News of Tuesday, 22nd July 2025
જામનગરમાં કેન્યા ખાતે યોજાનાર આંતરરાષ્ટ્રીય હાર્ડવેર એક્સ્પો અંગે સેમિનાર
લઘુ ઉદ્યોગ ભારતીના આગેવાનો, ઉદ્યોગસાહસિકો સાથે કેન્યા ખાતે યોજાનાર આંતરરાષ્ટ્રીય હાર્ડવેર એક્સ્પો અનુસંધાને સેમિનાર યોજાયો

જામનગરમાં તાજેતરમાં લઘુ ઉદ્યોગ ભારતીના આગેવાનો, ઉદ્યોગસાહસિકો સાથે કેન્યા ખાતે યોજાનાર આંતરરાષ્ટ્રીય હાર્ડવેર એક્સ્પો અનુસંધાને એક સેમિનાર યોજાયો હતો.
ભારતના હાર્ડવેર ઉદ્યોગને નવી દિશામાં લઈ જવાનું દ્રઢ સંકલ્પ સાથે હાર્ડવેર એક્સ્પો આફ્રિકા, જે 25 થી 27 નવેમ્બર 2025 દરમિયાન યોજાવા જઈ રહ્યો છે, એ માત્ર એક એક્ઝિબિશન નહીં પણ એ ભારત અને આફ્રિકા વચ્ચેના ઉદ્યોગિક સહયોગનો દરવાજો છે. આ પ્રદર્શનમાં ભાગ લેનાર દરેક ભારતીય કંપનીઓને આફ્રિકાનાં પ્રગતિશીલ માર્કેટ સુધી પહોંચવાનો એક અમૂલ્ય અવસર મળશે. તેમ આ સેમિનારમાં ઉપસ્થિત મહાનુભાવોએ જણાવ્યું હતું.
જામનગરનો હાર્ડવેર ઉદ્યોગ દેશ જ નહીં, પણ દુનિયાના નક્શા પર પોતાની ખાસ ઓળખ ધરાવે છે. ખાસ કરીને બ્રાસ પાર્ટ્સ, મશીન ટૂલ્સ, નટ-બોલ્ટ્સ, વાલ્વ અને ઓઈલ એન્ડ ગેસ સેક્શનના સ્પેર પાર્ટ એ જામનગરના સૌ માટે ગૌરવની વાત છે.
જામનગર હંમેશાં હાર્ડવેર ઉદ્યોગના ક્ષેત્રે ગુણવત્તા અને નવિનતા માટે ઓળખાતું રહ્યું છે. અહીંના ઉદ્યોગકારોએ વર્ષોથી પોતાની ઉત્પાદન ક્ષમતા, નિકાસ તકો અને ટેકનોલોજી અપનાવવાની રીત દ્વારા આખા દેશમાં નવી દિશા આપી છે.
હાર્ડવેર એક્સ્પો આફ્રિકા 2025 જામનગરના ઉદ્યોગકારોને આફ્રિકાની ઊભરતી બજારો સુધી પહોંચવાનો અનમોલ અવસર આપવા જઈ રહ્યું છે. અહીંના ઉત્પાદનોની વૈશ્વિક ડિમાન્ડને હવે એક વ્યાપક મંચ મળશે. જ્યાં "મેડ ઇન જામનગર" નવો વિશ્વવિશ્રાંત બ્રાન્ડ બની શકે છે.
સેમિનારના પ્રારંભે લઘુ ઉદ્યોગ ભારતી, જામનગરના પ્રમુખ જયેશભાઈ સંઘાણીએ પ્રાસંગિક પ્રવચન કરી સૌ કોઈને આવકાર્યા હતા. બાદમાં લઘુ ઉદ્યોગ ભારતી, સૌરાષ્ટ્ર પ્રાંતના પ્રમુખ અને જી.આઈ.ડી.સી. પ્લોટ એન્ડ શેડ હોલ્ડર એસોસિએશનના પ્રમુખ, સ્વામી વિવેકાનંદ ક્રેડિટ કો- ઓપરેટિવ સોસાયટીના ડાયરેક્ટર દિનેશભાઈ ડાંગરિયાએ જણાવ્યું હતું કે, આ કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ છે ભારતીય હાર્ડવેર ઉદ્યોગ, ખાસ કરીને MSME ઉદ્યોગકારો માટે નવું પ્લેટફોર્મ ઊભું કરવું , જ્યાં તેઓ પોતાનાં પ્રોડક્ટ્સ, ટેકનોલોજી અને કૌશલ્યને વૈશ્વિક સ્તરે રજૂ કરી શકે. લઘુ ઉદ્યોગ ભારતી જે હંમેશા લઘુ અને મધ્યમ ઉદ્યોગોને આગળ લાવવા માટે કામ કરે છે, તેમની સહ આયોજક તરીકેની ભૂમિકા અત્યંત પ્રશંસનીય છે.
આ વિષે વિસ્તાર માં વાત કરતા, લઘુ ઉદ્યોગ ભારતી ગુજરાત પ્રદેશનાં મહામંત્રી હંસરાજભાઇ ગજેરાએ પણ ગુજરાતના તમામ ઉધોગકારોએ પોતાની પ્રોડક્ટ્સ વર્લ્ડ વાઇડ લઈ જવા આ એક્સ્પોમાં જોડાવા આહવાન કર્યું હતું.
આ સંમેલનમાં આગળ વધતા, રેડિકલ કોમ્યુનિકેશનસના પ્રોજેક્ટ હેડ વિરલ ખાણધરે હાર્ડવેર એક્સ્પો આફ્રિકાના દૃષ્ટિકોણ, વ્યાપકતા અને અવસરો પર પ્રકાશ પાડતી રજુઆત કરી હતી. બાદમાં હાર્ડવેર એસોસિએશનના પ્રમુખ રાજુભાઈ સોલંકીએ અભિપ્રાય અને અનુભવો વર્ણવતા જણાવ્યું હતું કે, આ યોજાનાર એક્સ્પો સૌને નવી દિશા આપે, એવી અમારી આશા છે. અને આ એક્ઝિબિશન માત્ર વેપાર માટે નહીં, પણ ભારતના બનેલ પ્રોડક્ટ્સનું ગૌરવ વધારવાનું એક યજ્ઞ છે. અને આપણે સૌ તેમાં સહભાગી બનીને ભારતના હાર્ડવેર ઉદ્યોગને એક નવી ઓળખ આપી શકીએ. આ સેમિનારમાં જામનગરના બ્રાસ એકમના શ્રેષ્ઠીઓ, ઉદ્યોગકારો જોડાયા હતા. (તસવીર : કિંજલ કારસરીયા)
(7:39 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
