<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 22nd July 2025

સોમનાથ-ભાવનગર નેશનલ હાઇવે પર જર્જરિત પુલ પર તકલાદી થીગડાં : ભ્રષ્ટાચારનો આક્ષેપ

માત્ર પ્લાસ્ટર વડે થીગડાં મારી તંત્રએ સંતોષ માની લીધો હોવાનો સ્થાનિકોએ આક્ષેપ કર્યો

સોમનાથ-ભાવનગર નેશનલ હાઈવે પર પેઢાવાડા ગામે નેશનલ હાઈવે દ્વારા જર્જરિત પુલ પર જ નવો રોડ બનાવી દેવામાં આવ્યો છે. છેલ્લા 2 વર્ષથી સ્થાનિક દ્વારા રજૂઆત કરવા છતાં માત્ર પ્લાસ્ટર વડે થીગડાં મારી તંત્રએ સંતોષ માની લીધો હોવાનો સ્થાનિકોએ આક્ષેપ કર્યો છે.

આ દ્રશ્યો ગીર-સોમનાથ જિલ્લાના સોમનાથ-ભાવનગર નેશનલ હાઇવેના પેઢાવાડા ગામે આવેલા બ્રિજના છે. આમ તો જ્યારથી સોમનાથ-ભાવનગર નેશનલ હાઈવેનું કામ શરૂ થયું છે. ત્યારથી જ વિવાદો ચાલી રહ્યા છે અને આજે વર્ષો વીતી જવા છતાં પણ કામ સદંતર પૂર્ણ થયું નથી. ત્યારે વધુ એક ભ્રષ્ટાચારનો કિસ્સો સામે આવ્યો છે. જેમાં પેઢાવાડા ગામે આવેલા વર્ષો જૂના જર્જરીત પુલ પર જ નેશનલ હાઈવે દ્વારા રસ્તો બનાવી દેવામાં આવ્યો છે.

આ બાબતે સ્થાનિક ભગવાનભાઈ ડોડીયા દ્વારા વર્ષ 2023માં પણ જિલ્લા કલેક્ટરને લેખિત રજૂઆત કરવામાં આવી હતી. પરંતુ તંત્ર કે નેશનલ હાઈવે ઓથોરિટી કામગીરી કરવાની તસ્દી લેતું નથી. ત્યારે તાજેતરમાં ફરી ફરિયાદો ઉઠતા તંત્રએ માત્ર આ પુલની નીચે થીંગડા મારી અને સંતોષ માની લીધો છે, તેવો સ્થાનિકો આક્ષેપ કરી રહ્યા છે.

કોડીનાર શહેર કોંગ્રેસ પ્રમુખ કૌશિક ઉપાધ્યાય આ બાબતે જણાવે છે કે, વર્ષ 2017થી સોમનાથ-ભાવનગર નેશનલ હાઈવેનું કામ શરૂ થયું છે. હજુ 8 વર્ષ વીતી જવા છતાં કામ પૂર્ણ નથી થયું. પ્રાચી પાસે આજની તારીખે પુલનું કામ અધૂરું છે અને ટોલ ટેક્સ પણ બેફામ વસૂલવામાં આવે છે. ત્યારે પેઢાવાડાના જૂના પુલને જ રસ્તો સાથે જોડી દેવામાં આવ્યો છે. અનેક વખત રજૂઆતો કરવા છતાં તંત્ર કોઈ ધ્યાન આપતું નથી. આ સિવાય પુલની સાઈડમાં રેલિંગ, લાઇટ તેમજ શહેરના પ્રવેશદ્વાર નજીક લાઇટ જેવી કોઈપણ સુવિધાઓ ઉપલબ્ધ નથી. સરકારને પણ પ્રજાની સુવિધાઓને બદલે માત્ર ટોલ ટેક્સ વસૂલવામાં જ રસ છે

(11:48 PM IST)