<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 22nd July 2025

મોરબીના રફાળેશ્વર પાસે ટર્મિનલ એટલે કન્ટેનર ડેપો બનશે : સંચાલન કોનકોર કંપની કરશે

ટૂંક સમયમાં ભારતીય રેલવે ડિપાર્ટમેન્ટ તરફથી આ કન્ટેનર ડેપો શરૂ કરશે: સિરામિક ઉધોગને ખૂબ મોટો ફાયદો થશે

મોરબીઃ જિલ્લાના સિરામિક ઉદ્યોગની ટાઇલ્સની સરળતાથી ભારતભરમાં પરિવહન માટે સારા સમાચાર સામે આવ્યા છે. જેમાં મોરબીના રફાળેશ્વર પાસે ભારત સરકાર તેમજ રાજ્ય સરકારના ટર્મિનલ એટલે કન્ટેનર ડેપો બનાવવામાં આવી રહ્યા છે. જેનું સંચાલન કોનકોર કંપની કરશે અને ટૂંક સમયમાં ભારતીય રેલવે ડિપાર્ટમેન્ટ તરફથી આ કન્ટેનર ડેપો શરૂ કરવામાં આવશે. જેનાથી સિરામિક ઉધોગને ખૂબ જ મોટો ફાયદો થશે.

રફાળેશ્વર ખાતે હવે કન્ટેનર ડેપો તૈયાર છે. તેથી આ મામલે તાજેતરમાં સિરામિક ઉદ્યોગકારોની કોનકોર કંપનીના ચેરમેન સાથે અગત્યની બેઠક મળી હતી. જેમાં કન્ટેનરમાં સિરામિકનો માલ દેશભરમાં મોકલવા માટે ટર્મિનલ તૈયાર થયું હોવાથી હવે ઉદ્યોગકારોને કન્ટેનરના અસહ્ય ભાડામાંથી રાહત થશે. આ ટર્મિનલથી મોરબીની સિરામિક ટાઇલ્સ તેમજ અન્ય ઉદ્યોગનું કોઈપણ મટિરિયલ મોરબીથી સીધા આખા ભારતમાં કોઈપણ જગ્યાએ મોકલી શકાશે.

આગામી સમયમાં એક્સપોર્ટ પણ થઈ શકે તે માટે રફાળેશ્વર પાસે ભવિષ્યના સમયમાં કસ્ટમ હાઉસ બનાવવામાં આવશે. આથી રફાળેશ્વરથી આગામી દિવસોમાં એક્સપોર્ટ પણ થઈ શકશે. જો કે, કોંસ્ટિંગમાં કોઈ ફરક નહીં પડે પણ જે કન્ટેનર મારફતે માલ મોકલશે તેમાં સિરામિક ઉદ્યોગને ઘણો ફાયદો થશે.

મોરબીમાં છેલ્લા ઘણા સમયથી સોના કરતાં ઘડામણ મોંઘું જેવો ઘાટ ઉદ્યોગકારોને માલ મોકલવા માટે થઈને સર્જાયો હતો. જો કે, હાલમાં રફાળેશ્વર પાસે જે સુવિધા શરૂ થવા જઈ રહી છે, તેના કારણે તૈયાર માલને વેપારી કે ગ્રાહક સુધી પહોંચાડવા માટે જે ભાડા લાગતા હતા, તેમાં ઘટાડો થશે. આગામી સમયમાં ન માત્ર દેશમાં પરંતુ વિદેશમાં માલ મોકલવામાં પણ રાહત થશે તેવું હાલમાં દેખાઈ રહ્યું છે.

 

(11:44 PM IST)