<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 22nd July 2025

ભુજના શ્રીમંત પરિવારના સગીર વયના નબીરા અને મિત્રનો ઘેરથી એક કરોડ ચોરી મોજ મજા કરવાનો પ્લાન પોલીસે નિષ્ફળ બનાવ્યો

અમદાવાદથી પ્લેનમાં બેસતી વેળાએ ઝડપાયા : ગોવા કે કોલકત્તા જઈ કરવા હતા જલસા : આ ઓપરેશનમાં આખી રાત અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ અને ભુજ પોલીસ બંને સંપર્કમાં રહી કામ કરતા રહ્યા

(વિનોદ ગાલા દ્વારા)ભુજ ચા.૨૨ : બાંધકામના વ્યવસાય સાથે સંકળાયેલ ભુજના અતિ શ્રીમંત પરિવારના એક સગીર દીકરાએ ઘરમાંથી ૯૫ લાખની અને થોડા દાગીનાની ચોરી કરી આ રૂપિયા લઈને તે તેના મિત્ર સાથે ગોવા જવાનો પ્લાન કર્યો હતો. 

      સાથે રૂપિયા હોવાથી મિત્ર તૈયાર થઈ ગયો અને ટ્રાવેલ એજન્ટ થ્રુ અમદાવાદથી ગોવાની ટિકિટ બુક કરાવી. તેઓ ભુજથી અમદાવાદ આવ્યા અને અમદાવાદથી ગોવા વિમાનમાં જવાના હતા. આ વચ્ચે પોલીસ પકડી લેશે તેવા ડરે તેઓએ ગોવાની ટિકિટ કૅન્સલ કરાવી અને કોલકાતા જવાનો પ્લાન બનાવ્યો. 

          અમદાવાદથી જ પ્લેન પકડી કોલકત્તા જવા નીકળ્યા હતા. બીજી તરફ સગીરના પરિવારજનો તેને શોધી રહ્યા હતા. અંતે પોલીસની મદદ લીધી. પોલીસે મોબાઈલ ફોન સાથેનું લોકેશન ટ્રેસ કરી ઘેરથી નીકળેલા સગીરની કોની સાથે વાતચીત થઈ તેમ જ અત્યારે ક્યાં છે તેનું લોકેશન મેળવ્યું. સગીર અને તેનો મિત્ર અમદાવાદ એરપોર્ટ હોઈ અમદાવાદ પોલીસની મદદ લીધી અને બંને પ્લેનમાં બેસે એ પહેલાં જ પકડી લીધા. 

         બંને નું બોર્ડિંગ થઈ ગયું હતું એટલે પોલીસે પ્લેનનું બોર્ડિંગ અટકાવી બંને કોલકોત્તા જાય એ પહેલાં જ ઝડપી લીધા. આ ઓપરેશનમાં આખી રાત અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ અને ભુજ પોલીસ બંને સાથે સંપર્કમાં રહી કામ કરતા રહ્યા હતા. આ અંગે હજી સત્તાવાર કોઈ ફરિયાદ પરિવાર તરફથી કરાઈ નથી તેમ જ ઘેરથી નાસનાર પણ સગીર હોઈ પોલીસે કોઈ ઓળખ જાહેર કરી નથી.

(3:58 PM IST)