<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 22nd July 2025

ગીર સોમનાથ જિલ્લામાં ખાતરની અછતના કારણે ખેડૂતો ચિંતાતુર બન્યા

જો યોગ્ય ખાતર ન વવાય તો પાક નિષ્ફળ જવાની ભીતી: ખાતર ડેપોવાળાએ ઊંચા હાથ કરી દીધા:ખાતર વિતરકો ‘ઉપરથી નથી આવતું’ આટલો જ જવાબ ખેડૂતોને આપી રહ્યા છે.

ગીર સોમનાથઃ જિલ્લામાં ખાતરની અછતના કારણે ખેડૂતો ચિંતાતુર બન્યા છે. રવિપાક વાવેતર સાથે જો યોગ્ય ખાતર ન વવાય તો પાક નિષ્ફળ જવાની ભીતી રહે છે. ખાતર ડેપોવાળાએ ઊંચા હાથ કરી દીધા છે. ખાતર વિતરકો ‘ઉપરથી નથી આવતું’ બસ આટલો જ જવાબ ખેડૂતોને આપી રહ્યા છે.

ગીર પંથકના ખેડૂતોની હાલત ‘એક સાંધે ત્યાં તેર તૂટે’ જેવી બની છે.  કેસર કેરી સહિતના પાકોમાં નુકસાની વેઠી અને હવે સરકારના અણઘડ વહીવટના કારણે ખાતરની તંગી ઊભી થતા ખેડૂતો ચિંતિત બન્યા છે. ખેડૂતો બે-ચાર ખાતરની થેલી માટે દરદર ભટકી રહ્યા છે. પરંતુ ડેપો સંચાલકો જણાવી રહ્યા છે કે, ખાતરની અછત છે. જે સૌને ધ્યાને છે. અમે અમારી કંપનીને આ બાબતે જાણ કરેલી જ છે. ઉપરથી ખાતર આવશે ત્યારે આપીશું.

હાલ ખેડૂતોએ મગફળીનું વાવેતર કર્યું હોવાથી અનેક આશાઓ સાથે વાવેતર કર્યું છે. ત્યારે હાલ કપાસ, મગફળી, તલ, બાજરી, ઘઉં, જુવાર, મકાઈ જેવા પાકોના વાવેતર માટે ખેડૂતો દરેક રીતે તૈયારી કરીને બેઠા છે. પરંતુ માત્ર એક ડીએપી યુરિયા જેવા ખાતર કે જે આ જમીનને સાનુકૂળ છે અને પાક સાથે આ ખાતરો વાવવાથી યોગ્ય પાક મેળવી શકાય છે. પરંતુ આ ખાતરોની ગીર સોમનાથ જિલ્લામાં હાલ મોકાણ મચી છે.

ખેડૂતો ડીએપી યુરિયા જેવા ખાતરો માટે વિવિધ કંપનીઓના વિતરકો અને ખાતર ડેપો પર વહેલી સવારથી જ આવીને બેસી રહે છે. પરંતુ તેમને ખાતરો મળતા નથી. ત્યારે ખેડૂતો સરકાર પર આક્રોશ સાથે આક્ષેપો કરી રહ્યા છે કે, ગીર પંથકના ખેડૂતો પર એક તરફ કુદરત રૂઠી છે. કારણ કે તૈયાર પાકો પર કમોસમી આફતને કારણે પાણી ફરે છે. બીજી તરફ સરકાર દ્વારા સહાય અને સર્વેની વાત તો દૂર રહી પરંતુ અમારા પૈસે ખરીદાતા ખાતર પણ અમને ખરા સમયે મળતા નથી. જો ખાતર વગર વાવેતર કરીએ તો ઉપજ પૂરી મળતી નથી. ત્યારે સરકાર દ્વારા ગીર સોમનાથમાં ખાતરનો પુરવઠો યોગ્ય પ્રમાણમાં સત્વરે વિતરણ માટે મુકાય તેવી ખેડૂતો સરકારને વિનંતી કરી રહ્યા છે.  

(7:35 PM IST)