની જવાબદારી સર્વોપરી રહેશે.

* નવા પ્રમુખ તરીકે મૌલેશભાઈ ઉકાણીની વરણીઃ પ્રમુખ શ્રી જેરામભાઈ વાંસજાળીયા વય મર્યાદાને કારણે નિવૃત્ત થતાં, તેમના સ્‍થાને દિલેર દાતા અને ઉદ્યોગપતિ શ્રી મૌલેશભાઈ ઉકાણીની સર્વાનુમતે વરણી કરવામાં આવી છે.

નવા કાયમી ટ્રસ્‍ટીઓની નિમણૂક: ઉદ્યોગપતિઓ શ્રી જગદીશભાઈ કોટડીયા, શ્રી કૌશીકભાઈ રાબડીયા, અને શ્રી રમેશભાઈ રાણીપાની કાયમી ટ્રસ્‍ટી તરીકે વરણી કરવામાં આવી છે.

* વયમર્યાદાને કારણે નિવૃત્ત થયેલા ટ્રસ્‍ટીઓઃ શ્રી જેરામભાઈ વાંસજાળીયા ઉપરાંત, ૭૫ વર્ષથી વધુ ઉંમરના સ્‍વૈચ્‍છિક નિવૃત્ત થયેલા ટ્રસ્‍ટીઓમાં શ્રી વિઠ્ઠલભાઈ માકડીયા, શ્રી જયંતિભાઈ કાલરીયા, શ્રી પરસોતમભાઈ ફળદુ, શ્રી ધનજીભાઈ પટેલ, શ્રી રમણીકભાઈ ભાલોડીયા, શ્રી નરશીભાઇ માકડીયા, તેમજ શ્રી બી. એચ. ઘોડાસરાનો સમાવેશ થાય છે.

* મૌલેશભાઈ ઉકાણીનો સંકલ્‍પઃ નવા પ્રમુખ શ્રી મૌલેશભાઈ ઉકાણીએ જણાવ્‍યું હતું કે, સર્વ સમાજને સાથે રાખવો એ પાટીદાર સમાજની સાંસ્‍કૃતિક પરંપરા છે. આ પરંપરા જાળવી રાખી આગામી દિવસોમાં પાટીદાર સમાજના ઉત્‍કર્ષ માટે સૌરાષ્ટ્રના ૧૨ જીલ્‍લામાં નાત જમણ ના કાર્યક્રમો દ્વારા ઉમિયાધામની પ્રવૃત્તિ અને સંગઠનના વ્‍યાપને મજબૂત બનાવવા હાકલ કરી છે. તેમણે પાટીદાર વિઝન-૨૦૪૭ ના મિશનને આગળ ધપાવવાની પણ નેમ વ્‍યક્‍ત કરી છે.

* જેરામભાઈ વાંસજાળીયાના કાર્યકાળની પ્રશંસા : પૂર્વ પ્રમુખ શ્રી જેરામભાઈ વાંસજાળીયાના કાર્યકાળ દરમિયાન સમાજ વિકાસની એક નવી જ કેડી કંડારાઈ હોવાનું સ્‍વીકારવામાં આવ્‍યું છે.

ઉમિયાધામ સિદસરના પ્રમુખ તરીકે શ્રી મૌલેશભાઈ ઉકાણીની વરણીથી પાટીદાર સમાજમાં ભારે ઉત્‍સાહ જોવા મળી રહ્યો છે. શ્રી ઉકાણીના સર્વ સમાજને સાથે રાખી ચાલવાના નેતૃત્‍વથી પાટીદાર સમાજ આત્‍મનિર્ભરતા તરફ વધુ મજબૂત ડગ માંડશે.

તેમના માર્ગદર્શન હેઠળ, કૌશલ્‍ય, સ્‍કીલ અને આવડત મુજબ યુવા વર્ગને સાથે રાખીને પાટીદાર સમાજમાં નવી ઊર્જા અને ઈંજનને વેગ મળશે. ઉમિયાધામ સિદસરના ટ્રસ્‍ટી મંડળ, કારોબારી સભ્‍યો અને અન્‍ય સમિતિઓ શ્રી મૌલેશભાઈ ઉકાણીના નેતૃત્‍વમાં પ્રવૃત્તિઓનો વ્‍યાપ વધારવાની દિશામાં કાર્યરત બનશે.

ડો. ડાયાભાઈ ઉકાણી જેવા વિખ્‍યાત આયુર્વેદિક તબીબે પણ અગાઉ ઉમિયાધામ સિદસરના પ્રમુખ તરીકે યશસ્‍વી કામગીરી કરી છે. શ્રી મૌલેશભાઈ ઉકાણી ઉદ્યોગપતિઓ, પાટીદારોના સમૃદ્ધ પરિવારો તેમજ સ્‍વયંસેવકોના સમયદાનને સહારે ઉમિયાધામ સિદસરની વિવિધ પ્રવૃત્તિઓને આત્‍મનિર્ભર બનાવવા વિવિધ આયોજનો અમલી બનાવ્‍યા છે.

સર્વશ્રી ઉદ્યોગપતિઓ જગદીશભાઈ કોટડીયા, કૌશિકભાઈ રાબડીયા, રમેશભાઈ રાણીપા સહિતનાના કાયમી ટ્રસ્‍ટી તરીકે વરણી થયાનું શ્રી ઉમિયા માતાજી મંદિર ટ્રસ્‍ટ - સિદસરની યાદીમાં જણાવાયુ છે.

 

(2:11 PM IST)